સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી; 31મી
ઓક્ટોબર ભારતભરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવાય છે. એકતા દિવસની ઉજવણીના
અનુસંધાને સમગ્ર દેશમાં ઓક્ટોબર માસનું અંતિમ અઠવાડિયું ‘એકતા ઉત્સવ’ તરીકે
ઉજવવામાં આવી રહ્યું છે. એકતા ઉત્સવના આરંભે; પ્રથમ દિવસે સમગ્ર દેશની સાથોસાથ
અમદાવાદ શહેર અને જિલ્લામાં માનવ સાંકળ રચીને એકતાનો સંદેશો ગામેગામ જનજન સુધી
પહોંચાડવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લાના અનેક તાલુકા મથકોએ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક માનવ સાંકળ રચીને
એકતાનો સંદેશો પ્રસરાવ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી, બીઆરસી, સી.આર.સી,
આંગણવાડી કાર્યકરો અને આરોગ્યકર્મીઓ પણ ગ્રામજનો સાથે એકતા ચેનમાં જોડાયા હતા.
તારીખ 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન સમગ્ર દેશની સાથોસાથ અમદાવાદ શહેર
અને જિલ્લામાં ઉજવાઈ રહેલા એકતા ઉત્સવ અંતર્ગત 27 મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ
પટેલના જીવન કવન પર આધારિત નુક્કડ નાટકોનું આયોજન કરાશે. 28મી ઓક્ટોબરે યુનિટી
સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 29 મી ઓક્ટોબરે યુનિટી બાઈક રેલી
યોજાશે. અમદાવાદ શહેર અને જિલ્લાના યુવાનોને બાઈક રેલીમાં જોડાવા માટે જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની
ઉજવણી અંતર્ગત એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી ધવલ પટેલે ગઈકાલે જિલ્લાના અધિકારીઓ સાથે એકતા
ઉત્સવના આયોજન સંદર્ભે યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. દિવાળીના
તહેવારોની સાથોસાથ રાષ્ટ્રીય એકતાનો આ ઉત્સવ ઉજવવા સૌ નાગરિકો ઉત્સાહભેર જોડાઈ
રહ્યા છે.