રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હાથે સરકારી પોલિટેકનિક અમદાવાદના રોવર
રેંજરને રાજ્ય પુરસ્કાર એનાયત કરાયા.
વર્ષ ૨૦૨૦-૨૧ના રાજ્ય પુરસ્કાર અંતર્ગત સરકારી પોલિટેકનિક અમદાવાદના ૧૫ રોવર રેંજર સ્કાઉટ
રાજ્ય પુરસ્કાર કેમ્પમાં પસંદગી પામ્યા છે. ૧૫ માંથી કુલ ૪ રોવર રેન્જર અને ૧૫ રોવર રેન્જર વિદ્યાર્થીઓના
પ્રતિનિધિ સ્વરૂપે રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યા
હતા.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ
નાગરિક બનવું જોઈએ તથા રાષ્ટ્રભાવના સાથે પોતાની ફરજો અદા કરવી જોઈએ. આ સાથે રાજ્યપાલશ્રીએ એવોર્ડ
પ્રાપ્ત થયેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રગતિશીલ અને સારા જીવનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, કોલેજ તેમજ યુનિવર્સિટીમાં, ખાસ કરીને ટેકનિકલ
શિક્ષણ વિભાગમાં આ પ્રકારના કાર્યક્રમોથી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિને વેગ મળશે. વિદ્યાર્થીઓને આ એવોર્ડ ઉત્સાહ પૂરો
પાડશે.
સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ અંતર્ગત ટેકનિકલ શિક્ષણ વિભાગની એકમાત્ર સંસ્થા
સરકારી પોલિટેકનિક અમદાવાદ આંબાવાડી ખાતે રોવર અને રેંજર સ્કાઉટ ગાઈડ યુનિટ કાર્યરત છે. સ્કાઉટ ગાઈડ
પ્રવૃત્તિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૨૧૬ દેશોમાં ચાલે છે. ગુજરાત રાજ્યમાં ટેકનિકલ શિક્ષણ વિભાગમાં સરકારી
પોલિટેકનિક અમદાવાદ સંસ્થા એ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સંસ્થા છે જે સ્કાઉટ ગાઈડનું રોવર રેંજર યુનિટ ચલાવે
છે.
આ પ્રકારના રોવર રેંજર યુનિટમાં કેમ્પમાં પર્યાવરણ બચાવ અને શિક્ષણ જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ
સાથે કરવવામાં આવે છે. રાષ્ટ્રના પુનઃનિર્માણ માટે એક સારા નાગરિક તરીકેની ગુણવત્તા વધારવા માટે, વિશ્વને એક
વધારે સારી જગ્યા બનાવવા માટે રોવર રેન્જર યુનિટ પ્રયત્નશીલ હોય છે. રોવર રેન્જરના સ્વયંસેવકો દેશની એકતા,
અખંડિતતા, શિક્ષણના પ્રસાર માટે સેવા આપતા હોય છે. તેઓ કમ્યૂનિટી ડેવલપમેન્ટ અને પર્યાવરણ માટે સતત કાર્ય
કરતાં હોય છે.
આ કાર્યક્રમમાં નેશનલ સ્કાઉટ કમિશનર મનીષભાઈ મહેતા, ડેપ્યૂટી ઇન્ટરનેશનલ ગાઈડ કમિશનર અનારબેન
પટેલ, ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ પેટ્રન ચીફ જસ્ટિસ કલ્પેશભાઈ ઝવેરી, નેશનલ ગાઈડ કમિશનર શ્રીમતી
સવિતાબેન પટેલ, શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એસ. જે. હૈદરે હાજર રહી સંસ્થાના વિદ્યાર્થીઓને ખૂબ
શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.