Breaking News

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે પ્રથમ વખત ગૂજરાત
વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. વિદ્યાપીઠ દ્વારા રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વશાંતિ માટે ગાંધી
જીવન-દર્શનને જન-જન સુધી પહોંચાડવું આજે અત્યંત જરૂરી છે.
રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે વિદ્યાપીઠની પ્રથમ મુલાકાત સમયે મહાત્મા
ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સેવક તરીકે જોડાઈને સેવા કરવાનો અવસર મળવા બદલ
કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રથી બંધાઈને પરિવારભાવ સાથે મહાત્મા ગાંધીજીના
ચિંતનને સાકાર કરવા સૌ સાથે મળીને શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.


રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ ગાંધી જીવનદર્શનને પામવાનું – શીખવાનું પરમ તીર્થ
છે. તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિગતરૂપે તેઓ જીવનમાં બે મહાપુરુષોથી પ્રભાવિત છે. એક મહર્ષિ દયાનંદ સરસ્વતી
અને બીજા મહાત્મા ગાંધીજી, જેમણે ગુજરાતની પાવન ધરતી પર જન્મ લઈ વિશ્વકલ્યાણ માટે સ્વાર્પણ કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદગી બદલ આભારની લાગણી વ્યક્ત કરતા
જણાવ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે મહાત્મા ગાંધીજી જીવનપર્યંત રહ્યા, ત્યાર બાદ સરદાર
વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, શ્રી નારાયણભાઈ દેસાઈથી લઈને શ્રી
ઈલાબહેન ભટ્ટ જેવા મહાન વ્યક્તિઓ અને ચિંતકોએ ગાંધીવિચારને જન જન સુધી પહોંચાડવા ભગીરથ પુરુષાર્થ
કર્યો, એ પદ પર કાર્ય કરીને ગૂજરાત વિદ્યાપીઠની આ પરંપરાને વધુ મજબૂતીથી આગળ ધપાવીશું.
રાજ્યપાલશ્રીએ ગાંધી જીવન-દર્શનને સર્વકાલીન ગણાવી ઉમેર્યું હતું કે સૃષ્ટિની રચનાથી લઈને સૃષ્ટિના
અસ્તિત્વ સુધી આ સિદ્ધાંતો વિના દુનિયાને ચાલવાનું નથી. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વગેરે

જેવા ગાંધીજીના આદર્શોથી જ વિશ્વશાંતિની સ્થાપના થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે મન, વચન અને કર્મ દ્વારા
ગાંધીજીના આદર્શોને આત્મસાત્ કરીને રાષ્ટ્રનિર્માણ માટે કાર્યકર્તાઓ તૈયાર કરવાના ધ્યેયને સિદ્ધ કરવા સૌ પુરુષાર્થ
કરીએ.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતને આત્મનિર્ભર ભારતના
નિર્માણમાં પાયારૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીના સપનાના ગ્રામોદય દ્વારા જ ભારત દેશ
વિશ્વમાં અગ્રેસર બની શકશે. તેમણે ખાદી માત્ર વસ્ત્ર નહિ, પરંતુ જીવન-દર્શન છે, એમ જણાવી ઉમેર્યું હતું કે
પાંચમા ધોરણમાં અભ્યાસ પછી તેમણે ખાદીનાં વસ્ત્રો સિવાય કોઈ અન્ય વસ્ત્રો પહેર્યાં નથી. ગાંધી જીવન-દર્શનને
આત્મસાત કરીને તેમણે અપનાવેલા પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક ચિકિત્સાના સ્વાનુભવને રજૂ કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ ગાંધીજીના આદર્શો અનુસાર કાર્યકર્તાઓના ઘડતર માટેના ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયને
સાકાર કરવા સૌ સાથે મળીને પુરુષાર્થ કરીએ એમ જણાવી કુલપતિ પદે પોતાની પસંદગી કરવા બદલ સંચાલક
મંડળનો હાર્દિક આભાર માન્યો હતો.
રાજ્યપાલશ્રીએ વિદ્યાપીઠના ગ્રંથાલય, ઉદ્યોગભવન, આદિવાસી સંશોધન કેન્દ્ર, બાઇબલ ખંડ, મૌન ખંડ
વગેરે સંકુલોની મુલાકાત લઈ ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ પ્રસંગે વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખિમાણીએ રાજ્યપાલશ્રીને ગૂજરાત વિદ્યાપીઠ વતી સ્વાગત
કરી આવકાર્યા હતા, જ્યારે કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post