મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
-સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ એ જ સકારાત્મકતાનું
સૌથી મોટું ઉદાહરણ
– શ્રી નરેન્દ્રભાઈની કાર્યપદ્ધતિ હરહંમેશ સકારાત્મક રહી, તેમણે કામ કરી બતાવ્યા જેનાથી
લોકો સકારાત્મક થયા
-સમાજજીવનની કોઈ એક ઘટના નકારાત્મક હોઈ શકે પણ અન્ય ૯૯ સકારાત્મક હોય
છે. આપણે તેના પર નજર રાખવી જોઈએ
પદ્મશ્રીથી સન્માનિત સારસ્વત શ્રી કુમારપાળ દેસાઈ સહિત અનેક સાહિત્ય
શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયો પુસ્તક વિમોચન સમારોહ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પુસ્તક દિવસે અમદાવાદમાં વરિષ્ઠ પત્રકાર શ્રી
રમેશ તન્નાની પોઝિટિવ સ્ટોરીઝ શ્રેણીના દસમા પુસ્તક ‘સમાજનો છાંયડો’ના વિમોચન પ્રસંગે
જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલું સૂત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ,
સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ એ જ સકારાત્મકતાનું સૌથી મોટું ઉદાહરણ છે. ગુજરાત રાજ્ય
અને શ્રી નરેન્દ્રભાઈની કાર્યપદ્ધતિ હરહંમેશ સકારાત્મક રહી છે. તેમણે કામ કરી બતાવ્યા
જેનાથી લોકો સકારાત્મક થયા, એમ તેમણે ઉમેર્યું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પહેલા લોકો માનતા કે ભારતમાં કશું બદલાઈ ન શકે પરંતુ
આ માન્યતા શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં બદલાઈ છે, જેનું સૌથી મોટું ઉદાહરણ સ્વચ્છતા
અભિયાન છે.
વરિષ્ઠ પત્રકાર અને સંપાદક શ્રી રમેશ તન્ના દ્વારા લિખિત ‘સમાજનો છાંયડો’
પુસ્તકમાં સમાજમાં સકારાત્મકતા ફેલાવનાર બસ કંડકટર, પ્રકૃતિપ્રેમી અને સમાજસેવીઓના
સેવાકાર્યોનું વર્ણન છે. આજના સમારોહમાં મુખ્યમંત્રીશ્રી અને સમાજનાયકોના હસ્તે પુસ્તકનું
વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સમાજજીવનમાં સકારાત્મક રહેવું જરૂરી છે. સવારે
જાગીએ ત્યારથી રાત્રે સુઈએ ત્યાં સુધી આપણે મુશ્કેલીઓથી ઘેરાયેલા હોય એવું લાગે,
સમાજજીવનની કોઈ એક ઘટના નકારાત્મક હોઈ શકે પણ અન્ય ૯૯ સકારાત્મક હોય છે.
આપણે તેના પર નજર રાખવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.


સકારાત્મકતા પર ભાર મુકતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રીમદ ભગવત ગીતામાં
ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનની દૃષ્ટિ બદલી હતી. આપણા ધર્મગુરુઓ પણ સમજાવે છે કે
જીવનમાં સકારાત્મક રહીને કર્મો કરવાથી પરિણામ પણ સકારાત્મક મળે છે. આપણે
પરિણામલક્ષી પ્રયત્નો કરવા જોઈએ અને ત્યારબાદ પરિણામ સ્વીકારવાનું બળ પુસ્તકો થકી
મળે છે. જેના થકી એક સકારાત્મક સમાજનું નિર્માણ થાય છે. ગુજરાત સરકારના ‘વાંચે
ગુજરાત’ જેવા અભિયાનો સમાજની દૃષ્ટિમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે, એમ તેમણે
ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત પદ્મશ્રીથી સન્માનિત સારસ્વત શ્રી કુમારપાળ દેસાઈએ
સૌપ્રથમ સમાજના ઉજળાપણાને ઉજાગર કરવા બદલ શ્રી રમેશ તન્નાને અભિનંદન પાઠવીને
જણાવ્યું કે, પુસ્તકમાં ઉલ્લેખિત સમાજનાયકો સમાજને સાચી રાહ ચીંધે છે. તેમણે કહ્યું કે, આજે
માનસિક રોગોના જમાનામાં શ્રી રમેશ તન્નાએ તેના ઉપચાર સમાન પોઝિટિવિટીના પુસ્તકો
લખ્યા છે. સમાજનો દ્રષ્ટિકોણ સકારાત્મક કરવામાં તેમનું આ અનન્ય યોગદાન છે. ડાંગમાં
એક બાળકની પ્રામાણિકતા સ્પર્શી અને સૌપ્રથમ સોશિયલ મીડિયા અને ત્યારબાદ પુસ્તકરૂપે
આપણને મળ્યા છે. ૨૦૧૩થી સાહિત્ય સર્જનની શરૂઆત થઈ. ૨૦૧૯માં પ્રથમ પુસ્તક
પ્રકાશિત થયા બાદ પાંચ વર્ષમાં સામાન્ય લોકોની અસામાન્યતા વાત કરતી ૬૦૦ પોઝિટિવ
સ્ટોરીઝ લખી, એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી રમેશ તન્નાએ અગાઉ પોઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં ૯ પુસ્તકોમાં સમાજના વિવિધ
પાસાઓને સ્પર્શતા મુદ્દાઓ પર ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોના જીવન અને કાર્યને સમાવ્યું
છે. શ્રી રમેશ તન્નાએ પોતાના દસમા પુસ્તકનો પરિચય આપ્યો હતો. સાથોસાથ શ્રીમતી
અનિતા તન્નાએ કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત
કર્યું હતું.
આજના સમારોહમાં લેખક શ્રી રમેશ તન્નાના પરિવારજનો, સમાજના સાહિત્ય
શ્રેષ્ઠીઓ, ભાષારસિકો અને આસામ, મુંબઈ તેમજ ગુજરાતના વિવિધ સ્થળોએથી સમાજ નાયકો
તથા આમંત્રિત મહેમાનો સામેલ થયા હતા.