વડોદરામાં રોકાણકારો વરસી પડ્યાઃ વિવિધ ક્ષેત્રમાં ૧૯ એકમો દ્વારા રૂ. ૫૩૫૯ કરોડમાં એમઓયુ થયા
વાયબ્રન્ટ ગુજરાતને પરિણામે રાજ્યના ઔદ્યોગિક વિકાસની કાયાપલટ થઇ છે
-ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી
વડોદરામાં મિનિ વાયબ્રન્ટ જેવો માહોલ ઉભો થયો, બાયર્સ સેલર્સ મિટ સહિત વિવિધ ટેકનિકલ સેશનનું થયું આયોજન
10-10
ઓપન હાઉસમાં માર્ગો, માળખાકીય સુવિધા, વીજળી, લેન્ડ, પરિવહન, પર્યાવરણલક્ષી વિકાસ સહિતના મુદ્દાઓ ઉપર ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું
વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં ૧૬૦ જેટલા વેન્ડરો સહભાગી થયા હતા.
આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૯ જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. આ રોકાણથી વડોદરામાં આગામી દિવસોમાં ૫૦ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થવાની ધારણા છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને તેના પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ વખતના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી તમામ જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે. જેમાં ડાંગથી લઇ દાંતા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. સાથે, જે તે જિલ્લાની એક પ્રોડક્ટને પણ પ્રોજેક્ટ કરવામાં આવી છે. વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાની પારાસિટામોલ ટેબ્લેટને સમાવવામાં આવી છે.
વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ થકી છેવાડાના નાનામાં કારીગરોને પ્રોત્સાહન મળે છે અને તેના કારણે સ્થાનિક ઉત્પાદનને પ્રમોટ કરવામાં ફાયદો થશે, એમ શ્રી સંઘવીએ ભારપૂર્વક કહ્યું હતું.
વડોદરા જિલ્લો ઔદ્યોગિક રીતે અગ્રણી રહ્યો છે અને અહીંના ઉદ્યોગપતિઓ અન્યને માર્ગદર્શન પૂરૂ પાડે એવું વિઝન ધરાવે છે. હવે, વડોદરાના વિકાસ સાથે તેઓ પણ તાલ મેળવી રહ્યા છે. જનપ્રતિનિધઓ પણ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રવૃત્ત રહે છે. તેના કારણે જ રાજ્યમાં સૌથી ઉત્તમ પ્રકારે વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા કાર્યક્રમ થયો છે અને તેમાં જિલ્લા વહીવટી તંત્રનું યોગદાન સરાહનીય છે, તેમ તેમણે ઉમેર્યું છે.
ગુજરાતની શાંતિ, સલામતી, ઉદ્યોગ સાહસિક્તા, કુશળ માનવબળની ઉપલબ્ધતા, સર્વોત્તમ માળખાકીય પરિવહનની સુવિધા, સ્થિરતા અને નીતિ નિર્ધારણને કારણે વિશ્વભરના રોકાણકારોનું પસંદગીનું રાજ્ય છે, આ ગુજરાતની ગેરંટી છે, એમ કહેતા શ્રી સંઘવીએ ઉમેર્યું કે, આ પરિબળોને પરિણામે જે માઇક્રોન, ટાટા એરબસ જેવી કંપનીનું ગુજરાતમાં રોકાણ આવ્યું છે અને તેનાથી અનેક લોકોને રોજગાર મળશે. એક સમયે ગુજરાતમાં રોડ પણ સારા નહોતા, તે ગુજરાતમાં આજે સી-૨૯૫ જેટલા ડિફેન્સ સેક્ટરના પ્લેન બની રહ્યા છે, આવું કોઇએ વિચાર્યું પણ નહી હોય !
સ્ટાર્ટઅપ પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવાનોને શીખ આપતા શ્રી સંઘવીએ કહ્યું કે, સપના જોવા, સપનાને જોઇ તેને ભૂલી જવા નહીં, તેને સાકાર કરવા માટે અથાક મહેનત કરવી જોઇએ. ગુજરાત સરકાર તમારી પડખે ઉભી છે અને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે ઔદ્યોગિક વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લો ઔધોગિકક્ષેત્રે પ્રેરણાદાયી રહ્યો છે. વડોદરા શહેર મોટા ઉદ્યોગો જેમકે પેટ્રોકેમીકલ ફાર્મા ઓટોમોટિવ, સાયન્સ અને ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને અન્ય માદયમિક અને ઉચ્ચ પ્રાદ્યોગીક ઉદ્યોગોનું ઘર છે તથા એમએસએમઇ ઉદ્યોગ માટે ઘણી બધી ઔદ્યોગિક વસાહતો છે અને ઘણા ખાનગી ઔદ્યોગિક પાર્ક વિકસી રહ્યા છે.
તેમણે કહ્યું કે, નોંધાયેલ ઉદ્યમ રજીસ્ટ્રેશન મુજબ વડોદરા જિલ્લામાં કુલ એમએસએમઇ એકમો ૧.૧૪ લાખથી વધુ છે, જે ગુજરાત રાજ્યના કુલ નોંધાયેલ એકમોની ૮ ટકા સંખ્યા ધરાવે છે. અને તેમાં આશરે રૂ.૯૩૭૨ કરોડ જેટલું મૂડીરોકાણ એમએસએમઇ એકમોનું છે. જે કુલ ગુજરાત રાજયનાં કુલ એમએઇએમઇ રોકાણના ૭ ટકા ટકા જેટલું થાય છે.
વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા સાથે વિવિધ ટેકનિકલ સેશન્સ પણ યોજાયા હતા. જેમાં નિકાસ, નાણાકીય વ્યવસ્થાપન સહિતની બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગૃહરાજ્ય મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા અહીં યોજાયેલા પ્રદર્શનની મુલાકાત પણ લેવામાં આવી હતી. ખાસ કરીને તેમણે ટાટા એરબસ અને એલએન્ડટીના સ્ટોલને રસપૂર્વક નીહાળ્યો હતો.
કલેક્ટર શ્રી અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા ઉપરાંત અન્ય અધિકારીઓ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમમાં માર્ગો, માળખાકીય સુવિધા, વીજળી, લેન્ડ, પરિવહન, પર્યાવરણલક્ષી વિકાસ સહિતના મુદ્દાઓ ઉપર ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વેળાએ મેયર શ્રીમતી પિન્કીબેન સોની, મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લા, ધારાસભ્ય શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી ચૈતન્યભાઇ દેસાઇ, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, ઉપમેયર શ્રી ચિરાગભાઇ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઇ મિસ્ત્રી, જીઆઇડીસીના સંયુક્ત એમડી શ્રી નરેન્દ્ર મિના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી શક્તિ ઠાકોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા