Breaking News

Default Placeholder Default Placeholder

અમૃત કાળમાં યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પનો રોડ મેપ તૈયાર કરશે : અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર

5-1

ગાંધીનગર, 05 જાન્યુઆરી 2024:

ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન તેમના દૃષ્ટિવંત નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના થઈ અને વર્ષ ૨૦૦૩માં પ્રથમ સમિટ યોજાઇ હતી. બે દાયકાઓમાં ગુજરાત માત્ર ભારતમાં જ નહિ વિશ્વભરમાં વિકાસનું રોલ મોડલ અને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે.

મંત્રીશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિતના વિવિધ આયોજનો થકી રાજ્યને મળેલી સિદ્ધિઓનું વર્ણન કરતાં ઉમેર્યું હતું કે, ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું છે, પરંતુ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૩૩ ટકા છે. દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૧૮ ટકા છે. ગુજરાત લોજિસ્ટિક્સ રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે. એટલું જ નહિ, રોજગારીની તકો પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબરે રહ્યું છે. ઉપરાંત રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનું યોગદાન ૮.૪ ટકા છે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ જે હૈદરે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં યોજાઈ રહેલી આઝાદીના અમૃતકાળની આ વાઇબ્રન્ટ સમિટ ‘વિકસિત ભારત @ 2047’નો રોડ મેપ તૈયાર કરશે.

તેમણે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ૨૦૦૩થી શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિટની આ ૧૦મી શૃંખલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શક હેઠળ યોજાઈ રહી છે. જેમાં ૧૩૬ દેશોમાંથી ૧ લાખ ૭ હજાર કરતાં વધુ રજીસ્ટ્રેશન થયું છે જે ઐતિહાસિક રેકોર્ડ ધરાવે છે. જેમાં વ્યક્તિગત તેમજ કંપનીઓનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં યોજાઇ રહેલ વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતની છબીમાં દેશ-વિદેશમાં નોંધપાત્ર વધારો થયો છે. ૧૦મી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાઈ રહેલ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૦૯મી જાન્યુઆરીના રોજ બપોર બાદ કરશે. તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ઉદ્ઘાટન સમારોહ મહાત્મા મંદિર ખાતે તા.૧૦મી જાન્યુઆરીના રોજ સવારે ૦૯:૪૫ કલાકે થશે જેમાં દેશ-વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ સહભાગી થશે. જેમાં વિવિધ સેમીનારો, રીવર્સ બાયર્સ મીટ, બિઝનેસ પ્રમોશનલ કાર્યક્રમો ઉપરાંત B2B, B2G, G2G, બેઠકો પણ યોજાશે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત રાજ્યમાં આ ૧૦મી સમિટ અંતર્ગત ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ૩૨ જિલ્લાઓમાં યોજાયેલ કાર્યક્રમોમાં ૪૬ હજાર કરોડના MOU થયા છે જેના થકી ૧.૭૫ લાખથી વધુ રોજગારી ઉત્પન્ન થશે.

તેમણે કહ્યું કે, આ સમિટમાં જે પણ MOU થયા છે તેને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તમામ શક્યતાઓ ચકાસવામાં આવી છે અને તે માટે સક્રિય પ્રયાસો હાથ ધરાશે.

તેમણે કહ્યું કે, આ વખતની સમિટમાં જી-20 અંતર્ગત જે થીમ હતી તેણે આગળ વધારવા માટેના પ્રયાસો પણ હાથ ધરાશે. આ વખતે અને રાજ્યોને પ્રોત્સાહન આપવા માટે સ્ટેટ અને કન્ટ્રી સેમિનારનું પણ આયોજન હાથ ધરાયું છે સાથે સાથે વડાપ્રધાનશ્રીના “નેટ ઝીરો”ના કન્સેપ્ટને સાકાર કરવા માટે પણ રાજ્ય સરકારે પ્રાધાન્ય આપ્યું છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં નોલેજ બેઝ ઇકોનોમીને આગળ વધારવા માટે વિવિધ કનેક્ટિવિટી, કાયદો વ્યવસ્થા, પાવર સપ્લાય જેવી આનુષાંગિક સુવિધાઓ પણ સત્વરે પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે સેમિકન્ડક્ટર્સ અને માઈક્રોન જેવી વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં આવી છે.

તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટ ની આ દશમી શૃંખલા “ગેટવે ધ ફ્યુચર”ની ભૂમિકા પૂરી પાડશે સમીટ દરમિયાન યોજાયેલ સેમિનારોમાં વૈશ્વિક પડકારો અને તેના નિરાકરણ માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા યોજાય રહેલી આ સમિટમાં લોકોને સહભાગી બનવા તેમજ અહીં ઉપલબ્ધ માહિતીનો વ્યાપક ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાગલે, ઇન્ડેક્ષ્ટ-બી મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા તેમજ ઉદ્યોગ વિભાગના અધિક કમિશનર શ્રી કુલદીપ આર્ય ઉપસ્થિત રહ્યા હતા.

*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: