‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ’ સમિટનો રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે ગાંધીધામ ખાતે ભવ્ય શુભારંભ
૦૦૦૦
વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં કુલ ૧૩૯ MSME એકમો સાથે રૂ.૩૩૭૦ના કરોડના MoU સાઈન થયા
૦૦૦૦
-: રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા:
ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે
વડાપ્રધાનશ્રીના વિઝનના લીધે કચ્છ વિનાશક ભૂકંપમાંથી બેઠું થયું છે
કચ્છની જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ સમિટની તુલના રાજ્યકક્ષાની વાઇબ્રન્ટ સમિટ સાથે કરતા રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા
કોઈપણ દેશ એક રાજ્ય સાથે MoU કરે તે અકલ્પનીય ઘટના વાઈબ્રન્ટ સમિટથી શક્ય બની છે
કચ્છમાં ભૂકંપ બાદ સરકારશ્રીના પ્રયાસથી ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.૧,૪૦,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે
કચ્છી માડુઓના ખમીર અને સરકારના વિઝન થકી કચ્છ ફરીથી ધમધમતું થયું છે
વાઈબ્રન્ટ કચ્છના ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર – ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન આપતા રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
૦૦૦૦
કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ગરિમામય ઉપસ્થિતિ
૦૦૦૦
રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા :
વડાપ્રધાનશ્રી દીર્ઘદ્રષ્ટિથી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે
આજે ગુજરાતમાં વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે
કચ્છ એ માત્ર પ્રદેશ નથી, સાંસ્કૃતિક વિરાસતનો વારસો છે
ભુજ, મંગળવાર..10-10
આજરોજ કચ્છના ગાંધીધામ ખાતે સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં કુલ ૧૩૯ MSME એકમો સાથે રૂ.૩૩૭૦ના કરોડના MoU સાઈન થયા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન. વાઈબ્રન્ટ એટલે 3T – ટેલેન્ટ, ટેક્નોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને પોલીસીનું સરળીકરણ છે.
રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. કચ્છમાં સરકારના પ્રયાસોના લીધે અનેક ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. રોડ રસ્તાની કનેક્ટિવિટી, ચોવીસ કલાક સાતત્યપૂર્ણ વીજ પુરવઠો, સિંગલ વિન્ડો સર્ટિફિકેશન, પોર્ટનો વિકાસ વગેરે સરળીકરણના લીધે કચ્છમાં ઉદ્યોગો વિકસ્યા છે. વડાપ્રધાનશ્રીના વિઝનના લીધે કચ્છ વિનાશક ભૂકંપમાંથી બેઠું થયું છે અને દેશમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે વાત કરતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે ગાંધીધામ ખાતે રાજ્યકક્ષાની વાઈબ્રન્ટ ઈવેન્ટ યોજાય રહી હોય એવી તૈયારીઓ છે. કોઈપણ દેશ એક રાજ્ય સાથે MoU કરે તે અકલ્પનીય ઘટના વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી શક્ય બની છે. કચ્છમાં ભૂકંપ બાદ સરકારશ્રીના પ્રયાસથી ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.૧,૪૦,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે.
અનેક વિપદામાંથી બેઠા થયેલા કચ્છના લોકોની ખુમારીને બિરદાવતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કચ્છી માડુઓના ખમીર અને સરકારના વિઝન થકી જ કચ્છને ફરીથી ધમધમતું બનાવ્યું છે. વાઈબ્રન્ટ કચ્છના ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર – ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન આપતા રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉદ્યોગ સાહસિકોને કચ્છમાં મહત્તમ રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો.
ગુજરાત વિશે ગર્વભેર મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના GDP માં ગુજરાતનો હિસ્સો અંદાજે ૮.૪ ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા હિસ્સો ગુજરાતનો છે તો ભારતના કુલ એક્સપોર્ટમાં ૩૩% ગુજરાતની ભાગીદારી છે. ગુજરાતમાં ૧૩ લાખ થી વધુ MSME રજીસ્ટર્ડ છે .
આ તકે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દીર્ઘદ્રષ્ટિથી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તેનું ઉત્તમ ઉદાહરણ બની છે. આજે ગુજરાતના તમામ જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના રથને આગળ વધારી રહી છે. આજે ગુજરાતમાં વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ એ માત્ર પ્રદેશ નથી, સાંસ્કૃતિક વિરાસતનો વારસો છે. વધુમાં વધુ રોકાણ કરીને કચ્છના વિકાસ થકી દેશના વિકાસમાં સહભાગી થવા રાજ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ સાહસિકોને અપીલ કરી હતી.
સ્વાગત પ્રવચન કરીને મહાનુભાવોને આવકારતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો આજે ઔદ્યોગિક હબ બન્યો છે. કચ્છ આજે ઔદ્યોગિક એકમો માટે મહત્વનું ડેસ્ટિનેશન છે. શ્રી અરોરાએ ઉદ્યોગોને કચ્છમાં આમંત્રણ આપીને જણાવ્યું હતું કે, ૧૦ હજાર હેક્ટર પ્રિ-ક્લિયર જમીનની લેન્ડ બેંક બનાવવામાં આવી છે. કેવી રીતે કચ્છ આજે વિકાસ પંથ ઉપર દોડી રહ્યું છે તેનું વિગતવાર પ્રેઝન્ટેશન શ્રી અરોરાએ મહાનુભાવોની સમક્ષ આપ્યું હતું.
દીનદયાળ પોર્ટના ચેરમેન શ્રી એસ.કે.મહેતાએ જણાવ્યું હતું કે, કચ્છમાં આજે અનેક ઉદ્યોગો કાર્યરત છે. શ્રી મહેતાએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષની સફળતાની ઉજવણી કરી રહી છે ત્યારે દીનદયાળ પોર્ટ સરકારશ્રીની સાથે છે. કચ્છ જિલ્લાને સંભાવનાઓનો જિલ્લો ગણાવીને તેઓએ કહ્યું કે, દીનદયાળ પોર્ટ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા પ્રયાસરત છે.
ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ એ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી.
વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં વેન્યૂ પાર્ટનર તરીકે દીનદયાળ પોર્ટ, પ્રેઝેન્ટીગ પાર્ટનર તરીકે ડીપી વર્લ્ડે અને નોલેજ પાર્ટનર તરીકે ફોકિયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી તેજસ શેઠ, ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન બાબરીયા, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીર, પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગરના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી લલિત નારાયણ સિંગ સંધુ, ઉદ્યોગ સાહસિકોશ્રી વિ. શેખરન, શ્રી અશોક પુડીર, શ્રી દેબાસીસ મજુમદાર,શ્રી સંદીપ જયસ્વાલ, શ્રી પ્રીતિ પટેલ, શ્રી આદિલ શેઠના, શ્રી પંકજ કુદેશીના, શ્રી મહેશ પુંજ, શ્રી પ્રશાંત સંઘવી, શ્રી રિતેશ તન્ના, શ્રી મિસબા ઉલ હક, શ્રી પ્રમોદ શુક્લા, શ્રી અનસુલ તોસનીવાલ, શ્રી અરુણકુમાર શર્મા, શ્રી રામ પ્રસાદ શર્મા, શ્રી આર.પી.સિંગ, શ્રી મુકેશ શર્મા, શ્રી નીરજ બંસલ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટીતંત્ર તરફથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે. પ્રજાપતિ, પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામકશ્રી આર.કે.ઓઝા, પ્રાંત અધિકારી સર્વેશ્રી મેહુલ દેસાઈ, મેહુલ બરાસરા, દેવાંગ રાઠોડ, બાલમુકુન્દ સૂર્યવંશી, ચેતન મિસણ, નીતિ ચારણ, બી.એચ. ઝાલા, એ.બી.જાદવ તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.