Breaking News

Default Placeholder

બોટાદ ખાતે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમા ”વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ બોટાદ’ સમિટ યોજાઈ

બોટાદના ૭૮ ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૩૦૬.૪૨ કરોડના એમ.ઓ.યુ.કર્યાં : અંદાજે ૧,૨૧૩થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે
*

  • વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થકી રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને પ્રોત્સાહન મળી રહ્યું છે
  • વાઈબ્રન્ટ સમિટ બ્રાન્ડીંગ નહીં પરંતુ બોંન્ડીગ છે
  • ઉદ્યોગ, વેપાર,ધંધાના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે

: મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
*

  • વડાપ્રધાનશ્રીએ સર્વ સમાવેશક વિકાસની વિભાવનાને ચરિતાર્થ કરી છે

: સાંસદ ભારતીબેન શિયાળ

માહિતી બ્યુરોઃ બોટાદ.13-10

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને સફળતાપૂર્વક બે દાયકા પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે આજે બોટાદના નાનાજી દેશમુખ ઓડોટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ બોટાદ’ સમિટ યોજાઈ હતી .

આ પ્રસંગે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩માં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમીટની શરૂઆત કરી હતી જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતે વિકાસની દિશામાં કદમ માંડ્યાં છે. વાઈબ્રન્ટ ગુજરાત સમીટ થકી રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને વિપુલ પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, વાઈબ્રન્ટ સમિટ એ એક બ્રાન્ડીંગ નહીં પરંતુ બોંન્ડીગ છે. ગુજરાત રાજ્યે ભારત સાથે અને ભારતે અન્ય દેશો સાથે બોંન્ડીગ કરીને મૂડીરોકાણ કરીને ભારતે સર્વસમાવેશક વિકાસ સાધ્યો છે.વડાપ્રધાનશ્રીએ પ્રારંભાયેલી વાઈબ્રન્ટ સમિટને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તે જ દિશામાં આગળ ધપાવી રહ્યાં છે. છેવાડાના લોકો માટે વાઇબ્રન્ટ સમીટ રોજગારીનું માધ્યમ બનશે તેમ જણાવ્યું હતું.

ઉદ્યોગ, વેપાર,ધંધાના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે બોટાદ જિલ્લામાં મુખ્યત્વે ડાયમંડ એકમો, કોટન જીનીંગ અને પ્રેસીંગ એકમો, ફૂડ પ્રોસેસીંગ એકમો, ઓઇલ મીલ, પીવીસી પાઇપ એકમો તથા એન્‍જીનીયરીંગ સહિતના વિવિધ એકમો પણ આવેલા છે.બોટાદ જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ બોટાદના કાર્યક્રમ થકી જિલ્લાના ૭૮ ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.૩૦૬.૪૨ કરોડના એમ.ઓ.યુ.કર્યાં હોવાથી અંદાજે ૧,૨૧૩થી વધુ વ્યક્તિઓને રોજગારી મળી રહેશે. આગામી સમયમાં બોટાદ જિલ્લો વિકસીત જિલ્લો બનશે તેવી પ્રતિબધ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

બોટાદવાસીઓને સંબોધતા ભાવનગરના સાંસદશ્રી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, “આજે બોટાદના આંગણે આગઉ ક્યારેય ન જોયો હોય તેવો અનેરો અવસર આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આજે આપણા ગુજરાતમાં અનેક ઉદ્યોગો મૂડીરોકાણ કરી રહ્યા છે. વિશ્વગુરુ બનવાની આ સફરમાં વિશ્વના દેશોના ઉદ્યોગપતિઓ ભારત પર વિશ્વાસ મૂકી રહ્યા છે. દુનિયાનો અભિગમ ભારત પ્રત્યે સકારાત્મક રીતે બદલાયો છે. દેશનો વિકાસ શ્રી નરેન્દ્રભાઈએ દીર્ઘદ્રષ્ટીથી આગળ વધાર્યો જ્યારે રાજ્યના વિકાસની જવાબદારી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે વહન કરી રહ્યા છે.વડાપ્રધાનશ્રીએ સર્વ સમાવેશક વિકાસની વિભાવનાને ચરિતાર્થ કરી છે. સ્થાનિક ઉદ્યોગો પણ જિલ્લાઓના વિકાસ માટે પૂરતો સહકાર આપી રહ્યા છે. અને આ સર્વાંગી વિકાસને છેવાડાના માનવી સુધી પોહચાડવા માટે “વાઈબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.” આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.

આ અવસરે બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયએ જણાવ્યું હતું કે, આ મહોત્સવ વાઇબ્રન્ટ સમિટ -૨૦૨૪ના પ્રી- ઈવેન્ટના ભાગરૂપે યોજાઇ રહ્યો છે. “વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ મહોત્સવના પ્રદર્શનમાં વિવિધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો તથા હસ્તકલા-આર્ટીઝનના કુલ ૪૧ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. આ મહોત્સવમાં જિલ્લાનાં ઔદ્યોગિક એકમો દ્વારા B2B, B2Cનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાને વાઈબ્રન્ટ બનાવવા માટે નિરંતર કાર્યરત છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા સિનિયર સિટિઝન માટે ધાર્મિક પ્રવાસનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાવાસીઓની સુખાકારીમાં વધારો કરતા ૪-૪ ટેલિસ્કોપની ભેટ આપી હતી. હવે જિલ્લા વહીવટી તંત્ર ટેક્સપીન બેરિંગ્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી બોટાદવાસીઓને જ્યોતિગ્રામ સર્કલ પાસે મ્યુઝિકલ ફાઉન્ટેનનું નજરાણું આપવા જઈ રહ્યું છે. જિલ્લામાં વિચરતી વિમુક્તિ જાતિના તમામ લોકોને પ્લોટ ફાળવણી કરવામાં આવી છે. બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી પરિસર ખાતે ગુજરાતના નકશા સાથે સિંહની પ્રતિકૃતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અવિરત પ્રવૃત્તિઓ થકી આપણો બોટાદ જિલ્લો વાઈબ્રન્ટ જિલ્લા તરીકે પ્રસ્થાપિત થવા જઈ રહ્યો છે. “ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે પાલક માતા પિતા યોજનાના ૫ બાળકોને કિટ્સ, ૨ લાભાર્થીઓને ચેક વિતરણ, સામાજિક ન્યાય નિધિની ગ્રાન્ટમાંથી ૫ લાભાર્થીઓને શૈક્ષણિક કિટ અને રોજગારી એનાયત પત્રો વિતરણ કરવાની સાથે ૫ જેટલાં લોન સેક્શન લેટર પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ બોટાદ જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજરશ્રી અજય પાઠક દ્વારા કરવામાં આવી હતી. અંતમાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સહિત અન્ય મહાનુભાવો દ્વારા અહીં યોજાયેલા પ્રદર્શનની મુલાકાત પણ લેવામાં આવી હતી. આ પ્રસંગે , જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા,અધિક નિવાસી કલેક્ટર શ્રી મુકેશ પરમાર,પ્રાંત અધિકારી શ્રી દિપકભાઇ સતાણી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વીરાણી, જિલ્લાના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ-સદસ્યશ્રીઓ સહિત અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post