શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે વાઇબ્રન્ટ પંચમહાલ કાર્યક્રમ યોજાયો
__
વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ૧૩૩.૪૫ કરોડના ૩૯ MoU થયા
સરકારશ્રી દ્વારા ઉદ્યોગો સ્થાપવા માટે સરળ નીતિઓ ઊભી કરાઈ છે.વાઇબ્રન્ટ થકી ગુજરાત વિકસિત,દીક્ષિત અને ધબકતું બન્યું છે – શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર
10-10
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત,વાઇબ્રન્ટ પંચમહાલ’ કાર્યક્રમ રાજ્યના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાલોલ સ્થિત ધી ગ્રાન્ડ ધ્વનિત બેન્કવેટ હોલ ખાતે યોજાયો હતો.
જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ અને જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું.જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જાહેર જનતા માટે ૨૫ એક્ઝિબેશન સ્ટોલને શિક્ષણમંત્રી દ્વારા ખુલ્લા મુકાયા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી.
વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ મેનેજર અને મહાનુભાવોના હસ્તે ઉદ્યોગકારો સાથે ૧૩૩.૪૫ કરોડના ૩૯ MoU કરવામાં આવ્યા હતા.
વાઇબ્રન્ટ પંચમહાલ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, તાત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશ – વિદેશના ઉદ્યોગકારોએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરીને રોજગારની તકો ઊભી કરી છે.આ માટે સરકારશ્રી દ્વારા ઉદ્યોગો સ્થાપવા માટે સરળ નીતિઓ ઊભી કરાઈ છે.ગુજરાત વિકસિત,દીક્ષિત અને ધબકતું બને એ માટે આવતા વર્ષે વાઇબ્રન્ટની ૨૦ વર્ષની ઉજવણીમાં ૧૩૫ દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે, જે ગુજરાત સરકારશ્રીની સરળ ઉદ્યોગનીતિને પ્રોત્સાહન આપશે.વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થકી નાના ઉદ્યોગકારો/કારીગરો પોતાની પ્રોડક્ટને વિશ્વ સમક્ષ રાખી શકે છે.નિકાસની દૃષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબર પર છે.
તેમણે પંચમહાલ જિલ્લાની વાત કરતા જણાવ્યું કે,વન પ્રોડક્ટ,વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત પંચમહાલ જિલ્લાનો પ્લાસ્ટિક ઉદ્યોગ રાજ્યમાં અગ્રેસર છે. જિલ્લામાં જી.આઈ.ડી.સી મારફત સ્થાનિક રોજગારીની તકો તો વધી જ છે સાથે ૫ હજાર જેટલા પરપ્રાંતિય લોકો પણ રોજગારી મેળવી રહ્યા છે. આ તકે તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને આવકાર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ અને બાજપાઈ બેંકેબલ યોજનાની સબસિડીના ચેક એનાયત કરાયા હતા.
આ તકે હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે,૨૦ વર્ષની વાઇબ્રન્ટ યાત્રા આજે વટવૃક્ષ સમાન બની છે.દેશમાં ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.સરકારશ્રીના પ્રયત્નોથી ગુજરાતમાં બિઝનેસ કરવા માટે તમામ અનુકુળતાઓ અને સરળ નીતિઓ ઉદ્યોગકારોને ઇન્વેસ્ટ કરવા માટે આવકારી રહી છે.
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે પ્રાસંગિક ઉદ્દબોધનમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ પંચમહાલનું પ્રેઝન્ટેશન રજૂ કરીને, રાજ્ય અને જિલ્લા અંગે ઉદ્યોગોને લગતી સિધ્ધિઓ સહિત તમામ માહિતી પૂરી પાડી હતી.જ્યારે પ્રાંત અધિકારીશ્રી હાલોલ દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.
વાઇબ્રન્ટ પંચમહાલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય સર્વશ્રી જયદ્રથસિંહ પરમાર,શ્રી ફતેહસિંહ ચૌહાણ,શ્રીમતી નિમિષાબેન સુથાર,જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,જી.આઈ.ડી.સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રી દીપક પંડ્યા,જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી શક્તિસિંહ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ,શ્રી મયંકભાઈ દેસાઈ સહિત ઉદ્યોગકારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*