14-2

સંસારમાં રહીને અંબરીશ રાજા જેવું ભક્તિમય જીવનનો અભિગમ એટલે અંબરીશ દીક્ષા
વસંત પંચમી એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉદબોધિત શિક્ષાપત્રીનો ઉદઘોષ દિન તેમજ સ્વામિનારાયણ સંત પરંપરાના પ્રખર વિદ્વાન અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તક શ્રી શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસજી – શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટય દિન.

શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે શાસ્ત્રોનો સાર તારવીને 212 અમૃત આજ્ઞાઓ કરી છે. કળિયુગમાં ભક્તોની રક્ષા માટે જે સુદર્શનચક્ર સમાન ગણાય છે. જેમાં આચાર વ્યવહાર વિચાર વાણી વર્તન કેવા હોવા જોઈએ એ અંગેના સૂચનો સ્વામિનારાયણ ભગવાને કર્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ શિક્ષાપત્રીની આજ્ઞાઓથી પ્રભાવિત હતા અને શિક્ષાપત્રી પાલનના હિમાયતી હતા.
વસંત પંચમીના દિવસે પ્રગટનાર શ્રી શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમ યુગલ ઉપાસનાનું સ્થાપન કર્યું હતું અને મંદિરોમાં મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી એમ બે મૂર્તિઓના સ્થાપનની પ્રણાલિકાનો પ્રારંભ કર્યો હતો. એ માટે તેમને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વસંત પંચમીના દિવસે બાકરોલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રગટ ગુરુહરી પ.પૂ. પ્રબોધસ્વામીજી મહારાજના વરદ હસ્તે હરિપ્રબોધમ પરિવારના મધ્ય ગુજરાતના 1300 જેટલા ભક્તોએ અંબરીશ દીક્ષા લીધી હતી. જેમાં 800 ભાઈઓ અને 500 બહેનોનો સમાવેશ થાય છે.
ગત વર્ષે રાજકોટ, મુંબઇ અને સુરત ખાતે પણ અંબરીશ દીક્ષા રાખવામાં આવી હતી.
બાકરોલ આવીને ૧ વર્ષ અને ૯ મહિના જેટલા બહુ જ ટૂંકા ગાળામાં પ્રબોધ સ્વામીજીએ દેશ અને વિદેશમાં અવિરત વિચરણ કરીને, સામાજિક પારિવારિક અને ધાર્મિક જાગૃતિનું કાર્ય કરીને ભારતના 3310 અને અમેરિકા કેનેડા યુકે તેમજ ન્યુઝીલેન્ડ જેવા દેશોના 1100 જેટલા ભક્તોને અંબરીશ દીક્ષા આપી છે.
ભારતીય સંસ્કૃતિના ધાર્મિક અને ભક્તિપ્રધાન એવા અંબરીશ રાજાના નામ પરથી “અંબરીશ” એ નામ પ. પૂ. શ્રી હરિપ્રસાદ સ્વામીજીએ આપ્યું હતું. અંબરીશ દીક્ષા એટલે સંસારમાં રહીને પ્રભુપ્રધાન, સંતપ્રધાન અને ભક્તિપ્રધાન જીવન જીવવું તે.

બાકરોલ રહીને વિવિધ સામાજિક તેમજ આધ્યાત્મિક સેવાઓમાં હરિપ્રબોધમ પરિવારના સંતો અને ભક્તો કાર્યરત છે.
પ્રગટ ગુરુહરી પ.પૂ. પ્રબોધ સ્વામીજીના નિઃસ્વાર્થ પ્રેમ અને એમની સાધુતાથી આકર્ષાઈને યુવકો નિર્વ્યસની અને ધાર્મિક જીવન તરફ વળી રહ્યા છે. અંબરીશ જીવન જીવીને પારિવારિક મૂલ્યોનું જતન કરી રહ્યા છે.
અંબરીશ દિક્ષાર્થી ઉપરાંત અનેક યુવકોએ સાધુ ત્યાગીની દીક્ષા લેવાનો પણ સંકલ્પ કર્યો છે..

ભારતીય સંસ્કૃતિની વૈદિક અને ઋષિ પરંપરાને મજબૂત કરતી તેમજ પારિવારિક અને સામાજિક મૂલ્યવર્ધક આ પ્રણાલિકા પ્રશંસનીય છે..
સંસારમાં રહીને પણ આધ્યાત્મિક અને પ્રભુમય જીવન આત્મસાત કરી શકાય તેનું આ ઉદાહરણ છે.