Breaking News

ગુજરાત હાઇકોર્ટ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે વેબિનાર યોજાયો


ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી જસ્ટિસ સોનિયાબેન ગોકાણી સહિત
હાઇકોર્ટના ન્યાયાધીશો તથા વિવિધ જિલ્લા અદાલતોના ન્યાયાધીશો અને ન્યાયિક
અધિકારીઓ સહભાગી થયા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

 પ્રાકૃતિક ખેતીથી વડાપ્રધાનશ્રીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થઈ
શકશે
 ગાયનું ગોબર અને ગોમૂત્ર ખેડૂતો માટે વરદાનરૂપ છે
 પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતની આવક પહેલા વર્ષથી જ વધે છે 
 પ્રાકૃતિક ખેતીથી દેશનું હૂંડિયામણ બચશે અને ગ્લોબલ વોર્મિંગનો ખતરો ટાળી શકાશે

ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પર્યાવરણીય જાગરૂકતાના અભિગમ સાથે ‘ઑલ

ફેસેટ્સ ઑફ નેચરલ ફાર્મિંગ’ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન
સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની
નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ
એકમાત્ર અસરકારક ઉપાય છે.

રાજ્યપાલશ્રીએ દેશમાં થયેલી હરિયાળી ક્રાંતિની વાતથી શરૂઆત કરતાં જણાવ્યું કે
લગભગ 60ના દાયકામાં થયેલા અભ્યાસ અનુસાર ભારતની જમીનમાં બેથી અઢી ટકા કાર્બન
હતો, પરંતુ એ સમયની જરૂરિયાત અનુસાર યૂરિયા સહિતના રાસાયણિક ખાતરોનો ઉપયોગ
વધવાના કારણે આજે આ પ્રમાણ 0.5થી પણ ઓછું થઈ ગયું છે. જેના કારણે જમીનની
ફળદ્રુપતા ઘટી ગઈ છે. એટલું જ નહીં, જમીન, હવા અને પાણી પ્રદૂષિત થયાં છે તેમજ વિવિધ
રોગોનું પ્રમાણ પણ વધ્યું છે.

આ પ્રકારની વિવિધ સમસ્યાના ઉપાય માટે પ્રાકૃતિક કૃષિ પર ભાર આપતાં
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે રાસાયણિક ખેતીના ઉપાયરૂપે જૈવિક ખેતીનો વિકલ્પ આપવામાં
આવ્યો, પરંતુ તે પણ અંતે તો વાતાવરણને નુકસાન જ કરે છે. તેમણે ઉમેર્યું કે જે રીતે
જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે એ જ રીતે જીવામૃત અને ઘન જીવામૃત
આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેડૂતોનો ખર્ચ શૂન્ય થવાની સાથે પોષણક્ષમ ખેતી પણ શક્ય
છે.

રાજ્યપાલશ્રીએ યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતાં જણાવ્યું કે જો રાસાયણિક ખાતરોનો
ઉપયોગ આજે ઘટાડવામાં નહીં આવે, તો આગામી 40-50 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની
સમસ્યાના કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત, વિદેશથી મંગાવવામાં
આવતા યૂરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનું હૂંડિયામણ પણ ખર્ચ થાય છે. જ્યારે

પ્રાકૃતિક કૃષિ થકી જમીનનાં પોષક તત્ત્વો પણ જમીનમાં જ જળવાઈ રહે છે તેમજ વરસાદી
પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવશે.

તેમણે જણાવ્યું કે ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ
વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની
આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે
તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ પણ વિગતવાર સમજાવી હતી.

આ તકે ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ
જણાવ્યું હતું કે, પર્યાવરણના મુદ્દાઓ આજના સમયમાં મહત્ત્વપૂર્ણ બન્યા છે, આ અંગે
લોકજાગૃતિ ફેલાવવી જરૂરી છે. પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓની જાણકારી મેળવવા આ
વેબિનારનું આયોજન કરાયું છે. પ્રાકૃતિક ખેતી જેવી બાબતો અંગે લોકોને અવગત કરાવવામાં
ન્યાયિક સંસ્થાઓ પણ સારી ભૂમિકા ભજવી શકે છે તેમ તેમણે તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ શ્રી એ.જે. દેસાઈ તથા શ્રી એન. વી.
અંજારિયા, હાઇકોર્ટના અન્ય ન્યાયાધીશો, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, ગવર્ન્મેન્ટ
પ્લીડર સુશ્રી મનીષા શાહ, ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ શ્રી આર.કે. દેસાઈ, ગુજરાત
રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મેમ્બર સેક્રેટરી શ્રી આર.એ. ત્રિવેદી સહિતના પદાધિકારીઓ,
વિવિધ જિલ્લા અદાલતોના ન્યાયાધીશો, ફેમિલી કોર્ટ, બાર એસોસિએશન તથા ન્યાયિક
અધિકારીઓ તેમજ કાયદાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post