Breaking News

સ્વચ્છતા હી સેવા’: પ્લાસ્ટિક મુક્ત ગામડા બનાવવા માટે કચ્છી મહિલાની ઝુંબેશ

ગામડાની 60 મહિલાઓને રોજગાર, ઓનલાઇન વેચાણથી ઉત્પાદો વિદેશની બજારોમાં પહોંચ્યા

રાજ્ય સરકાર દ્વારા ફંડિગ અને માર્કેટિંગ સહયોગથી રાજ્યની મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર

ગાંધીનગર, 17 ઓક્ટોબર:

જન આંદોલન થકી સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવા માટે, 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. ‘કચરા મુક્ત ભારત’ની થીમ સાથે, આ વર્ષે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર 2023 સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારનો પ્રયાસ છે કે સ્વચ્છતાની સંસ્કૃતિ ગામડાઓ સુધી પહોંચે અને ભારત ‘ગાર્બેજ ફ્રી’ બનીને ચમકી ઉઠે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, સરકારે સ્વચ્છતાને પ્રોત્સાહન આપીને પર્યાવરણ અનુકૂળ નીતિઓ પર અગ્રણી કામગીરી કરી છે અને આ અભિયાનને જનભાગીદારીથી વધુ બે મહિના સુધી વ્યાપકપણે આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સ્વચ્છ ભારતના મિશન તરફ આપણે અગ્રેસર બની રહ્યા છીએ ત્યારે એક સશક્ત મહિલાની કહાણી સૌના માટે પ્રેરણારૂપ બની છે, જેમણે ગામડાઓને પ્લાસ્ટિકના કચરાથી મુક્તિ અપાવવા માટે અભિયાન હાથ ધર્યું છે અને એક આત્મનિર્ભર મહિલા તરીકે માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે.

પ્લાસ્ટિકના કચરામાંથી એક્સપોર્ટ ક્વૉલિટી ઉત્પાદો
આપણે વાત કરી રહ્યા છીએ કચ્છના ભુજ પાસે આવેલા અવધનગરમાં રહેતાં રાજીબેન વણકરની. 50 વર્ષીય રાજીબેન વણકર પ્લાસ્ટિકના કચરાને પ્રોસેસ કરીને તેમાંથી શોપિંગ બેગ, પર્સ, મોબાઇલ કવર, ટ્રે, યોગા મેટ, ફાઇલ, ચશ્મા કવર સહિતની ટ્રેન્ડી અને રોજબરોજના ઉપયોગમાં લેવાતી ચીજો બનાવે છે. આ કામગીરીમાં તેમની સાથે 50 બહેનો પણ જોડાઈ છે, જેઓ કટિંગથી લઇને ઉત્પાદોના નિર્માણની વિવિધ કામગીરી કરે છે.

આ રીતે શરૂ થઈ રાજીબેનની યાત્રા
જ્યારે રાજીબેન 13 વર્ષના હતાં, ત્યારે તેમના પિતાની બીમારી જોઇને તેમણે વણાટ કામગીરી શીખવાનું નક્કી કર્યું. પરંપરાગત રીતે આ પુરુષોનું કામ હતું, પરંતુ તેમણે પરિવારને સહાયતા કરવા માટે આ કામ શીખવાનું શરૂ કર્યું. લગ્ન બાદ અમુક વર્ષોમાં પતિનું અવસાન થઇ જવાથી, પરિવારની જવાબદારી તેમણે હાથમાં લીધી અને વણાટ કામગીરીના માધ્યમથી સ્થાનિક રોજગારી મેળવવાનું શરૂ કર્યું. કચ્છની ખમીર સંસ્થામાં તેઓ જોડાયાં અને ત્યાં પ્લાસ્ટિક રિસાઇક્લીંગની કામગીરી શીખ્યાં.

રાજીબેન જણાવે છે, “હું પહેલા ખમીર એનજીઓમાં વણાટ કામગીરી કરતી હતી. અહીં એક વિદેશી મહિલા ડિઝાઇનર અમારી સાથે જોડાયાં હતાં અને તેમણે મને પ્લાસ્ટિકમાંથી રિસાઇક્લીંગ કરીને ઉત્પાદો બનાવવા માટે પ્રોત્સાહિત કરી હતી.” વર્ષ 2012માં રાજીબેને ખમીરમાં પ્લાસ્ટિક રિસાઇકલીંગની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પૂરતી તાલીમ મેળવ્યા પછી 2018માં તેમણે સ્થાનિક મહિલાઓને સાથે જોડીને તેમના ગામમાં આ કામગીરીની શરૂઆત કરી હતી. પ્લાસ્ટિક રિસાઇક્લીંગમાં તેમને ગામડાઓને પ્લાસ્ટિકના કચરામાંથી મુક્ત કરવાનો ઉપાય દેખાયો હતો. તેથી તેમણે આ કામગીરીને તે ઉદ્દેશ સાથે જોડી દીધી.

રિસાઇક્લીંગ પ્રક્રિયા: કચરો વીણવાથી ફાઇનલ ઉત્પાદ સુધી
ચાર તબક્કામાંથી આ પ્રક્રિયા પ્રસાર થાય છે. સૌથી પહેલા પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવે છે, ત્યારબાદ પ્લાસ્ટિકની સફાઇ કરીને સૂકવવામાં આવે છે, ત્યારબાદ પ્લાસ્ટિકની પટ્ટીઓ કાપવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પાદો બનાવવામાં આવે છે. કચરો વીણતી મહિલાઓ પ્લાસ્ટિક એકઠું કરીને રાજીબેનને આપે છે, જેમને નિર્ધારિત મહેનતાણું ચૂકવવામાં આવે છે. રાજીબેન સાથે કામ કરતી મહિલાઓ મહિને 6 હજાર જેટલી કમાણી કરી લે છે. તેમના ઉત્પાદો હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે અને ભારતના દિલ્હી, મુંબઈ અને બેંગાલુરૂ જેવા મોટા શહેરોથી લઇને વિદેશમાં લંડન સુધી પહોંચ્યા છે.

રાજીબેન જણાવે છે, “અમે આ કામગીરીમાં જોડાવા માટે મહિલાઓને તાલીમ આપીએ છીએ. અમારી આસપાસ માધાપર, ભુજોડી અને લખપતમાં પણ બહેનો કામ કરતી થઇ છે. અમે મહિને 200 જેટલી શોપિંગ બેગ બનાવીએ છીએ. ઓર્ડર પ્રમાણે અમે ઉત્પાદન ચાલુ રાખીએ છીએ.” 10 હાથશાળ અને બે સિલાઈ મશીન પર આ કામગીરીની કરવામાં આવી રહી છે. તેઓનું વાર્ષિક ટર્નઓવર ₹15 લાખ સુધી પહોંચ્યું છે. તેમના ઉત્પાદોમાં શોપિંગ બેગ, ઓફિસ બેગ, ટ્રે અને ચશ્માના કવરની સૌથી વધારે માંગ રહે છે. રાજીબેનને એ વાતનો સંતોષ છે કે આ કામગીરીથી સ્વચ્છતાની સાથે, પર્યાવરણની જાળવણી થાય છે અને લોકોમાં જાગરૂકતા આવે છે.
x-x-x


*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post