ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ – સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન એવા ચાણસદમાં આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ – સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને રાજ્યના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષે બજેટમાં અમૃત ૨.૦ અંતર્ગત તળાવોના વિકાસ અને પાણી-પુરવઠાના કામો માટે રૂ. ૧૪૫૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને તેને સંગ્રહ કરવાનો અનુરોધ શ્રી પટેલે જણાવ્યું કે, ભગવાન મહાવીરે પણ પાણીને ઘીની જેમ વાપરવાની સલાહ આપી છે.
વિશ્વ વંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ વડોદરા જિલ્લાના ચાણસદમાં ગુજરાત પ્રવાસન નિગમ લિ. તથા બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંયુક્ત સહયોગથી નિર્માણ પામેલ નારાયણ સરોવરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ વિધાન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાધુ-સંતના શિખર અને આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગર એવા પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળે નવનિર્મિત નારાયણ સરોવરનું લોકાર્પણ કરતા તેમણે ધન્યતા અને સદ્ભાગ્યની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના શૈશવકાળના સંસ્મરણો ધરાવતા આ તળાવનું રિડેવલેપમેન્ટ રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને બી.એ.પી.એસ. સંસ્થાના સહકારથી કરવામાં આવ્યું છે.