મલ્હાર રાવ ઘાટ ખાતે મુખ્યમંત્રીશ્રીએ ગંગા-નર્મદા માતાની આરતી કરી દસ દિવસીય મહોત્સવનો શુભારંભ કરાવ્યો
બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માં નર્મદાની ભવ્ય-દિવ્ય આરતી
**
વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વની ઉજવણીનો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. આજે ગંગા દશહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/05/27-chan3-1024x793.jpg)
વડોદરા જિલ્લાના ડભોઇના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવમાં આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા અને મલ્હાર રાવ ઘાટ ખાતે ગંગાજી-નર્મદાજી માતાની દિવ્ય આરતી કરી હતી.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/05/27-chan2-1024x781.jpg)
શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન પદના સેવાદાયિત્વના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર અને ગંગા દશહરાનું પર્વ એમ બે પ્રસંગોનો સુભગ સમન્વય થયો હતો અને તે નિમિત્તે બ્રાહ્મણવૃંદ દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી.
સુપ્રસિધ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું. તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે. મહોત્સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થઇ નર્મદાજીની આરતીનો લાભ લે છે. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અહીં પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/05/27-chan6.jpg)
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાવિકોને મુખ્યમંત્રીશ્રીની સાલસતા અને મૃદુ સ્વભાવનો પરિચય થયો હતો. મહા આરતી બાદ ઘાટ ચઢતી વેળાએ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત ભાવિકોને મળ્યા હતા તેમજ બાળકો સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/05/27-chan7.jpg)
આ પાવન અવસરમાં છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, અગ્રણીશ્રી સતિષભાઈ નિશાળિયા, કલેકટર શ્રી ગોર, ડી. ડી. ઓ. સુશ્રી મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ, પ્રાંત અધિકારીશ્રી, પદાધિકારીઓ, અગ્રણીઓ, સાધુ-સંતો, ચાંદોદના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી આ મહાઆરતીનો લાભ લીધો હતો.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/05/27-chan1-1-1024x683.jpg)