Breaking News


વડાપ્રધાનશ્રીએ ભરૂચના શુકલતીર્થ ગામના પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી શ્રી અલ્પેશભાઈ સાથે વન-ટુ-વન વર્ચ્યુઅલ સંવાદ કર્યો
……………
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાની લવારપુર ગ્રામ પંચાયત ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
……………
નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની યાત્રામાં જોડીને વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ પાર પાડવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સક્ષમ માધ્યમ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
……………
કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ગુજરાતના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ વિવિધ પદાધિકારી-અધિકારીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો
……………
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ૧૩ લાખથી વધુ લોકો જોડાયા; ૧૨ લાખથી વધુ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો
……………

9-12

ભારત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩”નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ ૧૫મી નવેમ્બર – જન જાતિય ગૌરવ દિવસના રોજથી આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જેને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે તા. ૦૯-૧૨-૨૦૨૩ના રોજ રાજ્યની ૨૨૫ ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વિવિધ જિલ્લાની આ તમામ ગ્રામ પંચાયતો ખાતે “મોદીની ગેરંટી” સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ સરકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચાડી સેચ્યુરેશન લેવલ પર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે નમો ડ્રોન દીદી મારફતે ૧૫,૦૦૦ સખી મંડળોને સહાય આપીને ખેતીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી આધુનિકરણ તરફ પ્રયાણ કરવા તેમજ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ પર ભાર મુકી યુવાનોને સ્વાસ્થ્ય જાળવવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત-ભરૂચના શુકલતીર્થ ગામના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી શ્રી અલ્પેશભાઈ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો અને તેમણે મેળવેલી યોજનાકીય સહાય અંગે પૃચ્છા કરી હતી. વડાપ્રધાનશ્રીએ અલ્પેશભાઈને વિકસિત ભારત યાત્રા દરમિયાન જ બીજા પાંચ ગામમાં જઈને અન્ય ખેડૂત મિત્રોને પણ યોજનાકીય લાભ લેવા અનુરોધ કરવા કહ્યું હતું.

લાભાર્થીઓ સાથેનાં સીધા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના લવારપુર ગ્રામ પંચાયત ખાતે વિશાળ જન સમુદાય વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની યાત્રામાં જોડીને વિકસિત ભારત @ ૨૦૪૭નો સંકલ્પ પાર પાડવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સક્ષમ માધ્યમ પૂરવાર થઇ રહી છે. ગુજરાતભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત પ્રતિસાદ મળી રહ્યો છે અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભ સરકાર સામે ચાલીને લોકોને આપવા જાય છે, જેનાથી સુશાસનથી સેવાનો સંકલ્પ ચરિતાર્થ થઈ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અમરેલીના ચરખા ગામે કેન્દ્રીય મંત્રી શ્રી પુરષોત્તમ રૂપાલા, ખેડાના અરેરી ગામે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના ખેરાણા ગામ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપુરા અને સુરતના સોન્ડામીઠા ગામે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શના જરદોશ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ચીખલી-નવસારી, મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ, મંત્રી શ્રી રાઘવજી પટેલ, જામનગર, મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, ગાગલાસણ-સિદ્ધપુર, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, જુવાનગઢ-ખંભાળિયા, મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ઝાખર-લાલપુર, મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, ઉસરા-લીમખેડા તથા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા.

આ ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, મંગલીયાણા-શહેરા, રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી – સુરત, રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા – ખેડા, રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ-જેતપુર-લીમખેડા, રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા- સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં, રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર- મુલોજ-મોડાસા તેમજ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, પાતાલ-ટુકેદ-માંડવી મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ-વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગરમાં, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા-અમરેલીમાં, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી-બોરસદ-આણંદ અને નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ-ડાંગ ખાતે, જ્યારે સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રભારી સચિવશ્રીઓ, વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રી જુદા-જુદા જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આજ સુધીમાં ૪૩૭૫ ગ્રામ પંચાયતોના અનેક લાભાર્થીઓ સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવામાં આવ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આશરે ૧૩.૦૬ લાખ જેટલી જન ભાગીદારી નોંધાઈ છે અને ૧૨.૦૨ લાખથી વધુ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે.

વધુમાં, હેલ્થ કેમ્પમાં ૫.૬૭ લાખથી વધુ લોકોએ આરોગ્ય ચકાસણી, ૩.૩૪ લાખ લોકોએ TBની ચકાસણી અને ૭૯,૫૦૦થી વધુ લોકોએ સિકલસેલની પણ ચકાસણી કરાવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૧૪,૫૮૭ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આટલું જ નહીં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કૃષિ પ્રોગ્રામ હેઠળ ૨૪૯૦ ડ્રોન ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આ સાથે જ વિવિધ પ્રકારનાં ૪૮,૦૦૦ જેટલા એવોર્ડ પણ નાગરિકોને એનાયત કરવામાં આવ્યા છે.

આ યાત્રા દરમિયાન કેટલાક ગામોમાં વિવિધ યોજના હેઠળ ૧૦૦ ટકા એટલે કે, સેચ્યુરેશન પોઇન્ટ સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી છે. યાત્રા દરમિયાન ૨૮૪૬ ગામોમાં આયુષ્યમાન ભારત યોજના, ૪૦૬૬ ગામોમાં જલ-જીવન મિશન યોજના, ૩૮૭૮ ગામોમાં લેન્ડ રેકર્ડ ડીજીટાઇઝેશન અને ૪૧૯૪ ગામોએ O.D.F+ ની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હાલ “મોદીની ગેરંટી” વાળી IEC વાન સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જોર શોરથી આગળ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post