મુખ્યમંત્રીશ્રીએ શીલજ ગામે ઘાટલોડિયા વિધાનસભા પરિવાર સાથે બેસીને
“મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ ના
ઐતિહાસિક 100માં કાર્યક્રમનું જીવંત પ્રસારણ શીલજ ગામે ઘાટલોડિયા વિધાનસભા પરિવાર
સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જન-જન સુધી પહોંચવા 1 ઓક્ટોબર 2014
વિજયાદશમીના દિવસે ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
‘મન કી બાત’ થકી નાગરિકો સાથે સંવાદ પણ સાધતા હોય છે. ત્યારે આજે વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ ના 100માં ઐતિહાસિક કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત
કર્યા હતાં. અને વિવિધ રાજ્યોના નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો.
આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, ‘મન કી બાત’
દેશવાસીઓની સકારાત્મકતાનું એક અનોખું પર્વ બની ગયું છે.
તેમણે કહ્યું હતું કે, ‘મન કી બાત’ જે વિષય સાથે જોડાણું એ જનઆંદોલન બની ગયું
અને તમે લોકોએ બનાવી દીધું. મારા માટે ‘મન કી બાત’ એ ઈશ્વર રૂપી જનતા જનાર્દનના
પ્રસાદની થાળી જેવો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ‘મન કી બાત’ એ મારા માટે આધ્યાત્મિક યાત્રા બની ગઇ છે. ‘મન
કી બાત’ એ સ્વ થી સ્મિષ્ટિની યાત્રા છે. ‘મન કી બાત’ એ અહમ્ થી વયમ્ ની યાત્રા છે.
વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે, ‘મન કી બાત’ એ મને સામાન્ય માણસ સાથે
જોડાવાનું પ્લેટફોર્મ આપ્યું. આ ઉપરાંત ‘મન કી બાત’ એ કોટિ કોટિ ભારતીયોની મન કી બાત
છે. તેમની ભાવનાઓનું પ્રકટીકરણ છે.
તેમણે કહ્યું હતું કે, મને અતૂટ વિશ્વાસ છે કે, સામુહિક પ્રયાસોથી મોટામાં મોટો બદલાવ
લાવી શકાય છે. આ વર્ષે આપણે આઝાદીના અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ અને G-20
ની અધ્યક્ષતા પણ નિભાવી રહ્યા છીએ.
આ અવસરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ તથા કોર્પોરેટરશ્રીઓ અને
મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.