ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમતેમ પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ફરી સત્તા અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ચાર જનસભાને સંબોધિત કરી હતી. તેમણે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદ ખાતે રેલીઓને સંબોધી હતી. મોદીએ સોમનાથ મંદિરની મુલાકાત લઇ પોતાના પ્રચારનો શ્રી ગણેશ કર્યા હતા.
વડાપ્રધાન મોદીનું વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાનું ખાસ કારણ પણ સમજવા જેવું છે. 2017ની ચૂંટણીમાં અમરેલીમાં 5માંથી એકપણ સીટ મળી ન હતી. જ્યારે ગીર સોમનાથમાં 4 માંથી એકપણ સીટ મળી ન હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાંથી કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. ભાજપને ફક્ત 23 બેઠકો મળી હતી. અન્યને એક સીટ મળી હતી. જેથી પીએમ મોદીએ આ ખાસ બેઠકો પરથી જનસભા સંબોધિત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ રાત્રે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. કમલમમાં વડાપ્રધાન મોદીએ હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઔપચારિક વાત કરી હતી. વડાપ્રધાન કાર્યકરો સાથે કમલમના ચોકમાં બેઠા હતા. કાર્યકરોની તબિયત અને પરિવારની વિગતો જાણી હતી.
21 નવેમ્બરને સોમવારે વડાપ્રધાન મોદી ત્રણ સભાને સંબોધિત કરશે. સવારે 11 કલાકે દુધરેજ, સુરેન્દ્રનગરમાં બપોરે 1 કલાકે જંબુસર અને બપોરે 3 કલાકે નવસારીમાં જનસભાને સંબોધશે. 22મી નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ડીસા અને થરાદમાં જાહેર સભા સંબોધશે.
વડાપ્રધાન મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી. વેરાવળ ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે છતાં હું મહેનત કરી રહ્યો છું.
વડાપ્રઘાન મોદીએ જનસભાને સંબોધતા કહ્યુ કે, આ વખતની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, “આપણો ઉદ્દેશ્ય વધુમાં વધુ વોટ અને વધુમાં વધુ પોલિંગ બૂથ જીતવાનો છે. આ વખતે જનતાએ મતદાનનો રેકોર્ડ તોડવાનો છે. “હું ઈચ્છું છું કે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે..” ભૂપેન્દ્ર જીતે તેની માટે હું કામ કરી રહ્યો છે