……
રાજ્યની ૧૨ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ અને તળાવ નવિનીકરણ માટે
રૂ. ૧૩૪.૯૧ કરોડના વિકાસ કામોને મંજૂરી
……
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ-ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ તથા તળાવોના નવિનીકરણ માટે વિકાસ કામો મંજૂર થયા
૬ નગરોમાં ૧૪૮૯૦ થી વધુ ઘરોને પાણીના કનેક્શન જોડાણથી હાલની સાડા ૬ લાખ તથા ભવિષ્યની ૧૦ લાખ જેટલી જનસંખ્યાને લાભ મળશે રાજુલા-ઠાસરા-બારડોલી-વાપી-સાવલી અને બોરિયાવી નગરપાલિકાઓને પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે
દ્વારકા-મહેસાણા-ગોધરા-ભરૂચમાં વોટર બોડી રિજુવેનેશનથી ૧.૩૦ લાખ ચોરસ મીટર વિસ્તારના તળાવોનો કાયાકલ્પ થશે
વલસાડમાં ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટ માટે રૂ. ૮.૮૭ કરોડ મંજૂર થયા
……
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી કાર્યરત કરાયેલા અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત 2.0 નો ગુજરાતમાં વ્યાપક પણે સફળતાપૂર્વક અમલ થઇ રહ્યો છે.
તદઅનુસાર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM દ્વારા રાજ્યની ૧૨ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૯૧.૯૨ કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૧૩૪ કરોડ ૯૧ લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની ગાંધીનગરમાં તાજેતરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા છે.
GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૯૧.૯૨ કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂ. ૩૩.૫૮ કરોડ અને ભુગર્ભ ગટરના ૧ પ્રોજેક્ટ માટે રૂ. ૮.૮૭ કરોડ તેમજ પાર્ક પ્રોજેક્ટના રૂ. પ૪ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રજૂ થયેલા વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટમાં રાજ્ય સરકારે અમૃત 2.0 અંતર્ગત પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ તથા તળાવોના વિકાસ વગેરે માટે રૂ. ૧૪પ૪ કરોડની જોગવાઇ સુનિશ્ચિત કરી છે.
GUDM ની આ સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામોમાં બજેટની આ નાણાંકીય જોગવાઇઓ નવું બળ પુરૂં પાડશે.
GUDM દ્વારા પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે ૧૨ નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે તેમાં રાજુલા નગરપાલિકા માટે રૂ. ૧પ.પ૮ કરોડ, ઠાસરા નગરપાલિકા માટે રૂ. ૧પ.૬૧, બારડોલી નગરપાલિકા માટે રૂ. પ.૦પ, વાપી નગરપાલિકા માટે રૂ. ૩૧.૧પ, સાવલી નગરપાલિકા માટે રૂ.પ.૪૯, બોરીયાવી નગરપાલિકા માટે રૂ. ૧૯.૦૪ કરોડનો સમાવેશ થાય છે.
આ ૬ નગરપાલિકાઓને અપાયેલી પાણી પૂરવઠા પ્રોજેક્ટની મંજૂરીથી હાલની સાડા ૬ લાખ તથા ભવિષ્યની અંદાજે ૧૦ લાખની જનસંખ્યાને લાભ મળવાનો છે. એટલું જ નહિ, નવા ૧૪૮૯૦ ઘર જોડાણો પણ આપવામાં આવશે.
GUDMની આ બેઠકમાં દ્વારકા, ગોધરા, ભરૂચ તેમજ મહેસાણાના તળાવોના નવિનીકરણના કુલ રૂ. ૩૩.૫૮ કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે.
આ મંજૂર થયેલા ૪ વોટર બોડી રિજુવેનેશન પ્રોજેક્ટસથી કુલ ૧.૩૦ લાખ ચોરસ મીટર વિસ્તારના તળાવોનો કાયાકલ્પ થશે. તળાવોમાં છોડવામાં આવતા ગટરના ગંદા પાણીને યોગ્ય રીતે વાળીને શુદ્ધિકરણ પ્લાન્ટ તરફ લઇ જવામાં આવશે.
વલસાડ નગરપાલિકાના ૮.૮૭ કરોડના ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટસને પણ GUDMની SLTCની બેઠકમાં મળેલી મંજૂરીને પરિણામે વલસાડના નવા વિકાસ પામેલા વિસ્તારોને પ્રોજેક્ટ અન્વયે આવરી લેવાશે.
વલસાડ નગરની ૯૪૧૦ જેટલી જનસંખ્યાને આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ મળવા સાથે નવા ૧પ૭૦ ઘર જોડાણો પણ અપાશે.
:::::::
સી.એમ-પીઆરઓ/અરૂણ… ………