NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટિફિકેશન પ્રાપ્ત અમદાવાદનાં 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સમાવિષ્ટ થયું રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC
****
તાજેતરમાં રાજ્યનાં 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો NQAS સર્ટિફિકેશન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં, જેમાં અમદાવાદ જિલ્લામાંથી એકમાત્ર રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHCને પણ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ
****
રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC ખાતે તમામ આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે જેનો લાભ રુદાતલ અને આસપાસનાં ગામોના લોકોને મળે છે :- મેડિકલ ઓફિસર ડો. દક્ષેશ સોલંકી
****
સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સહાય અને સંસાધનો થકી વિવિધ આરોગ્ય સંબંધિત રાષ્ટ્રીય માપદંડોમાં યોગ્ય પ્રદર્શનના લીધે જ NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટિફિકેશન પ્રાપ્ત કરી શક્યા છીએ :- મેડિકલ ઓફિસર ડો. દક્ષેશ સોલંકી
અમદાવાદથી 70 કિ.મી.ના અંતરે આવેલું દેત્રોજ તાલુકાનું રુદાતલ ગામ આજકાલ ચર્ચામાં છે. આશરે
પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓના લીધે આસપાસના
ગામોના આશરે 28000થી વધુ લોકો માટે પ્રાથમિક સારવારથી લઈને વિવિધ રોગોના નિદાન અને ઉપચાર તેમજ
ઇમરજન્સી સારવાર માટે એક અગત્યનું કેન્દ્ર પુરવાર થયું છે. તાજેતરમાં રાજ્યના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો રાષ્ટ્રીય
સ્તરનું NQAS સર્ટિફિકેશન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં, જેમાંનું એક અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનું રુદાતલ
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC છે.
રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC ખાતે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓમાં આયુષ સેવાઓ (આયુર્વેદિક,
હોમીયોપેથિક સેવાઓ), એચ.આઈ.વી./ એઇડ્સની તપાસ, સલાહ અને સૂચન , તાવ, શરદી, ઉધરસ, ઊલટી,
પેટના રોગો, ગુમડા, ખસ, કૃમિ જેવા દર્દોની સારવાર, ક્ષય, રક્તપિત્ત, મેલેરિયા જેવા રોગોનું નિદાન અને સારવાર,
સગર્ભાવસ્થા, પ્રસૂતિ તેમજ પ્રસૂતિ બાદની તપાસ અને સારવાર, ૨૪ x ૭ પ્રસૂતિ સેવા, નવજાત શિશુ તેમજ
બાળકોની માંદગીનું નિદાન અને સારવાર, મેડીકોલીગલ સેવાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, અહીં સગર્ભા માતાને ધનુર વિરોધી રસી, બાળકોને બી.સી. જી., પેન્ટાવેલન્ટ,પોલીયો, ઓરી
અને વિટામીન-એની રસીઓ જેવી રસીકરણ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
PHC ખાતે સરકારની વિવિધ આરોગ્ય સંબંધિત યોજનાઓ જેવી કે, જનની સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના,
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી વય વંદન યોજના, બાળસખા યોજના, કસ્તુરબા પોષણ સહાય
યોજના, જનની શિશુ સુરક્ષા યોજનાનો લાભ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વિવિધ પરિવાર આયોજન
સેવાઓ (સ્ત્રી-પુરુષ નસબંધી સલાહ, નિરોધ, કોપર-ટી, ઓરલ પીલ્સ), રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોને લગતી સેવાઓ,
તેમજ જાહેર આરોગ્યલક્ષી સેવાઓ સહિત ગ્રામજનોને આરોગ્યલક્ષી સામાન્ય તાલીમ અને આરોગ્ય શિક્ષણ સહિત
સલાહ સૂચનો પૂરા પાડવામાં આવે છે.
રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC ખાતે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી આપતા મેડિકલ ઓફિસર
ડો. દક્ષેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં ઈમરજન્સી રૂમ, પ્રિ-ઓપરેટિવ રૂમ, નવજીવન કક્ષ, કોલ્ડ ચેઇન રૂમ,
સ્ત્રી વોર્ડ, પુરુષ વોર્ડ, મમતા ક્લિનિક, લેબોરેટરી, દવા સ્ટોર, ચેન્જ રૂમ, દિવ્યાંગ બાથરૂમ, જેન્ટ્સ એન્ડ લેડીઝ
ટોયલેટ સહિતની તમામ આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે, જેનો લાભ રુદાતલ અને આસપાસનાં
ગામોના દર્દીઓને મળે છે. રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC હેઠળ રુદાતલ અને આસપાસનાં ગામોના કુલ
6 સબ સેન્ટર જોડાયેલા છે, જેમાં રુદાતલ, દેત્રોજ, દેકાવાડા, ઓઢવ, નદિશાળા અને ગુંજાળા સબ સેન્ટરનો
સમાવેશ થાય છે. આ સબ સેન્ટરો દ્વારા જે તે ગામોના દર્દીઓને સમયસર જરૂરી પ્રાથમિક સારવાર મળી રહે છે
તથા વધુ નિદાન અને સારવાર માટે રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC ખાતે રિફર કરવામાં આવે છે.
NQAS સર્ટિફિકેશન ઇન્સ્પેકશન અંગે વાત કરતા ડો. દક્ષેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ઉત્કૃષ્ટ આરોગ્ય
સેવા, આધુનિક ટેકનોલોજી અને સંસાધનો થકી રાષ્ટ્રીય માપદંડો આધારિત આરોગ્ય સેવા પૂરી પાડતા રુદાતલ હેલ્થ
એન્ડ વેલનેસ સેન્ટર PHCને NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટિફિકેશન માટેના ઇન્સ્પેકશનમાં
70 ટકાની જરૂરિયાત સામે 85 ટકા પ્રાપ્ત થયા હતા, જે જાહેર આરોગ્ય અને ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પ્રત્યે તેમની
ઉચ્ચ સ્તરીય કામગીરીની સાબિતી આપે છે.
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને પણ યોગ્ય આરોગ્ય સારવાર સમયસર મળી રહે તે માટે સતત
પ્રયત્નો કરવામાં આવે છે.
રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC ખાતે આયુષ મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, લેબ
ટેકનીશિયન, નર્સ, ફાર્માસિસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશાબહેનો સહિત વહીવટી સ્ટાફ કાર્યરત
છે.
સરકાર દ્વારા તેમની સંસ્થાને જરૂરિયાત અનુસારના તમામ સંસાધનો સમયસર પૂરા પાડવામાં આવે છે.
જેના લીધે વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને આરોગ્ય સેવાઓનો લાભ પ્રજાને ઉપલબ્ધ કરાવવામાં તેમની ટીમને
સફળતા મળી છે અને તેના ભાગરૂપે જ આજે તેઓ NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટિફિકેશન
પ્રાપ્ત કરી શક્યા છે.
આરોગ્ય સેવાઓની સાથે સાથે રુદાતલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC દ્વારા વાહકજન્ય રોગોની
કામગીરી અંતર્ગત ડ્રાય ડેની ઉજવણી, પોરાનિદર્શન અને એબેટ કામગીરી, યોગા, કલોરીનેશન ચકાસણી, વૃક્ષારોપણ,
કિશોરી સલાહ કેન્દ્ર, બ્લડ ડોનેશન કેમ્પ, આશા પ્રોત્સાહન કાર્યક્રમ, બાંધકામ સાઇટ અને ઔધોગિક સાઇટ
મુલાકાત, ખાનગી તબીબની મુલાકાત, મચ્છરદાની વિતરણ, મચ્છરદાનીને દવા યુક્ત કરવાની સબ સેન્ટર પર ટ્રેનિગ,
ફિલ્ડ સ્તરે મચ્છરદાની દવાયુક્ત કરાવવી, વાહકજન્ય રોગો અંગે સઘન સર્વે કામગીરી અને સુપરવિઝન, સેટ્કોમ અને
રિવ્યુ મીટીંગ, સરપંચ અને ગામના અગ્રણીઓ સાથે મુલાકાત તથા તેમની ફરજો, સહકાર અને યોગદાન અંગે ચર્ચા,
તાવના દર્દીની પ્રાથમિક તપાસ અને સારવાર, સોશ્યલ મીડિયા અને ફિલ્ડ સ્તરે પ્રચાર સહિતની કામગીરી કરવામાં
આવે છે.