અમદાવાદ જિલ્લો
રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ
આપણે જાણીએ છીએ કે દર વર્ષે 30મી જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર વિશ્વ રક્તપિત્ત
નાબૂદી દિવસ ઊજવાય છે. આ દિવસથી જ અમદાવાદ જિલ્લામાં રક્તપિત્ત અંગે જનજાગૃતિ વધે અને લોકો આ
ત્વચા રોગનાં લક્ષણો જાણે અને સમયસર સારવાર કરાવે, એવા ઉદ્દેશથી 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી, 2023
દરમિયાન સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન ચલાવવામાં આવનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા
વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રી અને ડીડીઓ શ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં રક્તપિત્તના
દર્દીઓ નહિવત્ છે, પરંતુ આ કાર્યક્રમ ગંભીરતાથી યોજાવો જરૂરી છે. ગામેગામ આ કાર્યક્રમ પહોંચવો જોઈએ અને
લોકોમાં ખરા અર્થમાં જાગૃતિ આવવી જોઈએ. તેમણે લક્ષિત જૂથો અને પીડિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ
કરી હતી.
જિલ્લા ટીબી અધિકારીશ્રી ડૉ. કાર્તિક આર. શાહે સંકલન બેઠકમાં રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદ કાર્યક્રમ અંગે તથા
આગામી દિવસોમાં જિલ્લાભરમાં આ કાર્યક્રમ કઈ રીતે આગળ વધારવાનું આયોજન છે, તે અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું
હતું. તેમણે પોતાના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે રક્તપિત્ત નાબૂદીમાં અમદાવાદ જિલ્લામાં સારી કામગીરીને
પરિણામે છેલ્લાં ત્રણ વર્ષથી ચેપનો દર 0.07 જેટલો નહિવત્ રહ્યો છે. એપ્રિલ 2022થી ડિસેમ્બર, 2022
દરમિયાન સમગ્ર જિલ્લામાં (અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તાર સહિત) કુલ 46 નવા કેસ નોંધાયા છે. દર
10,000 વ્યક્તિએ ચેપનો દર માત્ર 0.07 ટકા જ છે, પરંતુ જાગૃતિ વિના આ કેસમાં વધારો પણ થઈ શકે છે. તેમણે
સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇનના આયોજન અંગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાલુકા સંકલન સમિતિની
બેઠકો પણ યોજાશે અને ત્યાર બાદ રક્તપિત્ત અંગે જાગૃતિ માટે ગ્રામસભાઓ પણ યોજવામાં આવશે.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આરોગ્યના અધિકારીશ્રી, તબીબી નિષ્ણાતો તથા માહિતી ખાતા
સહિતના સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.