Breaking News

છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 8.5 લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું
*
માછીમારોની આવકમાં પણ થયો વધારો, પરિવારદીઠ વાર્ષિક આવક રૂ.6 લાખથી વધીને રૂ.10 લાખ થઈ
*
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ 2022-23માં ભારત સરકારે રૂ.286 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
*
ગુજરાત 10 અને 11 જૂલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરશે

ગાંધીનગર, 9 જૂલાઈ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બ્લૂ ઇકોનોમીને સતત પ્રોત્સાહન અને ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં માછલીઓનું ઉત્પાદન સતત વધી રહ્યું છે અને માછીમારો દિવસે ને દિવસે સમૃદ્ધ થઇ રહ્યા છે. રાજ્યમાં આ બ્લૂ ઇકોનોમી તેમજ માછીમારોને વધુ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ દર વર્ષે 10 જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે અને દેશના દરિયાકાંઠો ધરાવતા રાજ્યો આની ઉજવણી કરે છે. ગુજરાતમાં આ વર્ષે 10 જૂલાઈના રોજ વેરાવળમાં અને 11 જૂલાઈના રોજ પોરબંદર, જાફરાબાદ, માંગરોળ અને ઓખામાં આ દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત મોર્ડન ટેક્નોલોજી વિશે માછીમારોને જાણકારી આપવામાં આવશે.

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણીના કેટલાક દિવસ પહેલાના આંકડાઓ પરથી જાણકારી મળે છે કે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ માછલીના ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. છેલ્લા 4 વર્ષોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ માછલીના ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ 8.5 લાખ મેટ્રિક ટન રહ્યો છે.

વર્ષ 2022-23માં રાજ્યમાં પ્રોવિઝનલ દરિયાઈ માછલીનું ઉત્પાદન 6,97,151 મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,07,078 મેટ્રિક ટન રહેવાની સંભાવના છે. આ રીતે, વર્ષ 2022-23માં ગુજરાત રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,04,229 મેટ્રિક ટન રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો છે, જેનો સીધો લાભ અહીંના માછીમારો અને મત્સ્ય ઉદ્યોગને થાય છે.

વર્ષ 2018ની સરખામણીએ માછીમારોની આવકમાં દોઢગણો વધારો

ગુજરાત સરકારની સકારાત્મક અને પ્રોત્સાહક નીતિઓનો સીધો લાભ માછીમારોની આવકમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 વર્ષોમાં માછીમારોની આવકમાં લગભગ દોઢગણો વધારો થયો છે. વર્ષ 2018માં માછીમારોની આવક પરિવારદીઠ વાર્ષિક રૂ.6.56 લાખ હતી, જે હવે વધીને પરિવારદીઠ વાર્ષિક રૂ.10.89 લાખ થઈ ગઈ છે. નવીનતમ આંકડાઓ મુજબ, માછીમારોની આવકમાં વર્ષદીઠ આ રીતે વધારો થયો છે, વર્ષ 2018માં પરિવારદીઠ વાર્ષિક રૂ.6.56 લાખ, વર્ષ 2019માં રૂ.6.80 લાખ, વર્ષ 2020માં રૂ.7.39 લાખ, વર્ષ 2021માં રૂ.8.51 લાખ અને વર્ષ 2022માં રૂ.10.89 લાખ થઈ છે.

મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપી રહી છે ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2022-23માં કુલ રૂ.286.53 કરોડના વિવિધ ઘટકો ધરાવતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. તેનાથી પણ રાજ્યમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો પ્રારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) એ ભારત સરકારની એક ફ્લેગશીપ યોજના છે જે દેશમાં મત્સ્ય પાલન ક્ષેત્રમાં કેન્દ્રિત અને ટકાઉ વિકાસ માટે તૈયાર કરવામાં આવી છે.

આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2024-25 સુધીમાં મત્સ્ય ઉત્પાદનમાં વધુ 70 લાખ ટનની વૃદ્ધિ કરવાનો છે તેમજ 2024-25 સુધીમાં મત્સ્ય ઉદ્યોગ નિકાસની કમાણી વધારીને રૂ.1,00,000 કરોડ કરવાનું પણ લક્ષ્ય છે. હાલમાં, ભારતમાં મત્સ્ય ઉત્પાદન 16,248.27 હજાર મેટ્રિક ટન છે, અને નિકાસનો આંકડો 13,69,264 મેટ્રિક ટન છે. આ કુલ મત્સ્ય નિકાસના જત્થામાં ગુજરાતની વાત કરીએ તો આ આંકડો 16.9 ટકા એટલે કે 2,32,619 મેટ્રિક ટન છે.

ગુજરાત સરકાર કરી રહી છે બ્લૂ ઇકોનોમીને પ્રમોટ

ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકાંઠાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકારે મત્સ્યપાલનના ક્ષેત્રમાં અનેક પ્રોત્સાહક પહેલો કરી છે. તેમાં ડીઝલમાં વેટના દરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન હેઠળ આપવામાં આવતી જમીન, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવો, માઢવાડ, નવાબંદર, વેરાવળ-2 અને સૂત્રાપાડામાં ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત હવામાન અને સુરક્ષા સંબંધિત જાગરૂતતા જેવા પ્રયાસોથી ગુજરાતનો મત્સ્યોદ્યોગ અને માછીમારો સતત નવા શિખરો સર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post