આ યોજનાઓમાં કુલ રૂપિયા 5911 કરોડનો ખર્ચ કરવામાં આવશે જેમાંથી કેન્દ્રનો હિસ્સો રૂપિયા 3700 કરોડ અને રાજ્યોનો હિસ્સો રૂપિયા 2211 કરોડ રહેશે
SDGના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે 2.78 લાખ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મદદ કરવામાં આવશે
નવી દિલ્હી, તા.13-04-2022
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત સુધારવામાં આવેલી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA)ની યોજનાઓનો અમલ 01.04.2022 થી 31.03.2026 સુધીના સમયગાળા દરમિયાન (જે 15મા નાણાં પંચના સમયગાળાને અનુરૂપ છે) ચાલુ રાખવાની મંજૂરી આપી છે. પંચાયતી રાજ સંસ્થાઓ (PRI)ની સુશાસન ક્ષમતાઓ વિકસાવવા માટે આ મંજૂરી આપવામાં આવી છે.
નાણાકીય અસરો:
આ યોજનાઓમાં કુલ રૂપિયા 5911 કરોડનો ખર્ચ કરવામાં આવશે જેમાંથી કેન્દ્રનો હિસ્સો રૂપિયા 3700 કરોડ અને રાજ્યોનો હિસ્સો રૂપિયા 2211 કરોડ રહેશે.
રોજગારી સર્જનની સંભાવનાઓ સહિત મુખ્ય અસરો:
· RGSAની મંજૂરી આપવામાં આવેલી યોજનાથી 2.78 લાખ કરતાં વધારે ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મદદ મળી રહેશે જેમાં સમગ્ર દેશમાં રહેલી પરંપરાગત સંસ્થાઓ પણ સામેલ છે. આનાથી ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને સહિયારા સ્થાનિક સુશાસન દ્વારા SDG ડિલિવર કરવા માટે સુશાસનની ક્ષમતાઓ વિકસાવવામાં મદદ મળી રહેશે. SDGના મુખ્ય સિદ્ધાંતો એટલે કે, કોઇપણ પાછળ ના રહેવું જોઇએ, સૌથી દૂરના લોકો સુધી સૌથી પહેલા પહોંચવું અને સાર્વત્રિક કવરેજ તેમજ લૈંગિક સમાનતાને તમામ ક્ષમતા નિર્માણ હસ્તક્ષેપોમાં સમાવી લેવામાં આવશે જેમાં તાલીમ, તાલીમના મોડ્યૂલ અને સામગ્રીઓ પણ સામેલ રહેશે. સૈદ્ધાંતિક રીતે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા વિષયોને થીમ્સ હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે જેના નામ આ મુજબ છે: (i) ગામડાઓમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા, (ii) સ્વસ્થ ગામ, (iii) બાળકો માટે મૈત્રીપૂર્ણ ગામ, (iv) પૂરતું પાણી ધરાવતું ગામ, (v) સ્વચ્છ અને હરિયાળું ગામ, (vi) ગામમાં આત્મનિર્ભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, (vii) સામાજિક રીતે સુરક્ષિત ગામ, (viii) સુશાસન ધરાવતું ગામ અને (ix) ગામડામાં ઉદ્ભવિત વિકાસ.
· પંચાયતોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય છે અને તેઓ પાયાના સ્તરે સૌથી નજીકથી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે માટે, પંચાયતોનું મજબૂતીકરણ કરવાથી હિસ્સેદારી અને સમાવેશીતાને પ્રોત્સાહન મળશે તેમજ સમુદાયનો સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ પણ થઇ શકશે. PRI દ્વારા ઈ-ગવર્નન્સનો ઉપયોગ વધારવાથી સેવાની બહેતર ડિલિવરી કરી શકાશે અને પારદર્શિતા પ્રાપ્ત કરવામાં મદદ મળી શકશે. આ યોજનાથી ગ્રામ સભાઓને અસરકારક સંસ્થાઓ તરીકે કામ કરવા માટે મજબૂત બનાવશે જેમાં નાગરિકો અને ખાસ કરીને સંવેદનશીલ સમૂહોનો સામાજિક સમાવેશ થાય છે. તેનાથી પર્યાપ્ત માનવ સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે PRIની ક્ષમતા નિર્માણ માટે સંસ્થાકીય માળખું સ્થાપિત થશે.
· SDG પ્રાપ્ત કરવામાં પંચાયતોની ભૂમિકાને ઓળખવા અને તેમનામાં તંદુરસ્ત સ્પર્ધાની ભાવના કેળવવા માટે રાષ્ટ્રીય મહત્વના માપદંડોના આધારે પ્રોત્સાહન આપીને પંચાયતોને તબક્કાવાર મજબૂત કરવામાં આવશે.
· આ યોજના હેઠળ કોઇ કાયમી હોદ્દા બનાવવામાં આવશે નહીં પરંતુ આ યોજનાના અમલીકરણ માટે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજના હેઠળના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે તેમાં તેમને મદદરૂપ થવા માટે ટેકનિકલ સહાયના ઉદ્દેશથી જરૂરિયાતના આધારે કરાર ધોરણે માનવ સંસાધનોને નિયુક્ત કરવામાં આવી શકે છે.
લાભાર્થીઓની સંખ્યા:
સમગ્ર દેશમાં અંદાજે 60 લાખ ચૂંટાયેલા પ્રતિનિધીઓ, કામ કરનારાઓ અને પરંપરાગત સંસ્થાઓ સહિત ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના અન્ય હિતધારકો આ યોજનાના પ્રત્યક્ષ લાભાર્થીઓ રહેશે.
વિગતો:
(i) સુધારવામાં આવેલી RGSAમાં કેન્દ્રીય અને રાજ્યના ઘટકો સામેલ રહેશે. આ યોજનાના કેન્દ્રીય ઘટકોને સંપૂર્ણ રીતે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. રાજ્યના ઘટકો માટે ભંડોળની રૂપરેખા અનુક્રમે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40 ના ગુણોત્તરમાં વહેંચવામાં હશે જેમાં, પૂર્વોત્તરના પ્રદેશો, પર્વતીય રાજ્યો અને જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ (UT) કે જ્યાં કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો 90:10નો રહેશે તે સિવાયના વિસ્તારોને સમાવી લેવામાં આવશે. જોકે, અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રનો હિસ્સો 100% રહેશે.
(ii) આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય બંનેના ઘટકો સામેલ રહેશે જેમાં કેન્દ્રના ઘટકો – રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓ એટલે કે, ટેકનિકલ સહાયતા માટે રાષ્ટ્રીય આયોજન, ઈ-પંચાયત પર મિશન મોડ પ્રોજેક્ટ, પંચાયતોનું પ્રોત્સાહન, કામગીરી સંશોધન અને મીડિયા જ્યારે રાજ્યના ઘટકો – પંચાયતી રાજ સંસ્થાઓ (PRI)નું ક્ષમતા નિર્માણ અને તાલીમ (CB&T), CB&T માટે સંસ્થાકીય સહકાર, દૂરસ્થ અભ્યાસ સુવિધા, ગ્રામ પંચાયત (GP)ના બાંધકામ માટે સહકાર, ગ્રામ પંચાયત ભવનોમાં સામાન્ય સેવા કેન્દ્રો (CSC)નું સહ-સ્થાન અને ગ્રામ પંચાયતો માટે કોમ્પ્યૂટર કે જેમાં પૂર્વોત્તરના રાજ્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, PESA વિસ્તારોમાં ગ્રામ સભાઓના મજબૂતીકરણ માટે વિશેષ સહાય, આવિષ્કાર માટે સહકાર, આર્થિક વિકાસ અને નાણાકીય ઉન્નતિ માટે સહકાર, આર્થિક વિકાસ વગેરે સામેલ છે.
(iii) આ યોજના અંતર્ગત પ્રવૃત્તિઓના અમલીકરણ અને દેખરેખની કામગીરી વ્યાપકરૂપે દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો (SDG)ની પ્રાપ્તિને સંરેખિત રહેશે. SDG પ્રાપ્ત કરવા માટે તમામ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને વિવિધ મંત્રાલયો/વિભાગો અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણ માટે પંચાયતો કેન્દ્રબિંદુ છે.
(iv) સુધારેલા RGSA હેઠળ મંત્રાલય તેનું ધ્યાન PRIના ચૂંટી કાઢવામાં આવેલા પ્રતિનિધીઓના ક્ષમતા નિર્માણ પર કેન્દ્રિત કરશે જેથી સરકારનું અસરકારક તૃતીય સ્તર તૈયાર કરવા માટે તેમનામાં નેતૃત્વની ભૂમિકા કેળવી શકાય અને તેમને સૈદ્ધાંતિક રીતે અહીં આપવામાં આવેલી નવ થીમ માટે SDGનું સ્થાનિકીકરણ ડિલિવર કરવા માટે સમર્થ બનાવી શકાય, આ થીમ (i) ગામડાઓમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા, (ii) સ્વસ્થ ગામ, (iii) બાળકો માટે મૈત્રીપૂર્ણ ગામ, (iv) પૂરતું પાણી ધરાવતું ગામ, (v) સ્વચ્છ અને હરિયાળું ગામ, (vi) ગામમાં આત્મનિર્ભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, (vii) સામાજિક રીતે સુરક્ષિત ગામ, (viii) સુશાસન ધરાવતું ગામ અને (ix) ગામડામાં ઉદ્ભવિત વિકાસ છે.
(v) આ યોજના SDG પ્રાપ્ત કરવા માટે અન્ય મંત્રાલયો/વિભાગોની ક્ષમતા નિર્માણ પહેલને પણ એકી કેન્દ્રિત કરશે. વિવિધ મંત્રાલયો/વિભાગોના તાલીમ કાર્યક્રમોમાં પરંપરાગત સંસ્થાઓ સહિત ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના ક્ષેત્ર સક્ષમકર્તાઓને સમાવી લેવામાં આવશે, કાર્યકર્તાઓ અને અન્ય હિતધારકોને તેમના સંબંધિત ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવશે.
(vi) SDG પ્રાપ્ત કરવામાં અને સૌની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાની ભાવના કેળવવા માટે પંચાયતોની ભૂમિકા બિરદાવવામાં આવશે. પંચાયતોની કામગીરીના મૂલ્યાંકનમાં નોડલ મંત્રાલયોની મોટી ભૂમિકા અને અનુરૂપ ક્ષેત્રોમાં પુરસ્કારો પ્રાયોજિત કરવાની પરિકલ્પના પણ કરવામાં આવી છે.
(vii) ઊંડાણપૂર્વક વિશ્લેષણ પૂરું પાડવા માટે, PRI સાથે સંબંધિત ફિલ્ડમાં પુરાવા આધારિત સંશોધન અભ્યાસો અને મૂલ્યાંકન કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ, સોશિયલ અને પરંપરાગત માધ્યમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે, ગ્રામીણ જનતાને સંવેદનશીલ બનાવવા માટે, સરકારી નીતિઓ અને યોજનાઓનો પ્રસાર કરવા સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યો:
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમની સંબંધિત ભૂમિકાઓ માટે મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓ પૂરી કરવા માટે યોગ્ય પગલાં લેશે. રાજ્ય સરકાર તેમની પ્રાથમિકતાઓ અને જરૂરિયાત અનુસાર કેન્દ્ર સરકાર પાસેથી સહાય પ્રાપ્ત કરવા માટે તેમની વાર્ષિક કાર્ય યોજના તૈયાર કરશે. આ યોજના માંગ આધારિત મોડમાં અમલમાં મૂકવામાં આવશે.
આવરી લેવામાં આવેલા રાજ્યો/જિલ્લા:
આ યોજના હેઠળ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે અને તેમાં જ્યાં પંચાયતો અસ્તિત્વમાં ના હોય તેવા પાર્ટ IX સિવાયના વિસ્તારોની સ્થાનિક સરકારની સંસ્થાઓને પણ સમાવી લેવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
વર્ષ 2016-17 દરમિયાન તત્કાલિન નાણાં મંત્રીએ તેમના અંદાજપત્રના સંબોધન દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓ (PRI)ની સુશાસન ક્ષમતાઓના વિકાસ માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) નામથી એક નવી ફરી માળખુ તૈયાર કરવામાં આવેલી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો (SDG) પ્રાપ્ત કરવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અને નીતિ આયોગના નાયબ ચેરમેનની અધ્યક્ષતા હેઠળની સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોના અનુપાલનમાં, RGSAની કેન્દ્રિય પ્રાયોજિત યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 21.04.2018ના રોજ નાણાકીય વર્ષ 2018-19 થી 2021-22 સુધી (01.04.2018 થી 31.03.2022 સુધી) અમલમાં મૂકવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
વર્ષ 2021-22 દરમિયાન RGSAનું તૃતીય પક્ષ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન અહેવાલમાં RGSA યોજના હેઠળ કરવામાં આવેલા હસ્તક્ષેપોની પ્રશંસા કરવામાં આવી હતી અને PRIને વધુ મજબૂત કરવા માટે તેને હજુ પણ ચાલુ રાખવાની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, CB&T એ એક સતત પ્રક્રિયા છે, કારણ કે દર પાંચ વર્ષે પંચાયતના મોટાભાગના પ્રતિનિધિઓ નવા પ્રવેશકર્તા તરીકે ચૂંટાય છે, જે સ્થાનિક શાસનમાં તેમની ભૂમિકા નિભાવવા માટે જ્ઞાન, જાગૃતિ, વર્તણૂક અને કૌશલ્યોની દૃષ્ટિએ સક્ષમ હોય તે જરૂરી છે. આથી, તેમના આવશ્યક કાર્યોને કાર્યદક્ષ અને અસરકારક રીતે નિભાવવા માટે તેમને સુસજ્જ કરવાના ઉદ્દેશથી તેમને મૂળભૂત અભિગમ અને રિફ્રેશર તાલીમ આપવામાં આવે તે અનિવાર્ય જરૂરિયાત છે. આથી, 01.04.2022 થી 31.03.2026 (પંદરમા નાણાં પંચના સમયગાળાને અનુરૂપ) દરમિયાન સુધારેલ RGSAનો અમલ ચાલુ રાખવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
જો યોજના પહેલાંથી ચાલી રહી હોય તો, તેની અને તેમાં થયેલી પ્રગતીની વિગતો:
- કેન્દ્ર દ્વારા પ્રાયોજિત RGSA યોજનાને 21.04.2018ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નાણાંકીય વર્ષ 2018-19 થી 2021-22 સુધી અમલમાં મૂકવા માટે મંજૂરી આપવામં આવી હતી. કેન્દ્રના મુખ્ય ઘટકોમાં પંચાયતોનું પ્રોત્સાહન અને કેન્દ્રીય સ્તરે અન્ય પ્રવૃત્તિઓ સહિત ઈ-પંચાયત પર મિશન મોડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. રાજ્યના ઘટકમાં મુખ્યત્વે CB&T પ્રવૃત્તિઓ, CB&T માટેનું સંસ્થાકીય વ્યવસ્થાતંત્ર અને અન્ય પ્રવૃત્તિઓનો મર્યાદિત વ્યાપકતા સાથે સમાવેશ થાય છે.
- પંચાયતોને પ્રોત્સાહન અને ઈ-પંચાયત પર મિશન મોડ પ્રોજેક્ટ સહિત RGSAની યોજના હેઠળ, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો/ પંચાયતો અને અને અમલીકરણ એજન્સીઓને વર્ષ 2018-19 થી 2021-22 (31.03.2022 સુધીની સ્થિતિ) માટે રૂપિયા 2364.13 કરોડની રકમ આપવામાં આવી છે.
- વર્ષ 2018-19 થી 2021-22 (31.03.2022 સુધીની સ્થિતિ) દરમિયાન આ યોજના હેઠળ PRIના 1.36 કરોડ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કામ કરનારાઓ અને અન્ય હિતધારકોએએ વિવિધ અને બહુવિધ તાલીમ મેળવી છે.