Breaking News

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (4 માર્ચ, 2023) નવી દિલ્હીમાં સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 એનાયત કર્યાં હતાં અને જલ શક્તિ અભિયાનઃ કૅચ ધ રેઈન – 2023નો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે પાણી અને સ્વચ્છતા દરેક નાગરિકનાં જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. પરંતુ આ મુદ્દાઓ મહિલાઓને સૌથી વધુ અસર કરે છે, કારણ કે સામાન્ય રીતે મહિલાઓની એ જવાબદારી હોય છે કે તેઓ તેમનાં ઘર માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરે. ગામડાઓમાં પીવાનું પાણી મેળવવા માટે તેમને લાંબુ અંતર કાપવું પડતું હતું. પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં તેમનો ઘણો સમય લાગતો એટલું જ નહીં, પરંતુ તેમની સલામતી અને સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકતું. સામાન્ય રીતે શાળા-કૉલેજમાં જતી છોકરીઓ પણ વડીલોની સાથે પાણીની વ્યવસ્થા કરવામાં લાગી જતી હતી, જેનાં કારણે તેમના અભ્યાસમાં અવરોધ ઊભો થતો હતો. આ સમસ્યાઓને દૂર કરવા માટે ભારત સરકારે ખાસ પગલાં લીધાં છે.  તે જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન જેવી પહેલ મારફતે પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા સુવિધાઓ પ્રદાન કરે છે. તેમને એ જાણીને આનંદ થયો કે આજે ૧૧.૩ કરોડથી વધુ ઘરોમાં નળમાંથી પીવાલાયક પાણી મળી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે મહિલાઓ અગાઉ પાણી લાવવામાં સમય વિતાવતી હતી, તેઓ હવે તે સમયનો ઉપયોગ અન્ય ઉત્પાદક કાર્યોમાં કરી રહી છે. પ્રદૂષિત પાણીને કારણે ઝાડા-મરડા જેવા પાણીજન્ય રોગોનો ભોગ બનતા શિશુઓનાં આરોગ્યમાં પણ નળનાં શુદ્ધ પાણીથી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂકતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ એક જાણીતી હકીકત છે કે આપણા દેશમાં જળ સંસાધનો મર્યાદિત છે અને તેનું વિતરણ પણ અસમાન છે. વિશ્વની લગભગ 18 ટકા વસ્તી ભારતમાં વસે છે, પરંતુ વિશ્વનાં માત્ર 4 ટકા જળ સંસાધનો અહીં ઉપલબ્ધ છે. વળી, આ પાણીનો મોટાભાગનો ભાગ વરસાદનાં રૂપમાં મળે છે, જે નદીઓ અને સમુદ્રમાં વહી જાય છે. એટલા માટે જળ સંરક્ષણ અને તેનું વ્યવસ્થાપન આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. આજે આપણે પાણી પુરવઠા માટે પરંપરાગત માધ્યમો કરતાં સંસ્થાકીય માધ્યમો પર વધુ નિર્ભર છીએ. પરંતુ ટકાઉ પાણી પુરવઠા માટે આધુનિક તકનીકોનો ઉપયોગ કરવાની સાથે, જળ વ્યવસ્થાપન અને જળ સંચયની પરંપરાગત પદ્ધતિઓનું પુનરુત્થાન એ સમયની માગ છે. જળ સંરક્ષણ અને તેનાં સંચાલન માટે તમામ હિતધારકોએ સાથે મળીને કામ કરવું જોઈએ. આપણે આ પ્રયાસ માત્ર આપણા માટે જ નહીં પરંતુ આપણી આવનારી પેઢીઓનાં સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે પણ કરવાની જરૂર છે.

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે દેશનાં લગભગ બે લાખ ગામોએ પોતાને ઓડીએફ પ્લસ ગામો તરીકે જાહેર કર્યાં છે. તેમણે કહ્યું કે તેનો અર્થ એ છે કે આ ગામોમાં ઘન અને પ્રવાહી કચરો વ્યવસ્થાપન પ્રણાલી છે. તેમણે ઘરગથ્થુ કચરાનું યોગ્ય અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થાપન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે ઘરોમાંથી ઘન કચરો જાહેર સ્થળે ફેંકી દેવામાં આવે છે અને પ્રવાહી કચરો જળાશયોમાં જાય છે. તેણે કહ્યું કે તે પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. આપણી પાસે એવી પ્રણાલી હોવી જોઈએ કે જેમાં મોટા ભાગના કચરા-પદાર્થોને રિસાયકલ કરવામાં આવે; પ્રવાહી કચરો ભૂગર્ભનાં પાણીને દૂષિત ન કરી શકે; અને આપણે બચેલા કચરામાંથી ખાતર બનાવી શકીએ છીએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતને ‘સ્વચ્છ રાષ્ટ્ર’ બનાવવું એ માત્ર સરકારની જ જવાબદારી નથી, પરંતુ તમામ નાગરિકોની સામૂહિક જવાબદારી છે. તેમણે કહ્યું કે ‘નારી શક્તિ’ વિના ‘જલ શક્તિ’ ફળદાયી ન હોઈ શકે. સામાજિક સમૃદ્ધિ માટે આ બંને પરિબળોની સંયુક્ત શક્તિની જરૂર છે. ‘જલ જીવન મિશન’નો હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે જળ સંરક્ષણ, ગામોને ઓડીએફ પ્લસ બનાવવાં, કચરા વ્યવસ્થાપન, વરસાદનાં પાણીનો સંગ્રહ કરવાં જેવાં ક્ષેત્રોમાં તમામ પુરસ્કાર વિજેતાઓ દ્વારા કરવામાં આવેલાં સમર્પણ અને સખત મહેનતને કારણે, ભારત જળ વ્યવસ્થાપન અને સ્વચ્છતામાં વિશ્વ સમુદાય સમક્ષ એક ઉદાહરણ સ્થાપિત કરશે. તેમણે પારિતોષિક વિજેતાઓને દેશભરમાં સ્વચ્છતા અને જળ સંરક્ષણનાં ક્ષેત્રમાં થઈ રહેલાં કાર્યો વિશે પોતપોતાનાં ક્ષેત્રોમાં લોકોને માહિતગાર કરવા તથા તેમને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: