ગાગડિયો નદી પર લોકભાગીદારીથી રુ.૨,૦૦૦ લાખના ખર્ચે ૨૮ કિમીની નદીને ઊંડી અને પહોળી કરવાનું કાર્ય થશે
રાજ્યમાં જળ સિંચન દ્વારા સર્વાંગી વિકાસ કરવાની નેમ સાથે નદી, તળાવ અને ચેકડેમને ઉંડા-પહોળા કરવાની તેમજ તેની સાફસફાઈ અને જાળવણી કરવામાં આવે છે. જેના ભાગરુપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનની ૫૦:૫૦ ટકા ભાગીદારીથી ૨૮ કિમી લાંબી ગાગડિયો નદીને ઊંડી અને પહોળી કરવાનું કાર્ય રુ.૨,૦૦૦ લાખના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. ગાગડીયો નદી પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘યુએન વૉટર કૉન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યુ હતું.
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આ તકે જળસિંચનની ક્ષમતા અને આ નદીની અગાઉની સ્થિતિ વિશે વિગતો મેળવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા, લાઠી અને બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, ધોળકીયા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી સવજીભાઈ ધોળકીયા, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.