Breaking News

રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન : ૭૧૭ યુનિટ રક્ત એકત્ર કરાયું

ગાંધીનગરના વૃંદાવન ગૌધામ, સેક્ટર-૩૦ માં ગાયોને લીલું ઘાસ નીર્યું

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ટેલીફોન દ્વારા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને શુભકામનાઓ પાઠવી

અમરેલીના પાંચ ગામના સરપંચોએ પ્રાકૃતિક કૃષિ કરવાનો સંકલ્પ ભેટમાં આપ્યો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાકીય અને પુણ્યકાર્યોમાં જન્મદિવસ વિતાવ્યો હતો. રાજભવન પરિવાર દ્વારા રાજભવનનામાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રીએ ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત વૃંદાવન ગૌધામ, સેક્ટર-૩૦ માં ગાયોને ૧૩૧ મણ લીલું ઘાસ નીર્યું હતું. આજે સવારે અમરેલીના બગસરામાં તેમણે શ્રી સ્વામિનારાયણ મંદિરના દિવ્યમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. અમરેલી જિલ્લાના પાંચ ગામના સરપંચોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ લઈને રાજ્યપાલ શ્રીને જન્મદિવસની ભેટ આપી હતી. તો પ્રાકૃતિક ખેતી કરતા ૧૧ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ૧૧ ખેત પેદાશો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ભેટ આપી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જન્મદિવસની સવારે રાજભવન પરિસરમાં યજ્ઞશાળામાં सर्वे भवन्तु सुखिनः ની મંગલકામના સાથે યજ્ઞ-હવન કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાએ ટેલીફોન દ્વારા શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા રાજભવન પધાર્યા હતા. તેમણે ઉષ્માભેર શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓએ રાજભવન આવીને રાજ્યપાલશ્રીને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ સૌ મહાનુભાવોનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ તથા ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૭૧૭ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રક્તદાતાઓનો આભાર માનતાં કહ્યું કે, જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરીને આપે સમાજને ઉપયોગી ઉમદા સેવાકાર્ય કર્યું છે. ડૉ. શશાંક સિમ્પી અને તેમની ટીમે રક્તદાન કેમ્પમાં સારી સેવાઓ આપી હતી.

જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં મહાનગરપાલિકા સંચાલિત વૃંદાવન ગૌધામ, સેક્ટર-૩૦ જઈને ૧૩૧ મણ લીલું ઘાસ ગાયોને નીર્યું હતું. ગાંધીનગરના વૃંદાવન ગૌધામની જાળવણી માટે તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે અવાર-નવાર ચર્ચાઓ કરી હતી. નવું, આધુનિક અને સુવિધાસભર ગૌધામ નિહાળીને રાજ્યપાલશ્રી અત્યંત પ્રભાવિત થયા હતા. વૃંદાવન ગૌધામમાં પહેલાં ૬૫૦ પશુઓને રાખવાની ક્ષમતા હતી. હવે અંદાજે ૧૮૦૦ પશુઓ સુવિધાજનક રીતે, આરામથી રહી શકે એવી વ્યવસ્થા છે. બીમાર અને ગાભણ પશુઓ માટે અલાયદો વાળો છે. તો નાના વાછરડા પણ અલગ રહી શકે એવું આયોજન છે. ગમાણ અને હવાળા ની સારી સુવિધા છે. પશુઓને ટાઢ, તડકા અને વરસાદમાં રક્ષણ મળી રહે એવું નિર્માણ કરાયું છે. ગાંધીનગરના શ્રી જલારામ ગૌ સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો અને કોર્પોરેટર શ્રી અનિલસિંહ વાઘેલા વૃંદાવન ગૌધામમાં દરરોજ સેવાઓ આપે છે. આ સ્વયંસેવકોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સન્માન કર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાયો અને વાછરડાઓને ગોળ ખવડાવ્યો હતો. આ મુલાકાત વેળાએ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન. વાઘેલા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશુભાઈ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કેયુર જેઠવા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: