કોઈપણ કાળ અવધિમાં લેખક અને પત્રકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સ્વ. ડૉ. આરતી પંડ્યાના શોધ નિબંધ; ‘વત્સરાજ : સંસ્કૃત સાહિત્યના સૂર્યનું તેજ કિરણ’ તથા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને ડૉ. આરતી પંડ્યા લિખિત પુસ્તકો; ‘ क्रांति की खोज में पंडित श्यामजी कृष्णवर्मा’ અને ‘ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ’ એમ ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું હતું.
રાજભવનમાં યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સાહિત્ય એ સમાજનું દર્પણ છે. લેખક અને પત્રકાર કોઈપણ કાળ અવધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમાજની વિપરીત પરિસ્થિતિઓને સકારાત્મક બનાવવામાં અને પરિવર્તન આણવામાં તેમનું મહત્વનું યોગદાન હોય છે. સ્વ. ડૉ. આરતીબેન પંડ્યા અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ સાહિત્ય અને પત્રકારત્વની અવિસ્મરણીય સેવા કરી છે. લેખક, પત્રકાર અને અખિલ ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અધ્યક્ષ તરીકે પણ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ સમાજમાં નવજાગરણ અને નવચેતના માટે ઉમદા કામ કર્યું છે. તેમનું જીવન અને સાહિત્ય સર્જન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.
ડૉ. બાબા સાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી દ્વારા ડૉ. આરતી પંડ્યાના શોધ નિબંધનું પ્રકાશન કરાયું છે. આ અવસરે કુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાયએ કહ્યું હતું કે, આજીવન વિદ્યાર્થી રહે તે જ સાચો શિક્ષક. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના વિચારો અને કલમ સતત ચાલુ રહ્યા છે.
૧૫૦ થી વધુ પુસ્તકોના લેખક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, કૃષિથી લઈને કલમ સુધી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રભાવી છે.
પુસ્તકોના વિમોચન પ્રસંગે ડૉ વિજય પંડ્યા, ડૉ. દર્શન મશરૂ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.