રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :
- વર્તમાન ગ્લોબલ વૉર્મિંગ સહિતની સમસ્યાનું નિદાન પ્રાકૃતિક કૃષિમાં છે.
- ગુજરાતમાં નવ લાખ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક ખેતી, સરકાર હજુ પણ વ્યાપ વધારી રહી છે.
– પ્રાકૃતિક ખેતીથી જમીનનું ઑર્ગેનિક કાર્બન સતત વધે છે અને તેનાથી દર વર્ષે ઉત્પાદન વધે છે.
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ :
- ગુજરાત રાજ્ય કૃષિક્ષેત્રે દેશમાં અગ્ર હરોળમાં.
- ગુજરાતમાં વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે.
– પી.એમ.ની પ્રેરણાથી રાજ્યમાં છ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર શરૂ, નવા સાતનું નિર્માણ.
પદવીદાન સમારોહમાં ૬૪ વિદ્યાર્થીઓને અપાયા ગોલ્ડ, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલઃ કુલ ૬૨૮ વિદ્યાર્થીઓને અપાઈ ડિગ્રી

ગુજરાતના રાજયપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ ૬૨૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીના હસ્તે ૬૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક રોકડ પુરસ્કાર એનાયત ક૨વામાં આવ્યા હતા.

કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી અને અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું હતું કે, દિક્ષાંતનું ખૂબ મહત્વ છે. ડિગ્રી લઈને તમે જ્યારે જઈ રહ્યા છો, ત્યારે સમાજમાં લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા આગળ વધશો તેવી શુભકામના.
કૃષિ યુનિવર્સિટીના છાત્રો સાથે કૃષિની સાંપ્રત સ્થિતિ અને પડકારો અંગે સંવાદ સાધતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં કૃષિ જે પરિસ્થિતમાંથી પસાર થઈ રહી છે, તેના પર ચિંતનની આવશ્યકતા છે. ગ્લોબલ વૉર્મિંગ આજે વિશ્વનો સૌથી મોટો પડકાર છે અને હવે તેણે પોતાનું વિનાશક રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. સમુદ્રી તોફાનો, વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ વગેરે ગ્લોબલ વૉર્મિંગની અસરો અને નુકસાનીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં વૈશ્વિક તાપમાનમાં દોઢ ડિગ્રી વધારો થવાની આગાહી છે, ત્યારે શું મૌસમની લડાઈના આ મારને વર્તમાન કૃષિ સહન કરી શકશે?


આ પરિસ્થિતિ આપણે મનુષ્યોએ જ ઊભી કરી છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, મનુષ્ય સિવાય કોઈપણ જીવસૃષ્ટિએ પ્રકૃતિને આટલી હાનિ નથી પહોંચાડી. ગ્લોબલ વૉર્મિંગ વધવા પાછળ રાસાયણિક ખેતી ૨૪ ટકા જવાબદાર છે. ઉપરાંત જૈવિક ખેતીના કારણે પણ વાતાવરણમાં મિથેન ગેસ વધવાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે.
રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના અતિરેકથી ખેતીની જમીન બિનઉપજાઉ બની ગઈ છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, આ તમામ સમસ્યાનું નિદાન પ્રાકૃતિક ખેતીમાં છે. કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનો તથા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિપોર્ટસના ઉલ્લેખ તેમજ અનુભવજન્ય પુરાવાઓ સાથે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનો મહિમા વર્ણવીને તેના માટે કામ કરવા અને અપનાવવા કૃષિ યુનિવર્સિટીના છાત્રોને આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં ખાતર નથી બનાવાતું. પણ બે કલ્ચર બનાવાય છે. જીવામૃત અને ઘનજીવામૃત ધરતીમાં જીવાણું, અળસીયા તેમજ મિત્ર કિટની વૃદ્ધિ કરે છે. રાસાયણિક તથા જૈવિક ખેતી માટે બહારથી વસ્તુઓ ખરીદવી પડે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી માટે કોઈ વસ્તુ બહારથી ખરીદવી પડતી નથી. પ્રાકૃતિક ખેતીમાં પાણી પણ ઓછું વપરાય છે તેમજ જમીનનું ઓર્ગેનિક કાર્બન સતત વધે છે અને તેના કારણે દર વર્ષે ઉત્પાદન વધે છે.
રાસાયણિક ખેતી, જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર જેવા રોગો વધવા લાગ્યા છે. ઉપરાંત યુવાનોની પ્રજોત્પાદક ક્ષમતા ઘટતી હોવાના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે અને રાજ્યમાં નવ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. હજુ સરકાર તેનો વ્યાપ વધારી રહી છે.
આ અવસરે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે અતિથિ વિશેષ તરીકે વર્ચ્યુઅલી હાજર રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે છાત્રોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય કૃષિક્ષેત્રે દેશમાં અગ્ર હરોળમાં છે. ગુજરાતમાં વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે.
કૃષિ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની સહાયકારી યોજનાઓથી અનેક ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર શરૂ કરવામાં આવ્યા છે. આવા છ સેન્ટર શરૂ થઈ ગયા છે અને બીજા નવા સાત સેન્ટર નિર્માણ પામી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ સમારોહના મુખ્ય મહેમાન એવા અખિલ ભારતીય કિસાન સંઘના સહ સંગઠન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહે દિક્ષાંત પ્રવચન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પ્રવચનમાં કહ્યું હતું કે, “પરંપરાગત કૃષિ, તેનું જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન, તેનું સમાયોજન તમારા જેવા યુવાનો –પદવીધારકોએ કરવાનું છે.
આ અવસરે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટીયાએ યુનિવર્સિટીની કામગીરીનો પરિચય આપ્યો હતો, જ્યારે કુલસચિવ ડૉ. પી. એમ. ચૌહાણે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જુનાગઢ મ્યુનિસપલ કમિશનરશ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તેમજ અન્ય મહાનુભાવો, ગણમાન્ય નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે, આ સમારંભમાં બી.એસસી. (ઓનર્સ) એગ્રી.ના ૨૮૯, બી.એસસી. (ઓનર્સ) હોર્ટીકલ્ચરના ૭૫, બી.ટેક. (એગ્રી.એન્જિનિયરિંગ)ના ૯૮, એમ.એરાસી. (એગ્રી.)ના ૬૫, એમ.એસસી. (હોર્ટી.)ના ૧૬, એમ.ટેક. (એગ્રી.એન્જી.)ના ૦૯, એમ.વી.એસસી ના ૦૧, એમ.બી.એ. (એગ્રી.બીઝનેસ મેનેજમેન્ટ)ના ૨૭ અને પીએચ.ડી ના ૪૮ મળીને કુલ-૬૨૮ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. જ્યારે વિવિધ ફેકલ્ટીઓમાં કુલ-૬૪ ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને ૦૧ (એક) કેશ પ્રાઈઝ એનાયત ક૨વામાં આવ્યા હતા