ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ અંતર્ગત
કાર્યરત યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા રાજ્યની મહિલાઓને મદદરૂપ થવાનું અનુપમ
કામ કરે છે
મહિલા જાગૃતિ શિબિર, જનરલ તાલીમ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, પ્રદર્શન
સહ વેચાણ જેવી યોજનાઓ થકી રાજ્યની મહિલાઓને લાભ પહોંચાડવામાં આવે છે
ઉત્પાદન, બજાર તેમજ વેચાણ પ્રક્રિયા તમામ એક જ સ્ત્રોતમાં મહિલાઓને ઉપલબ્ધ
પણ કરાવે છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા
સમયોચિત, વ્યવસ્થિત અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આજે રાજ્ય
સરકારની અનેક મહિલાલક્ષી યોજનાને કારણે રાજ્યની મહિલાઓ સ્વમાનભેર ઉન્ન મસ્તકે
જીવન જીવી રહી છે એટલું જ નહીં રાજ્ય સરકારે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની અનેક
પહેલો પણ કરી છે, જેમાં મહિલાઓના આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ સંસ્થા ગુજરાત
આર્થિક વિકાસ નિગમ લિમિટેડ(GWEDC)નો પણ એક મહત્વનો ફાળો રહ્યો છે.
૧૯૮૧માં સ્થાપિત થયેલી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ આ સંસ્થા
ગુજરાતની મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની
મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનું કામ આ સંસ્થા કરે છે.
શ્રીમતી પુષ્પલતા યાદવ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ:
“સ્ત્રીઓ એકબીજાની પ્રેરણા સ્વરૂપ હોય છે. અને સ્ત્રીઓ કોઈનાથી પાછળ નથી હોતી.
સ્ત્રીઓની પરિસ્થિતિને સમજીને જ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ વિવિધ
પ્રકારની યોજનાઓ લઈને આવે છે જેનાથી મહિલાઓ દેશની પ્રગતિમાં ભાગીદાર થઈ શકે
અને નવીનતમ વિચારોની આપ-લે કરી શકે.”
રાજ્યની મહિલાઓ પોતાના કુટુંબ તેમજ સમગ્ર દેશના આર્થિક વિકાસમાં ફાળો આપી શકે
તે માટે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. વિવિધ
પ્રકારની રોજગારલક્ષી યોજનાઓ દ્વારા મહિલાઓને રોજગારલક્ષી વ્યવસાયિક તાલીમ
આપવામાં આવે છે. આ તાલીમ મેળવ્યા બાદ મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તેમ જ
રોજગારલક્ષી પ્રવૃત્તિઓમાં જોડાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે.
ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિમિટેડ(GWEDC) દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા
માટે શક્તિ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળામાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત
થયેલી વસ્તુઓને બજાર મળી રહે તેમજ તેનું વેચાણ થાય તે માટે સમગ્ર દેશ અને રાજ્યમાં
આ પ્રકારનાં શકિત મેળા યોજવામાં આવે છે. આ મેળા થકી મહિલાઓ બજાર તેમજ વેચાણ
પ્રક્રિયામાં જોડાઈ શકે છે. આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરતો શક્તિ મેળો મહિલાઓને
આત્મનિર્ભરતાનો અહેસાસ કરાવે છે.
ગુજરાત આર્થિક વિકાસ નિગમની દ્વારા મુખ્યત્વે મહિલા જાગૃતિ શિબિર, જનરલ તાલીમ
યોજના, મહિલા સ્વાવલંબન યોજના,પ્રદર્શન સહ વેચાણ જેવી યોજનાઓ થકી મહિલાઓને
લાભ પહોંચાડવામાં આવે છે.
મહિલા જાગૃતિ શિબિર – ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા જાગૃતિ શિબિર
યોજવામાં આવે છે. આ શિબિર અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પોતાનો
વ્યવસાય, ઉદ્યોગ કે ધંધાનો પ્રચાર પ્રસાર કે વિકાસ કેવી રીતે થાય તેની પાયાની સમજ
આપવામાં આવે છે. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપ્યા બાદ મહિલાઓને આ
યોજનાઓ સાથે સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગ્રામ્ય સ્તરની મહિલાઓ જેમણે ક્યારેય
ઘરની બહારનો માહોલ જોયો નથી તેવી મહિલાઓને પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે
પ્રોત્સાહન આપવામાં આવે છે. શિબિરમાં સરકાર દ્વારા જાહેર કરાતી વિવિધ પ્રકારની
યોજનાઓની માહિતી આપવામાં આવે છે જેથી કરીને મહિલાઓ સરકારી યોજનાઓનો પૂરતો
લાભ ઉઠાવી શકે.
જનરલ તાલીમ યોજના– નિગમ દ્વારા જનરલ તાલીમ યોજના અંતર્ગત જાગૃતિ શિબિર
યોજવામાં આવે છે. ગ્રામ્ય સ્તરે વ્યવસાયિક તેમજ આર્થિક પ્રવૃત્તિમાં જોડાવાની ઈચ્છા રાખતી
હોય તેવી મહિલાઓને વ્યવસાયિક તાલીમ શિબિર દ્વારા પાંચ દિવસની તાલીમ આપવામાં
આવે છે. આ તાલીમમાં મહિલાઓને પોતાના વ્યવસાયની સ્થાપના કેવી રીતે કરવી, તેનો
વિકાસ કેવી રીતે કરવો, તે વ્યવસાયને બજાર સુધી કેવી રીતે પહોંચાડવો, તથા બજારમાં
જઈને વસ્તુઓ અને ઉત્પાદનોનું વેચાણ કેવી રીતે કરવું તેની પાયાની સમજ આપવામાં આવે
છે. સાહસિક મહિલાઓ જેમણે નવો ઉદ્યોગ શરૂ કર્યો હોય તેવી મહિલાઓને ૧૦ મહિના સુધી
વ્યવસાયીને લગતી આખી પ્રક્રિયાને સમજવા માટેની તાલીમ તથા માર્ગદર્શન પુરુ પાડવામાં
આવે છે. મહિલાઓ 10 મહિનાના સમય બાદ જાતે કરી શકવાની ક્ષમતામાં પહોંચી શકે તે
માટેની અથાગ મહેનત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે.
મહિલા સ્વાવલંબન યોજના- આ યોજના દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ
પછાત તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટેની રોજગારલક્ષી યોજનાઓ
અમલમાં મુકે છે. આ યોજના બેંકો દ્વારા જોડાયેલી છે. આ યોજનામાં મહિલા લાભાર્થી ની
અરજી ઓનલાઇન મારફતે બેંકમાં મોકલવામાં આવે છે તેમજ નક્કી કરાયેલી બેંક દ્વારા લોન
મારફતે મહિલાને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. નિગમ દ્વારા નક્કી કરાયેલી
સબસીડીનો લાભ મહિલા લાભાર્થીને મળવા પામે છે. મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ
મેળવવા માટે કંઇ બાબતોને ધ્યાને રાખવી જોઇએ. જેમાં શહેરી વિસ્તારમાં ૧,૫૦,૦૦૦ સુધીની
વાર્ષિક આવક મર્યાદા હોવી જોઇએ. ગ્રામિણ વિસ્તારમાં ૧,૨૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક
મર્યાદા, રાજ્યની મહિલાઓ માટે વયમર્યાદા ૨૧ થી ૨૫ વર્ષ તેમજ વ્યવસાય માટેનાં ખર્ચના
૧૫% અથવા ૩૦,૦૦૦ રૂપિયા, બેમાંથી જે ઓછી રકમ હોય તે રકમની સબસિડી ની મદદ
મળવા પાત્ર થાય છે.
પ્રદર્શન સહ વેચાણ યોજના – આ યોજના અંતર્ગત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા
મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ થાય તે માટે બજારની સુવિધા ઉભી કરવામાં આવે
છે. દર વર્ષે રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન સહ વેચાણનાં મેળા યોજવામાં આવે છે. આ
મેળાને શક્તિ મેળાના નામથી પણ ઓળખવામાં આવે છે. શક્તિ મેળામાં ભાગ લઈને
મહિલાઓ પોતાની ઉત્પાદિત જુદી જુદી વસ્તુઓનું વેચાણ કરી શકે છે તેમજ પોતાના ઉદ્યોગ
તેમજ ધંધાની કાયમી ઓળખ ઊભી કરી શકે છે. આ મેળાઓ દ્વારા તેમને બજાર શાખ મળવા
પામે છે જે તેમને તેમના વ્યવસાયમાં આગળ ઉપયોગી થાય છે.
મહિલાઓ જો મેળામાં ભાગ લેવા ઈચ્છે છે તેમણે hhtp://www.gwedc.gov.in આ લીંક
પર રજીસ્ટ્રેશ કરાવવું ફરજિયાત છે ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ ઓનલાઇન સ્ટોલ બુકિંગ થઈ
શકે છે. શક્તિ મેળાના સ્ટોલની ફાળવણી પારદર્શક રીતે ઓનલાઇન ડ્રોની મદદથી કરવામાં
આવે છે. પ્રતિદિન ૨૦૦ રૂપિયા જેટલી નજીવી કિંમતે મહિલાઓ શક્તિ મેળામાં ભાગ લઈ શકે
છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતા અન્ય મેળા તથા પ્રદર્શનમાં મહિલાઓ પ્રતિદિન ૩૦૦ રૂપિયા
જેટલી નજીવી કિંમતે સ્ટોલની ફાળવણી લઈ શકે છે.
આમ, ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિમિટેડ આત્મનિર્ભર ભારત તેમજ આત્માનિર્ભર
ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું કામ કરે છે. મહિલા તેમજ બાળ વિકાસ
વિભાગ અંતર્ગત કાર્યરત યોજનાઓ અને કાર્યક્રમો રાજ્યની મહિલાઓને મદદરૂપ થવાનું
અનુપમ કામ કરે છે. મહિલાઓ પગભર થઈને દેશ તેમજ રાજ્યની આર્થિક પ્રગતિમાં ભાગીદાર
બની રહી છે.
શ્રીમતિ જયશ્રી ઝરૂ, જનરલ મેનેજર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ:
“ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ પ્રથમ મહિલાઓને તાલીમ આપી
સક્ષમ બનાવે છે. ત્યારબાદ સ્વઉત્પાદન દ્વારા સ્વાવલંબન માટે બેન્કેબલ લોન પર સબસીડી
દ્વારા આર્થિક આધાર પૂરો પાડે છે, અને ત્યારબાદ વેચાણ સહ પ્રદર્શન સેવાઓ દ્વારા તેમને
સીધા ગ્રાહક સુધી પહોંચાડી પહેલાના આર્થિક વિકાસનું ‘વન સ્ટોપ સેન્ટર’ બન્યું છે.”