— મહિલાઓના પુરૂષાર્થથી ડેરી ઉદ્યોગમાં ગુજરાત નંબર વન બન્યુ, મહિલાઓની કમાણી પતિ કરતા પણ વધુ થઈ રહી છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
— સરકારની વિવિધ યોજનાના લાભથી ગુજરાતની મહિલાઓએ અભૂતપૂર્વ વિકાસ કર્યો હોવાનું જણાવતા મંત્રીશ્રી
— ચંદ્રયાન-૩ અને કોરોના વેક્સિનના દ્રષ્ટાંત સાથે મંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતની વિકાસ યાત્રા સમજાવી
— સમગ્ર વહીવટી તંત્ર, લોક સેવકો અને ચૂંટાયેલી પાંખ સાથે રહી કામ કરે તો સરકારની યોજનાનો લાભ જન જન સુધી પહોંચી શકે છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
— આગામી રક્ષાબંધન પૂર્વે સ્ટોલધારક મહિલાઓએ મંત્રીશ્રીને રાખડી બાંધી આનંદ અનુભવ્યો
— વિવિધ ૬૩ સ્ટોલ પર રાખડી અને હસ્તકલાની પ્રોડકટને તા. ૨ સપ્ટે. સુધી નિહાળી અને ખરીદી શકાશે
વલસાડ તા. ૨૭ ઓગસ્ટ
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સૌ પ્રથમ વખત વલસાડના રેલવે જીમખાના મેદાન પર તા. ૨૭ ઓગસ્ટથી તા. ૨ સપ્ટેમ્બર સુધી રાખી અને હસ્તકળા મેળાનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ રવિવારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહિલા સશક્તિકરણ અંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેમનો ઉદેશ્ય હતો કે, મહિલા અને બાળકોનો વિકાસ થાય, તે માટે તેમણે મહિલા અને બાળ વિકાસ ખાતુ શરૂ કર્યુ હતું. મહિલાઓના આર્થિક વિકાસ માટે સખી મંડળો ઉભા કરી આર્થિક ભંડોળ આપ્યા બાદ મહિલાઓ આત્મનિર્ભર બની છે. અનેકવિધ યોજનામાં સબસિડી આપવામાં આવતા ગુજરાતની મહિલાઓએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. આજે ગુજરાત ડેરી ઉદ્યોગમાં નંબર વન છે. આપણુ દૂધ દિલ્હી સુધી જાય છે. ડેરી ઉદ્યોગમાં બહેનો આજે જે કમાણી કરે છે તેના આંકડા જોઈએ તો તેઓ પોતાના પતિ કરતા પણ વધારે કમાઈ છે. જે માટે નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈનો ખાસ આભાર માનીએ છે. રાજ્ય અને કેન્દ્ર બંને સરકાર બહેનોના વિકાસ માટે સતત કામ કરી રહી છે.
દેશની આત્મનિર્ભરતાના બે દ્રષ્ટાંત આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતના વિકાસમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ ખૂબ જ મહત્વનું છે. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન આત્મનિર્ભર ભારતના દર્શન થયા, આપણા દેશમાં રસી બનાવી અને દેશને કોરોના મુક્ત કરવામાં સફળતા મળી. આત્મનિર્ભર ભારતનું બીજુ ઉદાહરણ ચંદ્રયાન-૩ છે. ચંદ્રયાનની રચના અને સંચાલનમાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેઓને વડાપ્રધાનશ્રી રૂબરુ મળ્યા અને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર બનતા પરિવાર પણ આત્મનિર્ભર બની રહ્યો છે અને તેના થકી સમાજ, રાજ્ય અને આખો દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. આજે અહીં જે મેળાનું આયોજન થયુ છે તેમાં મહિલાઓને સ્ટોલ નિઃશૂલ્ક ફાળવાયા છે. અહીં જે પ્રોડક્ટ વેચવામાં આવે છે તે મહિલાઓ જાતે બનાવે છે. તેઓને પોતાની પ્રોડક્ટનો સારો ભાવ મળશે. ભવિષ્યમાં પણ મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ હેઠળ કાર્યક્રમો થઈ રહ્યા છે. ગુજરાત સરકારે મહિલાઓના ઉત્થાન માટે વિસ્તૃત બજેટ ફાળવ્યું છે.
સમગ્ર વહીવટી તંત્ર, લોક સેવકો અને ચૂંટાયેલી પાંખ સાથે રહીને કામ કરે તો ચોક્કસ સરકારની યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચી શકે છે. વલસાડમાં આ મેળાનું આયોજન બદલ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ના મેનેજિંગ ડિરેકટર ડો. હસરત જાસ્મીન અને રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલાને અભિનંદન પાઠવુ છું.
વલસાડ અને ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલે જણાવ્યું કે, એક ડગલુ આત્મનિર્ભરતા તરફ અને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવા માટે વલસાડ જિલ્લામાં પ્રથમવાર આ મેળાનું આયોજન કરાયુ છે. જેના થકી આદિવાસી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બનશે.
રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલાએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે કે, સંઘર્ષરત નાનામાં નાનો માણસ આત્મનિર્ભર બને અને તેઓને આર્થિક રીતે પગભર થવા માટે પ્લેટફોર્મ મળે. જે માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રયત્નશીલ છે. અલગ અલગ તહેવારો નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવા મેળાનું આયોજન થાય છે. જેના થકી મહિલાઓને તો આવક મળે જ છે સાથે સાથે આ મેળા થકી અન્ય અનેક લોકોને પણ રોજગારી મળે છે.
આ પ્રસંગે વલસાડ સિનિયર રેલવે ઈન્સ્ટીટ્યુટ અને વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ તમામ ૬૩ સ્ટોલની વિઝિટ લઈ સ્ટોલધારક મહિલાઓ સાથે તેઓના વિકાસની વાતો પણ કરી હતી. સાથે સ્ટોલધારક મહિલાઓએ મંત્રીશ્રીને રાખડી બાંધી આનંદ અનુભવ્યો હતો.
આ શુભારંભ કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોર, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશ પટેલ અને મહેન્દ્ર ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાાની સહિત અધિકારીઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
સ્વાગત પ્રવચન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના મેનેજર વી.એસ.શાહે કર્યુ હતુ. જ્યારે આભારવિધિ નિગમના મેનેજિંગ ડિરેકટર ડો. હસરત જાસ્મીને કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશભાઈ સોનીએ કર્યુ હતું.