નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ, અમદાવાદ દ્વારા આયોજિત પદયાત્રાને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફ્લેગ ઓફ કરશે
માર્ચ મહિનો ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ રહ્યો છે. 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી માટે પદયાત્રા શરૂ કરી અને તેઓ 5 એપ્રિલે દાંડી પહોંચ્યા હતા, જ્યાં મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કરીને અંગ્રેજી શાસનને ભારતમાંથી સમૂળગો જાકારો આપવા આહ્વાન કર્યુ હતું. મીઠાના કાળા કાયદાનો વિરોધ કરીને અંગ્રેજી શાસનમાં લૂણો લગાડવાની સાથે જ તેમણે ભારતની આઝાદીનો જાણે પાયો નાખી દીધો હતો. દેશની આઝાદીની લડાઈની આ ઐતિહાસિક ઘટના વિશે લોકો જાણે અને ગાંધીજીની સિદ્ધાંતોનો પરિચય મેળવે એ હેતુથી નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ, અમદાવાદે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી તા. 2 એપ્રિલ, 2022ના શનિવારે એક પદયાત્રાનું આયોજન કર્યુ છે. પ્રિન્સિપાલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-2), ગુજરાતના કાર્યાલયને આ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પદયાત્રાનો લીલીઝંડી બતાવીને આરંભ કરાવશે. અમદાવાદમાં આ પદયાત્રા કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી યોજાશે
.
ઉલ્લેખનીય છે કે કોચરબ આશ્રમ, ગાંધીજી દ્વારા 1915માં અમદાવાદના પાલડી ગામમાં સ્થાપિત પ્રથમ આશ્રમ હતો. 1917માં પ્લેગ ફેલ જવાના કારણે ગાંધીજી સાબરમતી આશ્રમ ચાલ્યા ગયા હતા. અમદાવાદમાં 2 એપ્રિલ, 2022ના રોજ યોજનાર આ પદયાત્રાનો ઉદ્દેશ રાજભાષા હિન્દી તથા સ્વતંત્રતાના 75મા વર્ષમાં ગાંધીજીના સિદ્ધાંતો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. અમદાવાદમાં સ્થિત ભારત સરકારના તમામ કાર્યાલયોને આ પદયાત્રામાં સામેલ થવા માટે આમંત્રિત કરાયા છે. 600થી વધુ કર્મચારીઓ આ પદયાત્રામાં સામેલ થાય એવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે 12 માર્ચ, 1930ના રોજ ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી માટે પદયાત્રા શરૂ કરી અને 5 એપ્રિલના રોજ તેઓ દાંડી પહોંચ્યા હતા. 6 એપ્રિલે તેમણે દાંડીમાં નીમક બનાવીને નીમકનો કાળો કાયદો તોડ્યો અને અહિંસાના સિદ્ધાંત પર તેમણે સવિનય કાનૂન ભંગનો પ્રારંભ કર્યો હતો. તેમની આ દાંડીયાત્રા દરમિયાન ગાંધીજી 2 એપ્રિલ, 1930ના રોજ માર્ગમાં ડીંડોલી ગામમાં રોકાયા હતા અને વાંઝ ગામમાં રાતવાસો કર્યો હતો. આ જ દિવસને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 2 એપ્રિલે કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.