સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩
:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::
=વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ચાલી રહેલા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામને સફળ બનાવવા ગુજરાત સંપૂર્ણ સજ્જ
=ગુજરાત ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં પણ અગ્રેસર છે
ગુજરાત પાસે સેમિકન્ડક્ટર હબ બનવાની ઈકો સિસ્ટમની સંપૂર્ણ સંભાવનાઓ છે: માર્ક પેપરમાસ્ટર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત અમેરિકન સેમિકન્ડક્ટર કંપની એડવાન્સડ માઈક્રો ડીવાઈસ AMDના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ અને CTO શ્રીયુત માર્ક પેપરમાસ્ટરે ગાંધીનગરમાં લીધી હતી. ગાંધીનગરમાં તા. ૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન યોજાઈ રહેલી ત્રિદિવસીય સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩માં સહભાગી થવા AMDના શ્રી માર્ક પેપરમાસ્ટર તેમના ડેલિગેશન સાથે ગુજરાત આવેલા છે. સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩નો શુક્રવારે સવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યા બાદ દિવસભર આ કોન્ફરન્સમાં જોડાયેલા AMDના એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ડેલિગેશને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મોડી સાંજે મુલાકાત યોજી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહેલા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામને સફળ બનાવવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે તેની ભૂમિકા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાત બેઠકમાં આપી હતી. આ સંદર્ભમાં તેમણે ગૌરવ સાથે એમ પણ જણાવ્યું કે, પોતાની ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે. આ પોલિસી અંતર્ગત અપાતા પ્રોત્સાહનો-ઈન્સેન્ટીવ્ઝની વિગતો પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.
AMDના એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી માર્ક પેપરમાસ્ટરે ગુજરાતની આ સેમિકન્ડક્ટર પોલિસીની સરાહના કરતાં કહ્યું કે, સેમિકન્ડક્ટર હબ બનવાની સમગ્ર ઈકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી રહી છે તે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્લોબલ પ્લેયર માટે રોકાણ આકર્ષણનું કેન્દ્ર બનશે.આ પોલિસિઝ ઉપરાંત ગુજરાતમાં જે સુદૃઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો લાભ અને સેમિકન્ડક્ટરને લગતા અન્ય આનુષંગિક ઉદ્યોગો માટે આત્મનિર્ભર સ્કીમ ફોર આસીસ્ટન્સ ટુ ઈન્ડસ્ટ્રીનો લાભ પણ મળી શકે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. એટલું જ નહિ, ગુજરાત ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં પણ અગ્રેસર છે તેમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના સહયોગ અને સરળ નીતિઓને પરિણામે ગુજરાતમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભવિષ્યમાં મોટા રોકાણો આવશે તેવો તેમને વિશ્વાસ છે
.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, એડવાન્સડ માઈક્રો ડિવાઈસ અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયા જેવા વિવિધ ખંડમાં બ્રાન્ચ ધરાવે છે. ૧૯૬૯માં સ્થપાયેલી આ કંપની માઈક્રોપ્રોસેસર, ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ અને સર્વરનું ઉત્પાદન કરે છે. સમગ્ર વિશ્વમાં ૨૫ હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી આ કંપની ભારતમાં બેંગ્લોર, ગુડગાંવ, હૈદરાબાદ અને મુંબઈ તથા દિલ્હીમાં પોતાની બ્રાન્ચીસ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાત દરમિયાન તેમણે આવનારા સમયમાં ગુજરાતમાં રોકાણો અંગે AMD પોઝીટીવ વિચારણા કરશે તેવો મત દર્શાવ્યો હતો. આ બેઠકમાં AMDના કન્ટ્રી હેડ અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જયા જગદીશ, અજય કૌલ અને ડાયરેક્ટર ઓફ ગવર્નમેન્ટ અફેર્સ શ્રી અરવિંદ ચન્દ્રશેખર જોડાયા હતા. આ સૌજન્ય મુલાકાત વેળાએ મુખ્યસચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નેહરા જોડાયા હતા.