Breaking News

Default Placeholder

એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ, આરોગ્ય તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સહિતના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો માટે MoU થયાં
…………..
વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે અત્યાર સુધીમાં રૂ. ૨.૯૧ લાખ કરોડના સંભવિત રોકાણો માટે ૧૪૭ MoU થયા
…………..
નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ

…………..

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ ૪૭ MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે MoU કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે ૭.૫૯ લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે.

રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે, તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમ.ઓ.યુ. હસ્તાક્ષરની ૧૪ શ્રૃંખલાઓમાં ૧૦૦ MoU સાથે રૂ. ૧.૩૫ લાખ કરોડના સંભવિત રોકાણો થયા છે. તે ઉપરાંત આજે એમ.ઓ.યુ. હસ્તાક્ષરની ૧૫મી શ્રૃંખલામાં ૪૭ MoU સાથે રૂ. ૧.૫૬ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ થયા છે. એટલે કે આજ દિન સુધી ૧૪૭ MoU સાથે રૂ. ૨.૯૧ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે.

આજે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત મુખ્ય ક્ષેત્રો પૈકી એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂ. ૫૦,૪૫૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૯૭૧૦ રોજગારનું સર્જન થશે. ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ ક્ષેત્રમાં રૂ. ૨,૯૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૧.૫૨ લાખ રોજગારનું સર્જન, ફાયનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રમાં રૂ. ૫૦,૫૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૫.૫૦ લાખ રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂ. ૯,૬૪૫ કરોડના અંદાજિત રોકાણ સાથે ૨૮૯૫ રોજગારનું સર્જન, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં રૂ. ૨૨,૮૨૪ કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે ૪૧,૪૩૦ રોજગારનું સર્જન, હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રમાં રૂ. ૧૧,૦૨૨ કરોડથી વધુના રોકાણ સાથે ૬,૨૦૦ રોજગારનું સર્જન તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ. ૮૦૦ કરોડના અંદાજિત રોકાણ સાથે ૮૦૦ રોજગારનું સર્જન થશે.

નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ ૨૦૨૩ થી ૨૦૨૮ વચ્ચે કાર્યરત કરશે. કચ્છ, ભરૂચ, ખેડા, અમદાવાદ, મહેસાણા, અમરેલી, વડોદરા, સુરત, પંચમહાલ, સાણંદ, ગાંધીનગર, ડાંગ, નવસારી અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થશે.

એમ.ઓ.યુ. હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર સહિત વરિષ્ઠ સચિવો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
…………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: