Breaking News

શ્રી નરેન્દ્રભાઈના વિઝનથી ૨૦૦૫થી શરૂ કરવામાં આવેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તથા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની પ્રોત્સાહક ઉપસ્થિતિ


રાજ્યભરના ૨૪૬ તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩’નો શુભારંભ


રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવાનો મહોત્સવનો હેતુ


રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા


      -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

◆ કૃષિ ક્ષેત્રે પછાત ગણાતા ગુજરાતે આજે આ ક્ષેત્રમાં ડબલ ડિજિટ ગ્રોથ હાંસલ કર્યો છે
◆ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં બીજથી બજાર સુધી યોગ્ય આયોજનો, યોજનાઓ અને પહેલોને પરિણામે ખેડૂત આધુનિક અને સ્માર્ટ ખેતી અપનાવતો થયો છે
◆ ૧૫ જેટલા કૃષિ મહોત્સવોમાં ૨ કરોડ જેટલા ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું છે
◆ ડ્રોનનો ઉપયોગ ખેતી માટે થશે એવું પહેલાં કોઈએ વિચાર્યું નહોતું, આજે નેનો લિક્વિડ યુરિયાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ દેશભરમાં શરૂ થયો છે

      -: કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ:-

◆ શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને પ્રયાસોને પરિણામે ગુજરાત આજે કૃષિ વિકાસમાં અગ્રેસર છે

◆ ખેડૂતોને સસ્તા દરે વીજળી મળી રહે એ માટે સરકારે છેલ્લાં દસ વર્ષથી વીજળી દરોમાં કોઈ વધારો કર્યો નથી

◆ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫થી પ્રારંભ કરાવેલ કૃષિ મેળા-મહોત્સવ યોજવાની પરંપરા ગુજરાત સરકારે આગળ ધપાવી છે

    -:કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ:-

◆ શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને પ્રયાસોથી ખેડૂતો અદ્યતન ખેતી તરફ વળ્યા અને આત્મનિર્ભર બન્યા છે
◆ સરકારના સકારાત્મક અને પ્રોત્સાહક પ્રયાસોને કારણે કૃષિ ક્ષેત્રને બહુ મોટું બળ મળ્યું છે


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩’નો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જિલ્લાના તમામ ૯ તાલુકાઓ સહિત રાજ્યભરના ૨૪૬ તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩’ ઊજવાયો. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તથા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩’ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, એક સમય એવો પણ હતો કે રાજ્યમાં ખેતી ‘કનિષ્ઠ’ બની હતી. ખેડૂતો ખેતી છોડી રહ્યા હતા. આવા કપરાં સમયે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવો અને કૃષિ મેળાઓ યોજવાની શરૂઆત કરી હતી. ‘લેબ ટુ લેન્ડ’ના અભિગમ સાથે કૃષિ સંશોધનોને ખરા અર્થમાં જમીન પર લાવવા અને તેનો મહત્તમ લાભ ખેડૂતોને પહોંચાડવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૦૫થી શરૂ કરવામાં આવેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે. ૧૫ જેટલા કૃષિ મહોત્સવોમાં ૨ કરોડ જેટલાં ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું છે અને કૃષિ ક્ષેત્રે પછાત ગણાતું ગુજરાત ડબલ ડિજિટ ગ્રોથ મેળવવામાં સફળ થયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ દેશ અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રના વિકાસ અંગે વધુમાં વાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવા અને સુશાસનના મંત્ર સાથે ગરીબ, પીડિત,વંચિત અને ખેડૂતોના હિતની અને વિકાસની ચિંતા કરી. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને સમયને અનુરૂપ આધુનિક ખેતી તરફ વાળવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. દેશના કૃષિ મંત્રાલયનું નામ બદલીને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ખેતીમાં આધુનિકતા અને ટેકનોલોજીના ઉપયોગ અંગેના પ્રયત્નો અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં બીજથી બજાર સુધી યોગ્ય આયોજનો, યોજનાઓ અને પહેલો દ્વારા ખેડૂત આધુનિક અને સ્માર્ટ ખેતી અપનાવતો થાય, તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવ્યા. ડ્રોનનો ઉપયોગ ખેતી માટે થશે એવું પહેલા કોઈએ વિચાર્યું નહોતું. આજે નેનો લિક્વિડ યુરિયાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ દેશભરમાં શરૂ થયો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ અને રાજ્યમાં કૃષિ વિકાસ અંગેની વિવિધ યોજનાઓ અને ઉપક્રમો અંગે વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત નાના-સીમાંત ખેડૂતોને વાર્ષિક ₹6,000ની સહાય આપવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા, વ્યાજમુક્ત લોન સહાય, પોષણક્ષમ ટેકાના ભાવ, આફતના સમયે યોગ્ય રાહત પેકેજ સહિતના અનેકવિધ ખેડૂત હિતકારી નિર્ણયોના પગલે આજે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ બદલાઈ છે અને ખેડૂતો આજે ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યા છે. ટપક સિંચાઈની સુવિધાને લીધે આજે ખેડૂતો એકથી વધુ પાક લેતા થયા છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે અનેકવિધ કૃષિ વિકાસ આધારિત ઉપક્રમોના લીધે દેશમાં મગફળી અને દીવેલાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ નંબરે છે જ્યારે તલ અને કપાસના ઉત્પાદનમાં રાજ્ય દેશભરમાં બીજા નંબરે છે. ચીકૂ, પપૈયા, ભીંડા, દાડમ, અજમો, જીરુ જેવા પાકોના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, જ્યારે દાડમ જેવા બાગાયતી પાકોમાં બીજા નંબરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અને ફાયદાઓ વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલાઇમેટ ચેન્જની ગંભીર સમસ્યાઓના સમાધાનના ભાગરૂપે ‘મિશન લાઇફ’ અને ‘બેક ટુ બેઝિક’ના મંત્ર સાથે તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને કુદરત તરફ પાછા વળવા આહવાન કર્યું છે. પ્રાકૃતિક કૃષિ આ અંગેનો સૌથી મહત્ત્વપૂર્ણ અભિગમ છે. આજે રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગના લીધે જમીન, પાણી અને આરોગ્ય સામે મોટું જોખમ ઊભુ થયું છે. આ તમામ સમસ્યાઓનું એકમાત્ર સચોટ સમાધાન ‘ગાય આધારિત ખેતી’ છે. આપણું સૌભાગ્ય છે કે આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી પણ પ્રાકૃતિક કૃષિના તજજ્ઞ છે. તેમણે આ મુહિમને વેગવંતી બનાવી છે, રાજ્યમાં ૧૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી ચૂક્યા છે તથા ૮.૫ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ આંતરાષ્ટ્રીય મિલેટ યર નિમિત્તે વધુને વધુ ખેડૂતોને પોષકતત્ત્વોયુક્ત જાડા ધાન્યોના વાવેતર અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, મિલેટ યર નિમિત્તે મીલેટ્સ પ્રત્યે જાગૃતિ વધી છે. રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ૪.૨૫ લાખ હેકટર વિસ્તારમાં બાજરાનું વાવેતર થયું છે તથા માર્કેટમાં બાજરો, રાગી, કાંગ, જુવાર જેવા બરછટ ધન્યોની માંગ વધી છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

‘રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩’ના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ ૨૦૦૫થી પ્રારંભ કરાવેલ કૃષિ મહોત્સવ અને કૃષિ મેળાઓ યોજવાની પરંપરા ગુજરાત સરકારે આગળ ધપાવી છે. શ્રી નરેન્દ્રભાઈના વિઝનથી કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને ખેડૂતોના ઉત્કર્ષ માટે જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, તેના પરિણામે ગુજરાત આજે કૃષિ વિકાસમાં અગ્રેસર છે, એવું તેમણે ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ખેતી, બાગાયત અને પશુપાલનના વિકાસ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. ફાર્મ મિકેનિઝમ વધે, યાંત્રિક સાધનોનો વપરાશ વધે એ માટે રાજ્ય સરકારે બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. બાગાયતી પાકમાં સરકારના પ્રયાસોથી નવાં આયામો ઉમેરાયાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુ વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કૃષિ ઉત્પાદન વધારવાના પ્રયાસોની સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવો જાહેર કરીને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા તથા આવક બમણી કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને સસ્તા દરે વીજળી મળી રહે એ માટે સરકારે છેલ્લાં દસ વર્ષથી વીજળી દરોમાં કોઈ વધારો કર્યો નથી, એવું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કૃષિમંત્રીશ્રીએ રાજ્યના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમજ મિલેટ્સનું વાવેતર વધારવા માટે અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ

આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના સંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કૃષિ મેળાનો પ્રારંભ કરેલો ત્યારે હરિતક્રાંતિના પ્રણેતા ડૉ. સ્વામીનાથને કહેલું કે ગુજરાતના મુખ્યમંત્રી જે કરી રહ્યા છે, તે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરવું જોઈએ. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, તેમાં દરેક ક્ષેત્રની સાથોસાથ કૃષિ ક્ષેત્રની પ્રગતિનો પણ ફાળો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત સ્થાપના પછીના 40 વર્ષ સુધી કૃષિ વૃદ્ધિ દર ન્યૂનતમ હતો, વારંવાર દુષ્કાળ પડતા હતા. ખેડૂતો હતાશ હતા, પરંતુ શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધુરા સંભાળ્યા પછી તમામ ક્ષેત્રોની સાથોસાથ કૃષિ ક્ષેત્રે પણ ગુજરાતે વિકાસ સાધીને દીર્ઘદૃષ્ટા નેતૃત્વનું આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એક સમયે લોકો ખેતી છોડી રહ્યા હતા ત્યારે શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને પ્રયાસોથી ખેડૂતો અદ્યતન ખેતી તરફ વળ્યા, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે કૃષિ મેળાઓ અને કૃષિ મહોત્સવને પરિણામે અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પણ અદ્યતન કૃષિ પદ્ધતિઓ પહોંચી છે. આજે લોકો આધુનિક સાધનો સાથે ખેતી કરતા થયા છે અને આત્મનિર્ભર બન્યા છે. સરકારના સકારાત્મક અને પ્રોત્સાહક પ્રયાસોને કારણે કૃષિ ક્ષેત્રને બહુ મોટું બળ મળ્યું છે, એવું કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ. કે. રાકેશે આ તકે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ તકે કાર્યક્રમ પહેલાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડ્રોન ટેકનોલોજી નિદર્શન નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમ સ્થળે કૃષિ પ્રદર્શન અને સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂકીને પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સ્ટોલધારકો સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે મિલેટ્સની વાનગીઓના પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું તથા ખેતીવાડી વિભાગની ૩ કચેરીઓનું ઈ – લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૮ ખેડૂતોને આ તકે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર, ૪ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ એનાયત કરાયા હતા તથા ૪ ખેડૂતોને ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓના પેમેન્ટ ઓર્ડર અપાયા હતા.

રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી, ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે વક્તવ્ય યોજાયા હતા તથા ‘ઇન્ટરનેશનલ મિલેટ યર’ને ધ્યાને લઈ ‘શ્રી અન્ન’ (મિલેટ), બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી, સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ જેવા વિષયો સેમીનારમાં આવરી લઈને કાર્યક્રમમાં ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત તથા FPOની કામગીરી કરતા હોય તેવા પ્રગતિશીલ ખેડૂતના વક્તવ્યો પણ યોજાયાં હતાં.

‘રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩’ના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે., ખેતી નિયામક શ્રી, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ/બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો સહભાગી થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post