વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ પી.એમ.સ્વનિધિ યોજના થકી અનેક શેરી ફેરિયાઓ આત્મનિર્ભર બન્યા – ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી વિવિધ સરકારી યોજનાઓના લાભ મળવાપાત્ર લોકોને ઘર બેઠા જ મળી રહેશે
*
ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૪.૧૦ લાખ શેરી ફેરિયાઓને લોન અપાઈ- રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા લક્ષ્યાંક પુર્ણ-
ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં દ્વિતિય સ્થાને -અમદાવાદ નગરપાલિકા ૧.૧૪ લાખ શેરી ફેરીયાઓને લોન આપી રાજ્યમાં પ્રથમ ક્રમે
24-11
*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૪.૧૦ લાખ શેરી ફેરિયાઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય લોન મળી કુલ રૂ.૭૦૩.૭૨/- કરોડ રૂપીયાની લોન આપવામાં આવી છે. રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા લક્ષ્યાંકને પુર્ણ કરાયા છે. અમદાવાદ નગરપાલિકા ૧.૧૪ લાખ શેરી ફેરીયાઓને લોન આપી પ્રથમ ક્રમે રહી છે. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંક ૧૦૦ % પુર્ણ કરી ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં દ્વિતિય સ્થાન ધરાવે છે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા covid-19 થી અસરગ્રસ્ત શેરી ફેરીયાઓ તેમની આજીવિકા માટે તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી શેરી ફેરીયાઓને વર્કીંગ કેપિટલ લોન અપાવવા ‘PM street Vendors Atma Nirbhar Nidhi (PM SVANidhi) યોજના લાગુ કરવામાં આવી છે. પી.એમ.સ્વનિધિ યોજના થકી લોન મેળવી શેરી ફેરિયાઓ તેમના વ્યવસાયમાં વૃધ્ધિ કરી આત્મનિર્ભર બની રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત શેરી ફેરીયાના પરિવાર્જનોને નૂતન વર્ષ નિમિતે શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, સ્નેહમિલન એ પરિવારજનો સાથે ઉજવાય તે આપણી સંસ્કૃતિ રહી છે.
પી.એમ. સ્વનિધિયોજના દ્વારા શેરી ફેરીયાઓને પ્રથમ રૂ.૧૦,૦૦૦/- સુધીની વર્કીંગ કેપીટલ લોન મળવા પાત્ર છે, જે પુર્ણ થયેથી દ્વિતિય લોન રૂ.૨૦,૦૦૦/- અને ત્યારબાદ તૃતિય લોન રૂ.૫૦,૦૦૦/-ની મળવા પાત્ર છે. જેમાં કોઇપણ પ્રકારની સીક્યુરીટી આપવાની રહેતી નથી. સમયસર કે વહેલા લોનની ભરપાઇ પર વાર્ષિક ૭ % વ્યાજ સહાય લાભાર્થીના બેંક ખાતામાં સરકાર દ્વારા DBTમારફતે જમા કરવામાં આવે છે. તેમજ શેરી ફેરીયાઓ દ્વારા કરવામાં આવતા ડીજીટલ ટ્રાન્જેક્શન ઉપર વાર્ષિક મહત્તમ રૂ.૧૨૦૦/- કેશ બેક મળવા પણ પાત્ર છે.
યોજનાઓના લાભાર્થિઓની આત્મનિરભર્તા અને તેમના જીવન સ્તરમાં આવેલ બદલાવ અંગે સંવાદ સાધવા, તેનાથી માહિતગાર થવા પી.એમ.સ્વનિધિ અંતર્ગત ‘સ્વનિધિ સે સમૃધ્ધિ’ કાર્યક્રમ અમલમાં મુકાયો છે. તેના ભાગ અમદાવાદ ખાતે રૂપે ‘પી.એમ.સ્વનિધિ સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૧ ડીસેમ્બર સુધી અમદાવાદ મહાનગરપાલિકામાં ૪, સુરત મહાનગરપાલિકામાં ૪, વડોદરા મહાનગરપાલિકામાં ૨, રાજકોટ મહાનગરપાલિકામાં ૨, ભાવનગર મહાનગરપાલિકામાં ૧, જામનગર મહાનગરપાલિકામાં ૧, જુનાગઢ મહાનગરપાલિકામાં ૧ તથા ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧ એમ કુલ મળી ૧૬ કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાનામાં નાનો માણસ આર્થિક રીતે પગભર બને તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. ફેરિયાઓ અને લારી ગલ્લા ધારકોને બેંકમાંથી લોન લેવી મુશ્કેલ અને બહારથી વ્યાજે પૈસા લેવા પણ અતિ મુશ્કેલ કામ હોય છે ત્યારે તમામ શેરી ફેરિયાઓ માટે પી.એમ.સ્વનિધિ યોજના એક આદર્શ યોજના પુરવાર થઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ભારતની મૂવમેન્ટ હાથ ધરી તેના પગલે આજે શાકભાજી વાળા, લારી ગલ્લા ધારકો અને તમામ નાના વેપારીઓને ત્યાં ડિજિટલ પેમેન્ટ થકી ખરીદી વેપાર થઈ રહ્યા છે. આજે વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ ભારત કરી રહ્યું છે. એટલુ જ નહી આવનારા વર્ષોમાં આપણું ભારત વિકસિત ભારત બને માટે નવા વર્ષે શરુ કરાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભ લોકોને ઘર બેઠા મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે.
પી.એમ. સ્વનિધિ યોજનામાં બેંકોનો પણ સહયોગ હોવાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ બેંકોના પ્રતિનિધિઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત પી.એમ. સ્વનિધિ યોજના થકી પોતાના જીવનમાં આર્થિક ઉન્નતિ પામેલ મહિલાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.