સેમિકોન ઈન્ડિયા-૨૦૨૩
પ્રો-એક્ટિવ પોલિસીઝ-લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારનો સક્રિય સહયોગ વિશ્વભરમાંથી ગુજરાતમાં રોકાણો માટે આવતા ઉદ્યોગોને મળે છે, કોઈ તકલીફ પડતી નથી : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન સહિતના ઉદ્યોગોમાં મોટા રોકાણો આવતાં રોજગારી અને સપ્લાય ચેઈનને વેગ મળશે: જેફરી ચુન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત સિમટેક હોલ્ડીંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીયુત જેફરી ચુને ગાંધીનગરમાં લીધી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટિત થયેલી સેમિકોન ઈન્ડિયા-૨૦૨૩ની ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લેવા શ્રીયુત જેફરી ગાંધીનગર આવેલા છે.
તેમણે આ કોન્ફરન્સમાં જોડાવાનું આમંત્રણ આપવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠક દરમિયાનની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેમિકન્ડક્ટર હવે આધુનિક ઉદ્યોગ જગતની પાયાની જરૂરિયાત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારતે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ દિશામાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે અને ગુજરાતને તેની પ્રથમ શરૂઆતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વાતચીત દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ, લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સક્રિય સહયોગને પરિણામે વિશ્વભરમાંથી ગુજરાતમાં ઉદ્યોગો-રોકાણો આવતા રહ્યાં છે. આવા ઉદ્યોગોને કોઈ તકલીફ પડતી નથી તેવો રાજ્ય સરકારનો અભિગમ રહેલો છે.
સિમટેક હોલ્ડિંગ્સ લિમિટેડે ભારત સરકારની સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રોનિકલ કોમ્પોનન્ટ સેમિકન્ડક્ટર અન્વયે સપ્લાય ચેઈન માટે એપ્લાય કરેલું છે અને આ સંદર્ભમાં ગુજરાત સરકારની IT પોલીસીના ઇન્સેન્ટીવ્ઝ તેમને મળવાપાત્ર છે તે અંગે પણ આ બેઠકમાં પરામર્શ થયો હતો.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ તેમણે પોતાની PCB પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું હતું. સેમિકોન ઈન્ડિયા-૨૦૨૩ની સફળતાને પગલે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી માટેની ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થશે એમ પણ શ્રીયુત જેફરીએ બેઠકમાં જણાવ્યું હતું.
૧૯૮૭માં સ્થપાયેલી સિમટેક હોલ્ડીંગ્સ સેમિકન્ડક્ટર્સ અને કોમ્યુનિકેશન ઉપકરણો માટે વિવિધ પ્રકારના પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ્સ-PCBsનું ઉત્પાદન કરે છે.
માઈક્રોન ટેકનોલોજીના સપ્લાય ચેઈન પાર્ટનર તરીકે કાર્યરત સિમટેકનું હેડ ક્રાર્ટર સાઉથ કોરિયામાં સ્થિત છે.
વિશ્વભરમાં ૩ હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી આ કંપની તાઈવાન, ચીન, જાપાન, સિંગાપોર અને યુ.એસમાં પણ પોતાનો વ્યવસાયિક કારોબાર ધરાવે છે.
એટલું જ નહિ, સેમસંગ, ઈન્ટેલ કોર્પોરેશન, વેસ્ટર્ન ડિજીટલ અને સોની જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ તેના મુખ્ય ગ્રાહકો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, સાયન્સ એન્ડ ટેકનોલૉજીના સચિવ શ્રી વિજય નેહરા પણ જોડાયા હતા.