AMC દ્વારા 24,270 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્ક વિકસાવાશે
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરીજનોને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ આપતું અમ્યુકો
5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આવતા ત્રાગડ ખાતે વૃક્ષારોપણ થકી ઓક્સિજન પાર્કના નિર્માણનો શુભારંભ કરાયો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વૃક્ષારોપણ કરી ‘ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ’ અભિયાનને આગળ વધાર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઓક્સિજન પાર્ક 24,270 ચો. મી જેટલા વિશાળ વિસ્તારમાં આકાર પામવા જઈ રહ્યો છે. જેમાં 75,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. બીજી એક વિશેષતાની વાત કરવામાં આવે તો ‘મિયાવાકી’ પદ્ધતિથી વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું છે.
આજે ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે આ પાર્કમાં 7500 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકાર પામનાર આ ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો મૂકવામાં આવશે. જેમ કે… નયનરમ્ય તળાવ, આકર્ષક લોન, વોકિંગ ટ્રેક, આકર્ષક ગજેબો બનાવવામાં આવશે. આ ઉપરાંત ફિટનેસ માટે ઓપન જીમ્નેશિયમ તથા યોગ પોઇન્ટ પણ બનાવવામાં આવશે. બાળકો માટે રમત-ગમતનાં સાધનો પણ અહીં મૂકવામાં આવશે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ. થેન્નારસન, સર્વે ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.