સરદાર સાહેબના હૃદય સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણતા વરિષ્ઠ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ
એકતાનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાઈ રહેલી દસમી ચિંતન શિબિરના બીજા દિવસે બપોર બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ એ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી, મંત્રીગણ અને મુખ્ય સચિવશ્રી, સચિવશ્રીઓ અહીં આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
મંત્રીગણ, સચિવશ્રીઓ અને અધિકારીશ્રીઓએ સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતા તસ્વીરી પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું તેમજ સરદાર સાહેબના હૃદય સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો અને મા રેવાના દર્શનથી પવિત્રતાની અલૌકિક અનુભૂતિ સૌએ કરી હતી.
આ તકે પ્રતિમાના નિર્માણના તકનિકી પાસાઓ સહિતની જરૂરી વિગતો ટુરિસ્ટ ગાઈડ્સ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
મુલાકાતના અંતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સૌએ મધુર સ્મૃતિ રૂપે સમૂહ તસવીર પણ ખેંચાવી હતી.