આજરોજ શહેરના ડી. કે. પટેલ હોલ, નારણપુરા ખાતે યોજાયેલા “ધરતી રત્ન એવોર્ડ” સમારંભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્મંત્રીશ્રીના વરદ્ હસ્તે કુલ ૧૧ એવોર્ડ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ઉદબોધન કરતા મુખ્મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સતત ૪૫ વર્ષથી શિક્ષણ,આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે લોકસેવા માટે આશીર્વાદ ફાઉન્ડેશનનું મહત્વનું યોગદાન રહ્યું છે. આપબળે સેવાકાર્યો કરવાનું કે સમાજના કોઈ ચોક્કસ વર્ગને મદદરૂપ થવાનું કાર્ય ખરેખર પડકારરૂપ હોય છે, આવા કાર્યો માટે અંગત જીવનમાં ઘણા ત્યાગ અને બલિદાન આપવા પડે છે. આજે જેઓનું સન્માન થઈ રહ્યું છે તેવા સૌ એવોર્ડ વિજેતાઓએ આવા તમામ પડકારોનો સામનો કરીને લોકસેવા અને સમાજસેવાની જ્યોત અવિરત પ્રજ્વલિત રાખી છે. આવા સજ્જનો ખરેખર સેવા, સમર્પણ અને ત્યાગના પ્રતીક છે. નિ:સ્વાર્થભાવે જરૂરિયાતમંદોની સેવા કરનારા આવા લોકો ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે. આવા મહાનુભાવોના સેવાપ્રસંગોમાંથી સેવાભાવનાની ચાહના રાખતા અન્ય લોકોને પ્રેરણા મળે છે અને આ જ રીતે સમાજ ઉત્કર્ષનું આ ભગીરથ કાર્ય અવિરતપણે ચાલતું રહે છે.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે જ્યારે “એક ભારત , શ્રેષ્ઠ ભારત”નું સ્વપ્ન સાકાર કરવા સમગ્ર દેશ એકસાથે આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ લોકહિત અને જનલાભાર્થે અનેકવિધ મદદલક્ષી યોજનાઓથી જરૂરિયાતમંદોની સેવા કરી રહી છે. કોવીડ મહામારીમાં પણ સરકાર અને ઘણા ટ્રસ્ટ તેમજ NGO એ સાથે મળીને “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ”- સૂત્રને સાર્થક કર્યું છે જે આપણી અતૂટ સેવાભાવના અને જનસેવાવૃત્તિની સાબિતી છે.
આ પ્રસંગે ઉદબોધન કરતા શ્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે, આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સસ્તી આરોગ્ય સુવિધાઓથી લઈને કેળવણી તેમજ સમાજ વિષયક ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સ્વેચ્છાએ સામાજિક સેવાકાર્યો કરનારા આવા સંસ્થાનો અને જેમનું આજે સન્માન થઈ રહ્યું છે એવા આ મહાનુભાવો ખરેખર માણસાઈના હરતા ફરતા જીવંત પ્રતીકો સમાન છે. તેમના સત્કર્મો ભલે ઝાકળના બિંદુ જેટલા નાના હોય, પણ તેમના સત્કાર્યોની સુવાસ સમાજમાં બહુ લાંબે સુધી પ્રસરેલી હોય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે રાજ્ય સરકાર પણ જનતાની સેવા માટે અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રયત્નશીલ છે, જેનું સૌથી મોટું ઉદાહરણ આયુષ્માન યોજના છે. આ યોજના હેઠળ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માટે ₹ ૫ લાખ સુધીનું આરોગ્ય કવર મળે છે. આવી અનેક યોજનાઓ થકી સરકાર લોકહિત અને જાહેરસેવાના કાર્યો માટે પૂર્ણરૂપે કટિબદ્ધ છે.
“ધરતી રત્ન એવોર્ડ” રાજ્યભરમાંથી સમાજસેવા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા લોકોને એનાયત કરવામાં આવે છે. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, કેળવણી અને કોમ્યુનિટી વિષયક સેવાઓ આપવામાં આવે છે જેમાં સસ્તા ભાવે દવાઓ અને આરોગ્ય સેવાઓ, મેડિકલ મોબાઈલ વાન, સ્તન કેન્સર નિદાન અને જાગૃતિ અભિયાન, કારકિર્દી માર્ગદર્શન, રીડિંગ લાઇબ્રેરી જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
આજના પ્રસંગે રાજ્યભરમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલા અને અલગ અલગ ક્ષેત્રે નિસ્વાર્થ ભાવે સેવા આપનારા કુલ ૧૧ સેવાભાવી લોકોને ₹ ૧૧ હજાર નો કેશ એવોર્ડ અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી નરહરિ અમીન, પૂર્વ મહેસૂલમંત્રી શ્રી કૌશિક પટેલ, ધારાસભ્યશ્રી અરવિંદ પટેલ, ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી એસ.એમ.સોની, જાણીતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી, આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર.એસ.પટેલ, પી. એસ.પી પ્રોજેક્ટ્સ લિમિટેડના શ્રી પી. એસ. પટેલ, આશીર્વાદ ફાઉન્ડેશનના સભ્યો, ટ્રસ્ટીમંડળ, સાહિત્યકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.