CM and Governor attends Acharya Tulsi Samman program of Acharya Tulsi
Mahapragya Vichar Manch at Ahmedabad
આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા આયોજિત આચાર્ય તુલસી સન્માન સમારોહમાં રાજ્યપાલ
શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સકારાત્મક અને રચનાત્મક પત્રકારત્વ તથા
માનવ મૂલ્યોની ગરિમાની પ્રતિષ્ઠા માટેના પ્રયત્નો બદલ મીડિયાકર્મીઓ શ્રી દીક્ષિત સોની (વર્ષ 2021 માટે) અને શ્રી
મનીષ બરડિયા (વર્ષ 2022 માટે)ને આચાર્ય તુલસી સન્માન અર્પણ કરાયું હતું.

આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા આયોજિત આ સન્માન
સમારોહમાં રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ નારાયણ સિંહ અને વરિષ્ઠ પત્રકાર શ્રી વિશ્વનાથ સચદેવ પણ
ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે બોલતાં કહ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીએ જીવન દર્શન માટે
પ્રબોધેલા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સાર્વભૌમ છે. વિશ્વના કોઈપણ દેશમાં, કોઈપણ ધર્મમાં, કોઈ
પણ જાતિને, કોઈપણ સમયે આ શબ્દો એક સરખી રીતે સ્વીકૃત છે.
આ ઉપદેશ ને જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ગણાવતાં તેમણે કહ્યું કે, આ મહાવ્રતો પૂર્ણ સત્ય અને સિદ્ધાંત છે. માનવ
જીવનમાં જે ટકી જાય એ ધર્મ અને ન ટકી શકે તે અધર્મ. આ સિદ્ધાંતોને પૂર્ણ રૂપે અપનાવીએ તો ધરતી પર સ્વર્ગ થઈ
જાય. આચાર્ય તુલસી, આચાર્ય મહાપ્રજ્ઞ અને આચાર્ય મહાશ્રમણજી જેવા સંતોનું સાંન્નિધ્ય એ પ્રત્યેક મનુષ્ય માટે
સૌભાગ્યની વાત છે.

‘આચાર્ય તુલસી સન્માન’ મેળવનાર શ્રી દીક્ષિત સોની અને શ્રી મનીષ બરડિયાને અભિનંદન આપતાં રાજ્યપાલ શ્રી
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સકારાત્મક વિચારસરણી અને માનવ કલ્યાણ માટેના તેમના પ્રયત્નો પ્રશંસનીય છે. તેમની
કલમનું રાષ્ટ્રની ઉન્નતિ અને માનવતાના કલ્યાણ માટે હંમેશા પ્રદાન રહે એવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણો ભારત દેશ સદીઓથી ધર્મ, આધ્યાત્મ અને સંત-ઋષિ પરંપરાની
વિરાસત ધરાવતો દેશ છે ત્યારે વડાપ્રધાન શ્રીએ આ વિરાસતનું ગૌરવ કરવાનું આહવાન કર્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, જૈન ધર્મએ પણ વિશ્વને જીવદયા, અહિંસા પરમો ધર્મ, સેવાભાવના ઉત્તમ સિદ્ધાંતો આપ્યા છે.
જૈન ધર્મ જીવવા સાથે અન્યોને જીવાડવાનો પણ બોધ આપે છે.
જૈન ધર્મના અહિંસા, કરુણા, દયાના સિદ્ધાંતો આજે સદીઓ પછી પણ એટલા જ રિલેવન્ટ રહ્યા છે.
આમ, સદીઓથી જૈન ધર્મ અહિંસા, કરુણા અને જીવદયાનો સંદેશ ફેલાવતો રહ્યો છે.

આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચારમંચની પ્રશંસા કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હીરા, મોતીથી ન ભાંગી શકે તેવી આત્માની
ભૂખને આ સંતો તેમના શીતળ સાન્નિધ્યથી ભાંગે છે, એવા જ એક પરમ પૂજ્ય સંત શ્રી આચાર્ય તુલસીના નામ અને
સિદ્ધાંતોથી સંચાલિત ‘આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચારમંચ‘ ઉત્તમ કામગીરી કરી રહ્યું છે તે સરાહનીય છે.
અમદાવાદના શાહીબાગમાં આચાર્ય મહાશ્રમણ પ્રવચન સ્થળ ખાતે આયોજિત આ સમારોહમાં બોલતાં આચાર્યશ્રી
મહાશ્રમણજીએ કહ્યું હતું કે, ધર્મ અને શાસ્ત્રોએ મનુષ્યને દુર્લભ બનાવ્યો છે. એ આત્માથી પરમાત્મા પણ બની શકે છે
અને અધોગતિ તરફ પણ ધકેલાઈ શકે છે. ભારતીયોનું એ સૌભાગ્ય છે કે સંત સંપદાથી ધર્મપાલન થકી તે આધ્યાત્મિક
ઉન્નતિ હાંસલ કરી શકે છે. આધ્યાત્મિકતાથી જ સહજ, આંતરિક અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. બહારના સાધનો
સુવિધા આપી શકે, આધ્યાત્મિકતા જ શાશ્વત સુખનો ઉપાય છે.

આચાર્ય શ્રી મહાશ્રમણજીએ સન્માન મેળવનાર બંને મીડિયાકર્મીઓને અભિનંદન આપતાં કહ્યું હતું કે, પ્રમાણિકતા,
નૈતિકતા, નિષ્પક્ષતા, નિર્ભયતાથી પત્રકારત્વમાં સફળતા મળે છે. ગુજરાત રાજ્ય વિકાસ કરે સાથો સાથ આધ્યાત્મિક
વિકાસ પણ કરે એવા આશીર્વાદ આપતાં આચાર્ય શ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે ધાર્મિકતાથી આંતરિક શાંતિ જળવાય,
રાજ્યમાં નૈતિકતાની સ્થાપના કાયમ રહે અને અહિંસા સંસ્થાપિત રહે.
આ પ્રસંગે રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજીએ ‘આચાર્ય તુલસી સન્માન’થી સન્માનિત કરવામાં આવેલા શ્રી
મનિષ બરડિયા અને શ્રી દીક્ષિત સોની અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આ પ્રકારના પુરસ્કારો દરેક વ્યક્તિનું
મનોબળ વધારતા હોય છે. એટલુ જ નહીં આજે દેશ આવા અનેક નૈતિક કાર્યક્રમમો થકી આગળ પણ વધી રહ્યો છે.
જ્યારે નવનીતના સંપાદક શ્રી વિશ્વનાથ સચદેવએ કહ્યું કે, આજનો અવસર આપણે પત્રકારોને સન્માનિત કરીને ઉજવીએ
છીએ. જેમણે આચાર્યશ્રીના સંદેશને પત્રકારિતા જેવા માધ્યમથી સમાજમાં વ્યાપક સ્તરે પહોંચાડનો પ્રયાસ કર્યો છે. આજે
આ ૧૫મો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચના અધ્યક્ષ શ્રી રાજકુમાર પુગલિયાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ અવસરે અસારવાના ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલા, શાહીબાગ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, મુનિશ્રીઓ, સાધ્વીશ્રીઓ
તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.