કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી કૌશલ કિશોર અને દેશ-દુનિયાના ૫૪ શહેરોનાં મેયર્સની સહભાગિતા
વિશ્વનાં શહેરોનાં મોડર્ન ડેવલપમેન્ટ-ફ્યુચર ચેલેન્જીસનાં સોલ્યુશન માટે U20 સક્ષમ પ્લેટફોર્મ બનશે
વધતા જતા અર્બનાઈઝેશનને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ સાથે ક્લાયમેન્ટ ચેન્જ-પબ્લિક સર્વિસ ડિસ્ટ્રીબ્યુશનની સમસ્યા તથા ટ્રાફિક રીલેટેડ પ્રોબ્લેમનાં સમાધાન અનુરૂપ બનાવવું એ સમયની માંગ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે G20 સમિટ અંતર્ગત ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે આયોજિત U20 મેયોરલ સમિટનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત દર્શાવ્યો કે વિશ્વનાં શહેરોનાં મોડર્ન ડેવલપમેન્ટ અને ફ્યુચર ચેલેન્જીસના સોલ્યુશન્સ માટે U20 સક્ષમ પ્લેટફોર્મ બનશે.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, આ U20 દ્વારા વર્લ્ડ લીડર્સ અને મેયર્સ એક મંચ પર આવ્યા છે. રેપીડ અર્બનાઈઝેશનના આ યુગમાં શહેરોને ઈકોનોમિક ડેવલપમેન્ટના અવસર જ નહિ, પોતાના દેશો માટે સોશિયો-ઈકોનોમિક અને ઈકોનોમિક સેન્ટર બનાવવાનાં અવસરો અંગેનાં વિચારોનું આદાન-પ્રદાન તેઓ કરવાનાં છે.
મુખ્યમંત્રીશ્રીએ ગ્લોબલ લીડર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સફળ પ્રયાસોથી ભારતને G20 પ્રેસીડેન્સી મળી છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, વસુધૈવ કુટુંબકમ-એક પૃથ્વી-એક વિશ્વ-એક પરિવારની ભાવના સાથે આયોજિત આ U20 સસ્ટેઈનેબલ અર્બન ડેવલપમેન્ટનાં કોમન એજન્ડા માટે સૌને સાથે જોડતી સમિટ છે.
એક ગ્લોબલ કોમ્યુનિટીનાં રૂપમાં આપણી સામે આવનારા સમયમાં જે ચેલેન્જીસ-પડકારો આવશે તે અનેક પ્રકારે કોમન હશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ આ અંગેની વિસ્તૃત છણાવટ કરતા કહ્યું કે, વધતા જતા અર્બનાઈઝેશનને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ સામે ક્લાઈમેટ ચેન્જ પબ્લિક સર્વિસ ડિસ્ટ્રીબ્યુશનમાં થનારી સમસ્યા તથા ટ્રાફિક રીલેટેડ પ્રોબ્લેમના સમાધાનને અનુરૂપ બનાવવું હવેનાં સમયની માંગ છે.
તેમણે ગુજરાત દેશનાં સૌથી વધુ અર્બનાઈઝડ રાજ્યોમાંનું એક છે તથા અર્બનાઈઝેશન ગુજરાતનો ઇતિહાસ ૪૫૦૦ વર્ષ પહેલાની સિંધુ ઘાટીની સભ્યતાથી શરૂ થયો છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ગુજરાતની શહેરી વિકાસ ક્ષેત્રની સફળતાની ગાથા નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને વિઝનરી લીડરશીપને આભારી છે.
રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે શહેરોનાં નાગરિકોનાં ઈઝ ઓફ લિવિંગની વૃદ્ધિ માટે સિવિક એમીનીટીઝમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશા આપી છે. એમના આ વિઝનના પરિણામે જ રાજ્યનાં શહેરોમાં પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિક એમિનિટીઝ ડેવલપમેન્ટમાં ઈનોવેશન, ફ્યુચરીસ્ટીક પ્રોજેક્ટ આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતનાં શહેરીકરણને ગ્લોબલ સ્ટાન્ડર્ડ બનાવનારા પ્રકલ્પોની ભેટ આપેલી છે. તેમણે આ સંદર્ભમાં ગિફ્ટ સિટી, સુરત ડાયમંડ બુર્સ, ધોલેરા SIR, સાબરમતી રિવરફ્રન્ટનાં દૃષ્ટાંતો આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દિશાદર્શનમાં ગુજરાતે ટોપ-ડાઉન એપ્રોચ અને પીપલ સેન્ટ્રિક અર્બન ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપેલું છે. એટલુ જ નહિ, શહેરી વિકાસનો માસ્ટર પ્લાન ઈન્ક્લુઝિવનેસ સાથે તૈયર કરીને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ દરેક પ્રોજેક્ટના કેન્દ્રસ્થાને કોર વેલ્યુ તરીકે રાખવામાં આવે છે.
આ દ્વિદિવસીય સમિટ અર્બન એરિયામાં ક્લાઈમેટચેંજના જટિલ પ્રભાવ સામે જનજાગૃતિ ઊભી કરવા સહિત વોટર સિક્યુરિટી, ડિજીટલાઈઝેશનને પ્રોત્સાહન આપવુ, મહિલા અને બાળકોને શહેરી વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવા જેવા ગહન વિષયો પર ચર્ચા વિમર્શ હાથ ધરાવાનાં છે.
મુખ્યમંત્રીશ્રીએ સમિટમાં સહભાગી મેયર્સ અને સિટી લીડર્સને અનુરોધ કર્યો કે, આ બધા ક્ષેત્રોની પોતાનાં શહેરોની બેસ્ટ પ્રેક્ટીસીસનું આદાન-પ્રદાન થાય તે જરૂરી છે. તેમણે આ તકે સ્વિત્ઝર્લેન્ડના ભારત સ્થિત રાજદૂત ડૉ. રાલ્ફ હેકનરની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘‘ક્લાઈમેટ રેસિલિએન્ટ સિટી એક્શન પ્લાન ફોર અમદાવાદ’’નું વિમોચન કર્યું હતું. વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો એમિશનને સાકાર કરવા માટે સ્વીઝ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશનના સહયોગથી આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોરે દેશ-વિદેશથી પધારેલા પ્રતિનિધિઓને ભારતમાં આવકારતા જણાવ્યું હતું કે, ભારત પ્રાચીન હડપ્પન કાળથી જ શહેરી વિકાસમાં અગ્રેસર રહ્યું છે અને આજના મોડર્ન યુગમાં પણ ભારત તેની સસ્ટેનેબલ અને વિશેષ પહેલોથી અન્ય રાષ્ટ્રોને પ્રેરણા આપી રહ્યું છે. ભારતની G20 અધ્યક્ષતા હેઠળ આજે યોજાઇ રહેલી અર્બન ૨૦ મેયોરલ સમિટ વિશ્વના વિકસિત શહેરોમાં થઈ રહેલી બેસ્ટ પ્રેક્ટિસીસ અને વિશેષ પહેલોના આદાન-પ્રદાન માટેનું શ્રેષ્ઠ માધ્યમ બનશે. ગુજરાતમાં આ બે દિવસ દરમિયાન યોજાઈ રહેલી U20 સમિટમાં વિવિધ વિષયો ઉપર થયેલા વિચાર વિમર્શ આગામી સમયમાં શહેરી વિકાસ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેવો કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે G20ના માધ્યમથી દેશના વેગવંતા વિકાસને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું કામ કર્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ભારતે શહેરી વિકાસ અને સસ્ટેનેબલ અર્બનાઈઝેશનની દિશામાં સૌર્ય અને નવીનીકરણ ઉર્જા, જલ સુરક્ષા, સબકો આવાસ, રી-યુઝ ઓફ વેસ્ટ વોટર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી વિવિધ નીતિઓને ખૂબ જ ગતીપૂર્વક લાગુ કરી છે. આ સાથે જ ભારતે મેક ઇન ઇન્ડિયા જેવા મિશનમાં સામાન્ય જનમાનસને સાથે જોડીને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયત્નો કર્યા છે. સ્ટેન્ડ અપ યોજના અંતર્ગત મહિલાઓને વિના ગેરંટી લોન અને સરકારી સેવાઓના ડિજિટલાઇઝેશન જેવા અનેક ઉદાહરણો ભારતે પૂરા પાડ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતુ કે, આજની આ અર્બન-૨૦ સમિટનું વિશ્વમાં વધી રહેલા અર્બનાઇઝેશન વચ્ચે લોકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન સુનિશ્ચિત કરવામાં તેમજ વિશ્વના શહેરોના સસ્ટનેબલ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન રહેશે. કેન્દ્રીય મંત્રીશ્રીએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની સંકલ્પનાને સાકાર કરવાની દિશામાં વિચાર-વિમર્શ કરવા સૌ પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો.
અર્બન-૨૦ છઠ્ઠી શ્રેણીની ચેર સિટી અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમારે સૌનું ગુજરાતમાં સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, U20એ વિશ્વમાં વધી રહેલા શહેરીકરણ સાથે ખૂબ જ મહત્વ મેળવ્યું છે. જ્યારથી G20 સમિટ પેરિસ કરાર સાથે જોડાઈ ત્યારથી જ ઇકોનોમિક અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન કેન્દ્રિત કરી, U20 દ્વારા ક્લાયમેટ ચેન્જ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સીટી લેવલ ઇન્વેસ્ટમેન્ટ, હેલ્થ કેર જેવા અનેક મુદ્દાઓનું સંબોધન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે અર્બન-૨૦ના સહયોગી સંગઠન ‘‘C40 સિટીઝ’’ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી કેવિન ઓસ્ટિને ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થાના વખાણ કરતા કહ્યું હતું કે, શહેરોમાં મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્સિસ્ટ સિસ્ટમ દ્વારા પબ્લિક એક્સેસ વધુ સરળ બની છે. તેમજ અમદાવાદ પોતાનો એડવાન્સ એક્શન પ્લાન હોય એવું પ્રથમ શહેર છે. વધુમાં તેમણે વર્ષ ૨૦૫૦ સુધીમાં મોટાભાગના શહેરો વૈશ્વિક તાપમાનમાં વધારાનો ભોગ બનવા અંગેની શક્યતાઓ દર્શાવી હતી. સંભવિત ક્લાઈમેટ ક્રાઈસીસને ધ્યાને રાખી કાર્ય કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
યુનાઈટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સના સેક્રેટરી જનરલ સુશ્રી એમિલિયા સૈઝએ જણાવ્યું હતું કે, શહેરી વિકાસને નવેસરથી સમજવાની જરૂર છે. ભવિષ્ય માટે નવા નેરેટિવ અને નવા વિઝનને પ્રોત્સાહિત કરવા માટે આપણે ગરીબ, વંચિત સામાન્ય લોકોના જીવનધોરણ સુધારવા માટે તેમજ શહેરી વિકાસમાં દાખલારૂપ બનવા વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.
આ દ્વિદિવસીય અર્બન-૨૦ના શુભાંરભ પ્રસંગે કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી મનોજ જોશી, G20ના એડિશનલ સેક્રેટરી શ્રી અભય ઠાકુર, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન સહિત અન્ય પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.