Breaking News

શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા દ્વારા ૧૭-૧૮ જૂન દરમિયાન અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવનું આયોજન

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવનો શુભારંભ કરાવતાં કહ્યું કે, જે વ્યક્તિ ધર્મના માર્ગે ધન કમાય છે, પુણ્ય-પરોપકાર અને દીન-દુખિયાની સેવામાં એ ધન વાપરે છે અને બીજાના ઘાવ પર પોતાના હૃદયથી મલમ લગાવે છે એવી વ્યક્તિનું જીવન જ સાર્થક છે. આદર્શવાદી અને સમાજવાદી મહારાજા અગ્રસેનનો વંશજ અગ્રવાલ સમાજ ધર્મથી ધન કમાઈને શ્રેષ્ઠ સેવા કાર્યોમાં વાપરે પણ છે. વેપાર-ઉદ્યોગના નવા યુગના પડકારો અને નવી ટેકનોલોજીથી સમાજની નવી પેઢી સારી રીતે વાકેફ થાય અને પ્રગતિ કરે એવી શુભકામનાઓ તેમણે આપી હતી.

શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા દ્વારા તારીખ ૧૭-૧૮ જૂન ૨૦૨૩ દરમિયાન અમદાવાદમાં નારાયણી હાઇટ્સમાં અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આ કૉન્કલેવનો શુભારંભ કરાવતાં કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પ્રથમ પાંચ ક્રમમાં આવી ગયું છે. દેશના દરેક ખૂણામાં વિસ્તરેલા અગ્રવાલ સમાજે ભૂતળથી લઈને અંતરિક્ષ સુધીના ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આ પ્રકારે અગ્રવાલ સમાજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મોટું યોગદાન આપીને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી રહ્યો છે. કરોડો લોકોને રોજગારી મળી રહે છે. સેવાની સાથોસાથ સમાજનું જીવનસ્તર પણ ઊંચું લાવવામાં અગ્રવાલ સમાજનું યોગદાન મહત્વનું છે.

અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવ અંતર્ગત વેપાર-ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, નિષ્ણાતો અને આગેવાનો પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. અગ્રવાલ સમાજના યુવાનો, ભાઈ-બહેનો અને વડીલો મોટી સંખ્યામાં આ કૉન્કલેવમાં ભાગ લઈ રહ્યા છે. આ કૉન્કલેવમાં યુવા પેઢીને આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરાશે, એટલું જ નહીં અગ્રવાલ સમાજના લોકો સામાજિક અને આર્થિક રીતે પરસ્પર વધુ ઘનિષ્ઠતાથી જોડાશે, સહિયારા પુરુષાર્થથી સફળતાના શિખરે પહોંચવાના પાઠ ભણશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વેપાર વ્યવસાય જ નહીં કલા, સાહિત્ય, રાજકારણ, વિજ્ઞાન કે વિશ્વનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં અગ્રવાલ સમાજનું નોંધપાત્ર યોગદાન ન હોય. આ સમાજ કોઈપણ પ્રકારની જરૂરિયાત વખતે છાતી કાઢીને દરેક સમાજની પડખે ઉભો રહ્યો છે. તેમણે આ માટે અગ્રવાલ સમાજને અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે ‘અગ્રવાલ કનેક્શન એન્ડ બિઝનેસ ઈનીસીએટીવ’ બૂકનું વિમોચન કર્યું હતું. તેમણે શ્રી અગ્રવાલ વિકાસ મહાસભાનો લૉગો પણ લૉન્ચ કર્યો હતો. શ્રી અગ્રવાલ વિકાસ મહાસભાના મુખ્ય સંરક્ષક શ્રી સુરેશચંદ્ર આર્યએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને સાદગી, સરળતા, સૌમ્યતાથી ભરપૂર શિક્ષા, ધર્મ અને સંસ્કૃતિને વરેલા ઉદ્દાત્ વ્યક્તિત્વના ધ્વનિ રાજપુરુષ કહીને તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી અગ્રવાલ વિકાસ મહાસભાના અધ્યક્ષ શ્રી સુરેશકુમાર અગ્રવાલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અંતમાં મહાસચિવ શ્રી સંજીવ અગ્રવાલે આભારવિધિ કરી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post