વાવાઝોડા બાદ જિલ્લામાં નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની વિગતો મેળવતા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યો
૦૦૦૦૦
કલેક્ટરશ્રી અમિત અરોરાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોને વહીવટીતંત્રની કામગીરી વિશે માહિતી આપી
૦૦૦૦૦
ભુજ, ગુરૂવાર
તા. ૦૩ ઓગષ્ટ, ૨૦૨૩
બિપરજોય વાવાઝોડા સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના શીર્ષ અધિકારીશ્રીઓએ કલેક્ટરશ્રીની કચેરી ભુજ ખાતે બેઠક યોજીને પૂર્વ તૈયારીઓ અને વાવાઝોડા બાદની વહીવટીતંત્રની તૈયારીઓ તેમજ કામગીરીની સમીક્ષા કરીને માહિતી મેળવી હતી. જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી કેવી રીતે વાવાઝોડામાં વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી તેના વિશે જાણકારી આપી હતી.
ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના લીડર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત સચિવશ્રી હર્ષ ગુપ્તા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ બેઠક દરમિયાન વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારશ્રીના ઝીરો કેઝ્યુઆલટીના અભિગમને ધ્યાનમાં રાખીને તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. તેઓએ બિપરજોય વાવાઝોડા પૂર્વે દરિયાકાંઠાના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી, કલસ્ટર વાઈઝ અધિકારીશ્રીઓની નિમણૂક, શેલ્ટર હોમ્સનું એનજીઓ અને પોલીસ સ્ટેશન સાથે મેપિંગ, કોમ્યુનિકેશન વ્યવસ્થા, ફૂડ પેકેટ વિતરણ વ્યવસ્થા, બાળકો માટે મિલ્ક પાઉડરની વ્યવસ્થા, પાણી વિતરણ, વીજ પુન:સ્થાપનને કેન્દ્રમાં રાખીને મટિરિયલ્સની ઉપલબ્ધતા, ઝાડ ટ્રિમિંગ, વાવાઝોડા પહેલા સર્ગભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર, પશુઓની સુરક્ષા, ધાર્મિક સ્થળો-પ્રવાસન સ્થળો બંધ રાખીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી વગેરે પ્રાથમિકતાના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી.
પીજીવીસીએલ જોઈન્ટ એમ.ડી શ્રી પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલાની વીજ વિભાગની તૈયારીઓ, બહારના જિલ્લામાંથી રિસ્ટોરેશન ટીમોની તૈનાતી, વાવાઝોડામાં વીજ વિભાગને થયેલી નુકસાની, વાવાઝોડા બાદ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવાની કામગીરી અંગે વિસ્તૃત વિગતો અધિકારીશ્રીઓ સમક્ષ રજૂ કરી હતી.
આ ઉપરાંત, દિલ્હી આવેલી ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, સ્કૂલોમાં નુકસાની, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, આરોગ્ય ફેસિલિટીઝમાં નુકસાની, ઝાડ હટાવવાની કામગીરી અને ખેડૂતોને-અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કેશ ડોલ્સ અંગે પૃચ્છા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓએ તમામ વિગતોથી ટીમના સભ્યોને અવગત કરાવ્યા હતા. આ ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમ કચ્છ જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની તેમજ રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસ અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, સંયુક્ત બાગાયત નિયામકશ્રી ફાલ્ગુન મોઢ, માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેરશ્રી એમ.જે.ઠાકોર, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી જીગર પટેલ, ડેપ્યુટી ડીડીઓશ્રી આસ્થા સોલંકી, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણશ્રી હરેશ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી હરેશ ઠક્કર સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.