ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ-મૈત્રીના 75 વર્ષ નિમિત્તે ભારતના
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની
આલ્બેનીસ નવમી માર્ચના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર
ચોથી ટેસ્ટ મેચ નિહાળવાના છે.
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટ સંબંધોની ઉજવણીના આ પ્રસંગની
પૂર્વતૈયારીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સવારે નરેન્દ્ર મોદી
સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમ સંદર્ભે સુરક્ષા, વ્યવસ્થા, સમારંભની રૂપરેખા
વગેરેની ઝીણામાં ઝીણી બાબતોની પૂછપરછ કરવા ઉપરાંત મહત્ત્વપૂર્ણ સૂચનો પણ
કર્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક સૂચવ્યું હતું આ સમગ્ર ઇવેન્ટમાં શહેરીજનોને
કોઈ તકલીફ ન પડે, એની કાળજી લઈને આયોજન કરવું.

આ સમીક્ષા મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના મુખ્ય સચિવ શ્રી
રાજ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે. રાકેશ,
રમતગમત વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ
સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, એએમસીના
કમિશનર શ્રી એમ. થેન્નારસન, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારી, બીસીસીઆઈ
અને જીસીએના પદાધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.