Breaking News

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો ર૦ મો તબક્કો ૧ર થી ૧૪ જૂન દરમ્યાન યોજાશે

……
બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ-પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારને
સુસંગત શાળા પ્રવેશોત્સવ-ર૦ર૩ ના આયોજનને આખરી ઓપ અપાયો
……
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ-ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોમાં
શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરશે
……
નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦ ની ભલામણો મુજબ આ વર્ષે
પ્રથમવાર પ થી ૬ વર્ષ સુધીની વયના બાળકો બાલવાટિકામાં પ્રવેશ અપાશે
……
શાળા પ્રવેશોત્સવ પહેલાં જ શાળાઓમાં પાઠય પુસ્તકો પહોંચાડવાનું સફળ આયોજન પૂર્ણ
ધોરણ ૧ થી ૧ર ના ૪.૬પ કરોડ પુસ્તકો-બાલવાટિકાની કુલ ૧૧.૬૭ લાખ બૂક્સ પહોંચાડી દેવામાં આવી

=======================================================================================

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાનારા ર૦ માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બોર્ડર વિલેજ-સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ પરંતુ પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા અભિનવ વિચારને સુસંગત આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં કચ્છ, ભાવનગર અને નર્મદા જિલ્લાના સરહદી ગામોની શાળાઓમાં ભુલકાંઓનો પ્રવેશ કરાવશે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી યોજાઇ રહેલા શાળા પ્રવેશોત્સવનો ર૦ મો તબક્કો આગામી ૧ર થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાવાનો છે.
ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીઓ તથા સમગ્ર આયોજન અંગેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.
રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ તથા પદાધિકારીઓ તેમજ મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો તથા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનું દરેક ગામ એક સરખી રીતે વિકાસ પામે અને પ્રાથમિક શિક્ષણની જ્યોત છેવાડાના બોર્ડર વિલેજ સુધી પ્રસરે તેવી નેમ સાથે વડાપ્રધાનશ્રીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કરવા પ્રેરક આહવાન કર્યુ હતું.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનું એક પણ બાળક શાળાએ જવાથી વંચિત ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ર૦૦૩ થી આ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો છે.
શાળા પ્રવેશોત્સવની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ડ્રોપ આઉટ રેઇટ ૩૭ ટકાથી ઘટીને ર ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, શાળામાં બાળકોના નામાંકનનો દર પણ ૭પ ટકાથી વધીને ૯૯ ટકાએ પહોંચ્યો છે તેની મુખ્યમંત્રીશ્રીએ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સફળતા માટે શાળા પ્રવેશોત્સવ સાથે સંકળાયેલા સૌને તથા શિક્ષણ વિભાગને અભિનંદન આપતાં કહ્યું કે, આપણા નિષ્ઠાપૂર્વકના પ્રયાસોથી આ શક્ય બન્યું છે.


તેમણે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અભિયાન જેવા શિક્ષણ સેવાલક્ષી આયામોથી શિક્ષકો અને વાલી ગણના માઇન્ડ સેટમાં પણ બદલાવ આવ્યો છે તેમ ઉમેર્યુ હતું.
આ અંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજે એવી સ્થિતી ઊભી થઇ છે કે જો કોઇ બાળક એકાદ દિવસ પણ શાળામાં ગેરહાજર રહે તો શિક્ષક સ્વયં બાળકના ઘરે પહોંચી જઇ તેની ગેરહાજરીના કારણો અને પરિસ્થિતીની તપાસ કરે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસીત ભારત બનાવવાના કરેલા સંકલ્પમાં વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને કોઇ ઉણપ ન રહે તે માટે શિક્ષણ સેવાના આ યજ્ઞ એવા શાળા પ્રવેશોત્સવને નવી ઊંચાઇએ લઇ જવા અનુરોધ કર્યો હતો.
પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવે આ વર્ષના શાળા પ્રવેશોત્સવની વિશેષતાઓ વર્ણવતું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું.
આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યુ હતું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી ર૦ર૦ની ભલામણો અનુસાર પ્રથમવાર આ વર્ષના શાળા પ્રવેશોત્સવ દરમ્યાન રાજ્યના પ થી ૬ વર્ષ સુધીની વયના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ કરાવાશે તથા ૬ વર્ષ પૂર્ણ થયેલા ભુલકાંઓને ધોરણ-૧ માં પ્રવેશ અપાશે.
આવા પ્રવેશ અપાયેલા બાળકોની જન્મ પ્રમાણપત્રના આધારે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ડેટાબેઝમાં એન્ટ્રી કરવામાં આવશે.
આ ઉપરાંત પ્રવેશ ન મેળવેલા બાળકોનું CRS સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના જન્મ રજીસ્ટર ડેટાબેઝમાંથી ટ્રેકીંગ કરી તેમની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ પહેલાં શાળાઓમાં પુસ્તકો પહોંચાડવામાં આવ્યા હોવાની વિગતો આપતાં આ માર્ગદર્શન બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ધોરણ ૧ થી ૧ર ના ૪.૬પ કરોડ પુસ્તકો પહોંચાડી દેવાયા છે તેમજ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પણ પુસ્તકો સમયસર મળી રહે તે માટે ૧.૦૪ કરોડ પુસ્તકો વિતરકો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે.
બાલવાટિકામાં પ્રવેશ મેળવનારા ભુલકાંઓ માટે ૧૧.૬૭ લાખ બૂક્સ પ્રિન્ટીંગ કરીને શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ થતા પહેલાં રાજ્ય સરકારે પાઠય પુસ્તક મંડળ મારફતે પહોંચાડી દીધા છે.
શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરે શાળા પ્રવેશોત્સવના આ જનસેવા અભિયાનને મિશન મોડમાં ઉપાડી લઇ સૌને માટે શિક્ષણની નેમ પાર પાડવા અનુરોધ કર્યો હતો.
આ વર્ષે શાળા પ્રવેશોત્સવ સાથે જે-તે ગામોમાં પીવાનું પાણી, વીજળી, રોડ-રસ્તા, સ્વચ્છતા, સ્થાનિક આરોગ્ય સુવિધાની પણ સમીક્ષા પ્રવેશોત્સવમાં જનારા અધિકારીઓ દ્વારા હાથ ધરાશે.
પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકામાં ચીફ ઓફિસર કે મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં સમિતીની રચના પણ કરવામાં આવશે.
રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, પદાધિકારીઓ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ, પોલીસ અને વન વિભાગ સહિત વિવિધ વિભાગોના વર્ગ-૧ ના અધિકારીઓ તેમજ ખાતાના વડાઓ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં વિવિધ ગામોની શાળાઓમાં સહભાગી થવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post