Breaking News

બ્રહ્માકુમારીઝના ‘વૈશ્વિક સંસ્કૃતિ : પ્રેમ-શાંતિ-સદભાવના’ પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ : રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં શુભારંભ સમારોહ યોજાયો

18-2

ભારત અને વિશ્વમાં પ્રેમ, શાંતિ અને સદભાવનાનું વાતાવરણ સર્જાય, સમાજમાં પરસ્પર સહયોગ અને ભાઈચારાની ભાવના કેળવાય એ માટે બ્રહ્માકુમારીઝ નિરંતર પ્રયત્નરત છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બ્રહ્માકુમારીઝ અને રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના કલા અને સંસ્કૃતિ પ્રભાગના વૈશ્વિક સંસ્કૃતિ : પ્રેમ-શાંતિ-સદભાવના પ્રોજેક્ટનો આજે શુભારંભ કરાવ્યો હતો. તેમણે કલાના માધ્યમથી પ્રેમ, શાંતિ અને સદભાવના પ્રસરાવવાના આ આંતરરાષ્ટ્રીય પવિત્ર મિશન માટે બ્રહ્માકુમારીઝને અભિનંદન પાઠવ્યા હતા.

રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત ભવ્ય શુભારંભ સમારોહમાં ભારતભરમાંથી બ્રહ્માકુમારી બહેનો અને બ્રહ્મકુમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, સંસ્કૃતિ અને સભ્યતા બે મહત્વની બાબતો છે. સભ્યતા બાહ્ય સુખાકારી આપે છે જે માનવ જીવનને સરળ બનાવે છે. જ્યારે સંસ્કૃતિ આંતરિક સમૃદ્ધિ છે જે સાર્વકાલિક છે. સભ્યતા શરીર છે, જ્યારે સંસ્કૃતિ આત્મા છે. શરીર વિના આત્મા રહી શકે પણ આત્મા વિના શરીર ન રહી શકે. બ્રહ્માકુમારી દ્વારા પ્રેમ, શાંતિ અને સદભાવનાનું જે મિશન શરૂ કરવામાં આવ્યું છે તે ભારતીય સંસ્કૃતિનું મૂળ છે. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણીધાન અને નિયમ તથા શાંતિ, પ્રેમ, કરુણા, દયા, અને સહિષ્ણુતા ભારતીય મૂલ્યો અને જીવનદર્શનના મુખ્ય સિદ્ધાંતો છે. બ્રહ્માકુમારીએ ભારતીય સંસ્કૃતિના માધ્યમથી વિશ્વ કલ્યાણનું અભિયાન આદર્યું છે.

‘વસુધૈવ કુટુંબકમ્’ ની વિભાવના ભારતની મૂળ વિચારધારા છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચીનના બૌદ્ધ ભિક્ષુ પ્રવાસી હ્યુન સાંગની વાત વિસ્તારપૂર્વક કહેતાં કહ્યું હતું કે, તેના અમૂલ્ય અલભ્ય પુસ્તકોના બદલામાં બે ભારતીય ઋષિઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. ભારતે હંમેશાં વિશ્વને પોતાનું પરિવાર માન્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાકાળમાં એક વર્ષમાં તમામ ભારતીયોને તો વિનામૂલ્યે વેક્સિન આપી જ દીધી, વિશ્વમાં જેને જરૂર હતી તે તમામ દેશોને વેક્સિન પહોંચાડી. આ કાર્યએ વિશ્વમાં પરિવારવાદ પ્રગટાવ્યો.

દુનિયાને શાંતિનો પાઠ ભણાવવો હોય તો અંતરમનનું પરિવર્તન અનિવાર્ય છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, યુદ્ધ મેદાનમાં પછી લડાય છે, પહેલાં માનવ મનની ભૂમિ પર સર્જાય છે. ભારતની ધરતીના આધ્યાત્મવાદથી વિશ્વમાં શાંતિ સ્થપાશે. ભારતનું ખગોળશાસ્ત્ર અદભુત છે. ભારત ‘સોને કી ચીડિયા’ અને ‘વિશ્વગુરુ’ હતું. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. બ્રહ્માકુમારી જેવા સંગઠનો આધ્યાત્મિકતાના માર્ગે વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પુનઃ ‘સોને કી ચીડિયા’ અને ‘વિશ્વગુરુ’ બને એ દિવસો બહુ દૂર નથી, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, બ્રહ્માકુમારી દ્વારા પ્રસ્તુત કલા, સંસ્કૃતિ નૃત્ય અને અભિનયે અત્યંત સહજતાથી ભારતની સાંસ્કૃતિક વિરાસતને આપણી અંદર સુધી પહોંચાડી દીધી. તેમણે બ્રહ્માકુમારીઝને શુભકામનાઓ પાઠવી હતી.

બ્રહ્માકુમારીઝના કલા અને સંસ્કૃતિ પ્રભાગના અધ્યક્ષ રાજયોગીની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીએ આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતમાં તમામ રાજ્યોમાં અને વર્ષના અંતે રાષ્ટ્રપતિ ભવનમાં આ કાર્યક્રમ યોજાય એવું લક્ષ્ય છે. કલા અને સંસ્કૃતિ અભિવ્યક્તિ અને આદાન-પ્રદાનનું સશક્ત માધ્યમ છે. આ પ્રોજેક્ટથી અનેકના દિલોમાં પરિવર્તન આણી શકાશે. પોતાના જીવનથી અન્યના જીવનમાં બદલાવ લાવવા તેમણે ઉપસ્થિત સૌ મહાનુભાવોને આહવાન આપ્યું હતું.

બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી બ્રહ્માકુમાર શ્રી મૃત્યુંજયભાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, જ્યાંથી ‘રાત’ હંમેશને માટે ‘ગુજરી’ ગઈ છે, એવું ‘ગુજરાત’ ભારતનું નંબર વન રાજ્ય બની રહ્યું છે. ગુજરાતમાં સર્જનાત્મકતા તો છે જ દ્રઢતા, વિશ્વાસ, સદભાવના અને શાંતિ પણ છે. તેમણે વૈશ્વિક સંસ્કૃતિ : પ્રેમ-શાંતિ-સદભાવના પ્રોજેક્ટને શુભકામનાઓ આપી હતી અને ઉપસ્થિત સૌને નકારાત્મકતાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

બ્રહ્માકુમારીઝ આફ્રિકાના ડાયરેક્ટર રાજયોગીની બ્રહ્માકુમારી વેદાંતી દીદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર માનતાં કહ્યું હતું કે, વૈશ્વિક સંસ્કૃતિ પ્રોજેક્ટના શુભારંભ માટે રાજભવન ખુલ્લુ મૂકી દઈને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિશ્વ પરિવર્તનનું બીજ વાગ્યું છે.

આ અવસરે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, વરિષ્ઠ અભિનેતા લેખક અને નિર્દેશક શ્રી દીપક અંતાણી, વરિષ્ઠ શાસ્ત્રીય નૃત્યગુરુ શ્રીમતી સ્મિતાબેન શાસ્ત્રી, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા શ્રી ચાંદ મિશ્રાજી અને ગુજરાતના અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ અને ગ્રામીણ પ્રભાગના અધ્યક્ષ રાજીયોગીની બ્રહ્માકુમારી સરલા દીદીએ સૌનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post