મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક
11-10
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને અઠવાડિયામાં એક દિવસ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત લેવા અનુરોધ કર્યો છે. પ્રત્યેક ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓછામાં ઓછા ૧૦ ખેડુતો પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ તૈયાર કરે જેથી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળે. એટલું જ નહીં આદર્શ ખેડૂતો અન્ય ખેડૂતોને તાલીમ આપવા વધુ સજ્જતા કેળવે એવા પ્રયત્નો કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.



પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવામાં ગ્રામીણ મહિલાઓ સહભાગી બને એવો અનુરોધ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, સ્વ-સહાય જૂથોની મહિલાઓ, સખી મંડળો, દૂધ મંડળીઓ કે અન્ય રીતે કાર્યરત સંગઠિત મહિલાઓ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલનમાં સક્રિય છે. આ મહિલાઓની સહભાગીતાથી પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં વેગ આવશે. આ માટે મહિલાઓને પ્રેરિત કરવા તેમણે કલેકટર્સ અને ડીડીઓને સૂચન કર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ બેઠક કરી હતી. અધિકારીઓને પ્રાકૃતિક ખેતીના કામને અન્ય જવાબદારીઓની જેમ નહીં લેવા અનુરોધ કરતાં તેમણે કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ કામથી નથી થાકતો, વ્યક્તિ પોતાના કામને બોજ સમજે તો તે થાકવા માંડે છે. પ્રાકૃતિક ખેતીનું કામ સમગ્ર માનવજાત, જીવસૃષ્ટિ અને પર્યાવરણના કલ્યાણનું કામ છે. આ કામ ઉત્સાહપૂર્વક-મિશનની માફક થાય તે જરૂરી છે.
=========================================================================================================
કલેકટર્સ અને DDO ને અઠવાડિયામાં એક દિવસ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લેવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
===========================================================================================================



પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જ ખેડૂતની આવક વધશે એવું દ્રઢતાપૂર્વક સમજાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મારા ગુરુકુળ કુરુક્ષેત્ર હરિયાણાના પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં અત્યારે ડાંગરની લણણી ચાલે છે. પ્રતિ એકર સરેરાશ ૩૭ ક્વિન્ટલ ડાંગરનું ઉત્પાદન પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મને મળ્યું છે. જ્યારે અન્યના ખેતરમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી પ્રતિ એકર સરેરાશ ૨૮ થી ૩૦ ક્વિન્ટલ ડાંગરનું ઉત્પાદન થયું છે. પ્રાકૃતિક ખેતીમાં મને એકર દીઠ સરેરાશ રુ. ૨,૦૦૦ ઉત્પાદન ખર્ચ આવ્યું જ્યારે રાસાયણિક ખેતીમાં એકર દીઠ સરેરાશ ૧૪ થી ૧૫ હજારનો ખર્ચ આવ્યો. રાસાયણિક ખેતીમાં ૧૦૦ ટકા પાણી વપરાયું, જેની સામે પ્રાકૃતિક ખેતીમાં માત્ર ૫૦% પાણીથી ડાંગરનો મલક પાક મળ્યો. રાસાયણિક ખેતી પદ્ધતિથી ઉત્પન્ન થતા ફળો, શાકભાજી કે અનાજથી ગંભીર રોગોનો ખતરો છે. જ્યારે પ્રાકૃતિક ખેતીથી જીવન મળે છે. રાસાયણિક ખેતીથી જમીન વેરાન થઈ જાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી ભૂમિ ઉન્નત બને છે. કઈ ખેતી લાભદાયી છે તે સ્વયં સ્પષ્ટ છે. તેમણે તમામ અધિકારીઓને મિશનની માફક કામ કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખેતી ૨૪% જવાબદાર છે. આપણે પ્રકૃતિના ભોગે વિકાસ કરી રહ્યા છીએ પણ આપણે જ નહીં બચીએ, આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો પ્રગતિનો લાભ કોણ લેશે? પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન છે.
રાજ્યપાલશ્રી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં કલેકટરશ્રીઓના પ્રતિભાવ :
મહેસાણાના કલેક્ટર શ્રી એમ. નાગરાજને કહ્યું હતું કે, ગુરુકુળ કુરુક્ષેત્ર, હરિયાણાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત પછી સમજણ સ્પષ્ટ થઈ છે અને વિશ્વાસ પણ વધ્યો છે.
સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રી કેયુર સંપતે કહ્યું હતું કે, જે તે પ્રદેશોના પાક આધારિત વિશેષ તાલીમ ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખેડૂતોને મોડેલ ફાર્મમાં જ તાલીમ મળી રહે એવું આયોજન પણ કરાઈ રહ્યું છે.
બનાસકાંઠા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે પાલનપુર અને દિયોદરમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં થરાદમાં પણ શરૂ કરાશે. બનાસકાંઠા જિલ્લામાં જમીનમાં ભાગીયા તરીકે ખેતી કરતા ખેત મજૂરોને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે.
પાટણના કલેક્ટર શ્રી અરવિંદ વિજયને કહ્યું હતું કે, પાટણના દરેક તાલુકામાં ૧૦-૧૦ શાળાઓમાં પ્રાકૃતિક કીચન ગાર્ડન બનાવવાનું આયોજન છે. બાળકો જાતે જ પ્રાકૃતિક ખેતીથી શાળામાં કિચન ગાર્ડનમાં શાકભાજીનું વાવેતર કરશે. આ શાકભાજીનો ઉપયોગ મધ્યાહ્ન ભોજનમાં થાય તેવું આયોજન છે. આ પહેલથી બાળકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પ્રત્યે જાગૃતિ આવશે. એટલું જ નહીં, શિક્ષકોને પણ રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં શું તફાવત છે તેનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી નૈમેશ દવે એ કહ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે ૧૩૮ જેટલા વેચાણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ખરીદનારાઓ વચ્ચે કાયમી સેતુ સર્જાય એ હેતુથી એક મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી રહી છે.
અરવલ્લીના કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીકે કહ્યું કે, અરવલ્લીના દરેક તાલુકાઓમાં પ્રાકૃતિક ખેત પેદાશોના એક-એક વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. સ્વ-સહાય જૂથો અને સખી મંડળોની બહેનોની સક્રિયતાથી પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં નવી ઊર્જા ઉમેરાશે.
કચ્છના કલેક્ટર શ્રી અમિત અરોડા એ કહ્યું હતું કે, કચ્છમાં પ્રાકૃતિક ખેતીના ૫૫ મોડેલ ફાર્મ છે. કચ્છમાં ૬૬ ગાયો ધરાવતા સોનલબેન નામના એક મહિલા ગૌમૂત્રનું નાના પાયે વેચાણ કરતા હતા. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરનારા ખેડૂતોની સંખ્યા વધતાં ગૌમુત્રની માંગમાં ભારે વધારો થયો છે. આજે ૯૯,૦૦૦ લિટર ગૌમૂત્રની માંગના ઓર્ડર્સ પેન્ડિંગ પડ્યા છે. તેઓ હવે જીવામૃત તૈયાર કરીને વેચવાનું આયોજન કરી રહ્યા છે. વેપારમાં પણ નવી તકોની સંભાવના પ્રાકૃતિક ખેતીને કારણે ઊભી થઈ છે થઈ છે.