રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ગુરૂદક્ષિણામાં તમામ ખેડૂતોને શરૂઆતના તબક્કામાં જમીનના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન
વલસાડ જિલ્લાના પારડી ખાતે મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
— પ્રાકૃતિક ખેતીમાં દેશમાં ગુજરાત રોલ મોડલ બનશે : ગુજરાતને ૧૦-૧૦ ગામના સમૂહમાં વહેંચી પ્રાકૃતિક ખેતીને જન જન સુધી પહોંચાડાશે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
— પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ટ્રેનર કરીકે વેતન અપાશે
— પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશોના વેચાણ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બજાર ઉભું કરશે
— રાસાયણિક ખાતરથી ધરતી, મનુષ્ય અને પ્રાણીઓમાં પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલશ્રી
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી મળી બધા જ પ્રાકૃતિક ખેતી જન આંદોલન બને અને દેશભરમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે માટે પ્રયત્નશીલ છે. આ વર્ષમાં સમગ્ર ગુજરાતને ૧૦-૧૦ ગામના ક્લસ્ટર (સમૂહ)માં વહેંચી બે ટ્રેનર પ્રત્યેક ગામમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. જેના થકી પ્રાકૃતિક ખેતીનું અભિયાન જન જન સુધી પહોંચાડી શકાશે, એમ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાના પારડીમાં મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કહ્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું જે ઉત્પાદન થશે તેના વેચાણ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખેડૂતો માટે બજારની વ્યવસ્થા કરશે, જ્યાં સપ્તાહના દર ગુરૂવાર અને રવિવારે ખેડૂતો પ્રાકૃતિક ખેતપેદાશ વેચી શકશે. ખેતપેદાશ વેચનારને સરકારના બે અધિકૃત ટ્રેનર દ્વારા સર્ટિફિકેટ અપાશે, કે તેઓ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો છે અને ઝેરમુક્ત ખેતી કરે છે. તાલીમ આપનાર ખેડૂતોને સરકાર દ્વારા માનદ્ વેતન પણ ચૂકવાશે. આના થકી રાજ્યમાં મોટુ નેટર્વક ઉભુ થશે, જે અભિયાન રૂપે કામ કરશે.

પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવથી ખેડૂતોને નવી દિશા આપનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૩ વર્ષથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યના સાડા ચાર લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આ અભિયાનને જન આંદોલન તરીકે આગળ વધારવાનું છે. વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. વલસાડ જિલ્લો ખેતીવાડીથી સમૃધ્ધ છે. અહીંના ખેડૂતો સમગ્ર વિશ્વને મીઠી મધુર કેરી ખવડાવે છે.
રાસાયણિક ખાતરથી જમીન અને ખેતીના પાકને તેમજ પ્રજાના આરોગ્યને થઈ રહેલા નુકસાન અંગે રાજયપાલશ્રીએ જણાવ્યું કે, દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર ૨૪ ટકા જવાબદાર છે. જમીન વેરાન અને બિનઉપજાઉ બની રહી છે. છેલ્લા વર્ષે જાહેર થયેલા ભારતના ઓર્ગેનિક કાર્બન રિપોર્ટમાં દેશની જમીનમાં ૦.૩ – ૦.૪ થી નીચે ઑર્ગેનિક કાર્બનનું પ્રમાણ જોવા મળ્યું છે જે પહેલાં ૨.૫ થી ૫ ટકા હતું. છેલ્લા ૩ વર્ષથી જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ પોતાની જમીનના ઓર્ગેનિક કાર્બન ચેક કરાવશે તો ૧ થી ૧.૫ ટકા વધ્યું હોવાનું જોવા મળશે. રાસાયણિક ખાતરનો આમ જ ઉપયોગ થતો રહેશે તો આગામી ૫૦ વર્ષમાં ખેતીની જમીન આપણા ઘરના ફર્શ જેવી થઈ જશે કે જેના પર કંઈ ઉગાડી નહીં શકાય. ખેતરમાં રાસાયણિક ખાતર નાંખવાથી જમીન, મનુષ્ય અને પ્રાણીઓને પણ કેન્સર થઈ રહ્યું છે. લોકોને પણ રાસાયણિક ખાતરથી થતી ખેત પેદાશથી ૩ ઘણી વધારે ઝડપથી કેન્સર, હાર્ટએટેક, કીડની ફેઈલ્યોરના અને ચર્મરોગો થઈ રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. ૪૦-૫૦ વર્ષ પહેલાં લોકો આવી બિમારીને જાણતા પણ ન હતા પરંતુ હવે ઘરે ઘરે આ બિમારીઓ જોવા મળી રહી છે.

રાસાયણિક ખાતરમાં ૫૦ ટકા મીઠુ (નમક) હોય છે જે જમીનને પથ્થર બનાવે છે. જેના કારણે વરસાદમાં જમીન પાણી પી શકે નહી, જેની અસર છોડ પર પડશે, તે જડને મજબૂત પકડી નહીં શકે. જો જમીનને ફરી ઉપજાઉ બનાવવી હોય તો પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ સિધ્ધાંતો અને અળસિયાનું મહત્વ સમજાવ્યાં હતાં. રાજયપાલશ્રીએ ઉમેર્યુ કે, પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ભરપૂર માત્રામાં હોય છે. જેના થકી પાણી જમીનમાં ઉતરે છે. જમીનને ઉપજાઉ અને સક્ષમ બનાવવાનું કામ અળસિયા કરે છે. જેઓ જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ વધારે છે. જેટલા અળસિયા વધારે હશે એટલી જમીન ફળદ્રુપ બનશે. પરંતુ રાસાયણિક ખેતીથી અળસિયા અને જમીનને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુ તેમજ ઓર્ગેનિક કાર્બન વધારવામાં મદદરૂપ થતા તત્વોનો પણ નાશ થાય છે.
પ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાયના ગૌમૂત્રથી ૩૦ એકર જમીન પર સમૃધ્ધ ખેતી થઈ શકે છે. કારણ કે, ગાયના ૧ ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે. જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને ખેતીને સમૃધ્ધ બનાવે છે. જંગલની જમીનમાં કોઈ હળ કે ટ્રેકટર ચલાવતું નથી કે રાસાયણિક ખાતર નાંખતા નથી છતાં વૃક્ષો ફળોથી ભરેલા રહે છે. પ્રકૃતિ – પરમાત્મા જંગલના તમામ વૃક્ષોની જરૂરિયાતોની પૂર્તિ કરે છે. પ્રાકૃતિક ખેતી જીવન આપવાનું કામ કરે છે. ખેડૂતોનું કલ્યાણ કરે છે સાથે આત્માનું પણ કલ્યાણ કરે છે. લોકોને સ્વસ્થ જીવન આપે છે, એમ કહીને રાજ્યપાલશ્રીએ ગુરૂદક્ષિણામાં તમામ ખેડૂતોને શરૂઆતના તબક્કામાં જમીનના ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે રાજયપાલશ્રીને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું ત્યારબાદ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના ૧૦ સ્ટોલ્સનું નિરિક્ષણ કરી ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલેટ્સ ટ્રેથી સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સક્સેસ સ્ટોરીના પુસ્તકનું વિમોચન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવ પણ રાજ્યપાલ સમક્ષ વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય સર્વશ્રી રમણલાલ પાટકર, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, ગુજરાત રાજ્યના આત્મા પ્રોજેક્ટના નિયામક પ્રકાશ રબારી સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ જણાવ્યું કે, જિલ્લામાં ૧૬,૨૬૭ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેઓની ખેત પેદાશના વેચાણ માટે સાપ્તાહિક બજાર પણ ભરાય છે. આભારવિધિ પ્રાયોજના વહીવટદારશ્રી અતિરાગ ચેપલોતે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈએ કર્યું હતું.