Breaking News

રાજભવન પરિસરમાં નવનિર્મિત સ્વામી દયાનંદ સભામંડપમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

પ્રાકૃતિક કૃષિ પરંપરા અને સંસ્કૃતિ સાથે સંલગ્ન ‘મૉડર્ન સાયન્સ’ છે : શ્રી ટી. વિજયકુમાર

પોતાનું ‘મોડેલ ફાર્મ’ હોય એવા ખેડૂતો જ માસ્ટર ટ્રેનર તરીકે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે

6-10

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવા અપીલ કરી છે. રાસાયણિક ખેતીના અસંખ્ય દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા સિવાય કોઈ છૂટકો જ નથી. પ્રાકૃતિક ખેતી ઈશ્વરીય કાર્ય છે. પ્રાકૃતિક ખેતી અપનાવવામાં, આપણે ગુજરાત આખા વિશ્વને પ્રેરણા આપીએ.

રાજભવન પરિસરમાં નવનિર્મિત સ્વામી દયાનંદ સભામંડપમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાના સંયોજકો, કૃષિ અને બાગાયત વિભાગના રાજ્યના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોને સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતના દરેક ગામમાં એક પ્રાકૃતિક ખેતીનું ‘મોડેલ ફાર્મ’ બનાવીએ. હવે જેનું પોતાનું ‘મોડેલ ફાર્મ’ હોય એવા ખેડૂતો જ માસ્ટર ટ્રેનર તરીકે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે.

જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર પાક પદ્ધતિ જેવા તમામ આયામોનું વ્યવસ્થિત પાલન કરીને પદ્ધતિસર કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતીમાં પહેલા જ વર્ષે રાસાયણિક ખેતી કરતાં વધુ ઉત્પાદન મળી શકે છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગુજરાતમાં ૮,૫૦,૦૦૦ થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાસાયણિક ખેતીમાં જેમ યુરિયાથી ઉત્પાદન ઝડપી બને એમ પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આપણી ગતિ હવે યુરિયા જેવી ઝડપી હોવી જોઈએ. યુરિયા જેટલી સ્પીડે આપણે પ્રાકૃતિક ખેતીના મિશનને ઝડપભેર આગળ વધારીએ અને યુરિયાને પાછળ પાડી દઈએ. પ્રાકૃતિક ખેતી એ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ ઉપાય છે, સમાજની મોટામાં મોટી સેવા છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ વિશેષ મુખ્ય સચિવ (કૃષિ) અને વર્તમાનમાં આંધ્ર પ્રદેશ સરકારના કિસાન સશક્તિકરણ સંગઠનના કાર્યકારી ઉપાધ્યક્ષ શ્રી ટી. વિજય કુમારે આ પરિસંવાદમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું. અભ્યાસપૂર્ણ વક્તવ્યમાં તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પરંપરા અને સંસ્કૃતિ સાથે સંલગ્ન ‘મૉડર્ન સાયન્સ’ છે. જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે તે અન્નદેવતા છે, આરોગ્યના દેવતા અને જળ દેવતા પણ છે. તેને વિષ્ણુ અને સરસ્વતીની ઉપમા પણ આપી શકાય, એટલે તે સાચા અર્થમાં ‘ભગવાન’ છે. પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત સન્માનને લાયક છે. આખા વિશ્વને બચાવવાનું કામ પ્રાકૃતિક કૃષિના માધ્યમથી આપણા કિસાનો જ કરી શકે તેમ છે.

પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરવાથી પહેલા જ વર્ષે ઉત્પાદન વધશે, ખર્ચ ઓછો આવશે અને જમીનનું સ્વાસ્થ્ય સુધરવા માંડશે. ખેડૂતો લેશમાત્ર આશંકા રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે એવી અપીલ કરીને શ્રી ટી. વિજય કુમારે કહ્યું કે, ખેડૂતને દર મહિને પગારની જેમ આવક જોઈતી હશે તો પ્રાકૃતિક ખેતી સિવાય બીજી કોઈ પદ્ધતિ નથી. ખેડૂતો બારે મહિના ખેતી કરી શકે છે. દુષ્કાળની સ્થિતિ હોય કે અતિવૃષ્ટિની, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી બંને સ્થિતિમાં પરિણામો સારા જ મળે છે. પ્રાકૃતિક ખેતી શિસ્ત અને સિદ્ધાંતથી નિષ્ઠાપૂર્વક કરવી પડે છે.

આંધ્ર પ્રદેશના પ્રાકૃતિક કૃષિ તજજ્ઞ શ્રી ટી. વિજય કુમારે કહ્યું હતું કે, વૈજ્ઞાનિકો હવે ગ્લોબલ વૉર્મિંગ ને બદલે ગ્લોબલ મૅલ્ટીંગ અને ક્લાયમેટ ચેન્જને બદલે ક્લાયમેટ ઈમરજન્સી શબ્દો વાપરવા માંડ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ આ કટોકટીનો એકમાત્ર ઉકેલ છે. વિશ્વમાં જમીનનું ધોવાણ એ ગંભીર કટોકટી છે. પાણીની પરિસ્થિતિ પણ વિકટ થઈ રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી અપનાવ્યા વિના નહીં ચાલે. તેમણે કહ્યું કે, પહેલાં ખેતી અભણ વ્યક્તિ જ કરે એવી માન્યતા હતી આજે હવે ખેતી એ કોઈ પણ નોકરી કરતાં શ્રેષ્ઠ છે, એ સાબિત કરવાનો સમય આવ્યો છે.

રાજભવન પરિસરમાં ગત તારીખ ૧૫ મી ઓગસ્ટે ‘એટ હૉમ’ કાર્યક્રમ વખતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્વામી દયાનંદ સભામંડપ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે આ હૉલમાં પહેલો જાહેર કાર્યક્રમ યોજાયો હતો, તે પણ ખેડૂતોના હિતમાં. આ બાબતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિશેષ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના શુભારંભે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી-આત્માના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશભાઈ પટેલે સ્વાગત કર્યું હતું. કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ અને પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણાએ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post