Breaking News

ગુજરાતના મહેનતુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત બને : ખેતી અને ખેડુતોની સમૃધ્ધિ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

નવસારીમાં પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતની મહિલાઓએ પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ દ્વારા પોતાના શક્તિ-સામર્થ્યને સિધ્ધ કરી દેખાડ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના જનઆંદોલનમાં માતૃશક્તિને જોડીને ગુજરાત રાજ્ય નવી ક્રાંતિ કરશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ટાટા મેમોરીયલ હોલ, નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહીને નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાની કૃષક મહિલાઓ સાથે સીધો સંવાદ કરતાં કહ્યું હતું કે, ખેતી અને ખેડુતોની સમૃધ્ધિ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી આવશ્યક છે. પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતો અન્ય ખેડૂતો માટે  પ્રેરણાસ્ત્રોત બને તેવો અનુરોધ કરી તેમણે કહ્યું કે, ગુજરાતના મહેનતુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને દેશ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.

ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ (કેમ્પ-આણંદ), વલસાડ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડ, આલીપોર (વસુધારા) અને નેશનલ કાઉન્સિલ ફોર કલાયમેન્ટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક  લીડરશીપ, અમદાવાદના સંયુકત ઉપક્રમે આયોજીત પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનને સંબોધતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડુતો સમૃધ્ધ બને અને ખેતી આત્મનિર્ભર બને તે માટે અનેકવિધ પગલાં લીધાં છે. એટલું જ નહીં તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવવા દેશભરના ખેડુતોને આહ્વાન કર્યુ છે.

આજે આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, નિષ્ણાંતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો મોટો ફાળો છે. પ્રાકૃતિક કૃષિને કારણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થશે પરિણામે સબસીડી પાછળ ખર્ચાતા નાણાંની બચત થશે. જંગલમાં વૃક્ષો અને વનસ્પતિમાં કોઈ ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી  છતાં તેમના વૃદ્ધિ-વિકાસ થાય છે, જંગલમાં જે પ્રાકૃતિક નિયમોથી વૃક્ષ, વનસ્પતિનો વિકાસ થાય છે તે જ રીતે ખેતરમાં ખેતી કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ છે.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતોની સમૃઘ્ઘિ માટે આશીર્વાદરૂપ જણાવી આ કૃષિ પધ્ધતિના સિધ્ધાંતો વિશે સમજ આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ અને ગૌ-મૂત્રનો ઉપયોગ મહત્વનો છે, કારણ કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. ગૌ–મૂત્ર ખનીજોનો ભંડાર છે. જેના ભાગરૂપે બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. દેશી ગાયના છાણ, ગૌ-મૂત્ર,  દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત– ઘન જીવામૃત રૂપે કલ્ચર તૈયાર કરવામાં આવે છે. જે પ્રાકૃતિક ખાતર જેવું કાર્ય કરે છે. આ પધ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવાની- મલ્ચીંગ પધ્ધતિનું પણ મહત્વ છે. મલ્ચીંગથી જમીનનું ઉંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. જેથી આ પધ્ધતિમાં પાણીની પચાસ ટકા જેટલી બચત થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. પૃથ્વી અને આકાશનાં ઓર્ગેનિક કાર્બનનું સંતુલન જાળવી, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી વિશ્વના તમામ જીવોનુ રક્ષણ કરી શકાય છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધતો રહ્યો અને ઉત્પાદન ઘટવાના કારણે ખેડુતોની આર્થિક સ્થિતિ નબળી પડી છે.

રાજ્યપાલશ્રીએ રાસાયણિક કૃષિના દુષ્‍પરિણામોથી મુક્તિ મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી ઉપસ્થિત મહિલા ખેડુતોને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા. ભાવિ પેઢીને શુદ્ધ હવા, પાણી, જમીન, અને આબોહવા આપવા સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપવાનું પવિત્ર યજ્ઞકાર્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કરી રહ્યા છે. રસાયણોનો ત્યાગ કરીને સંપૂર્ણ ઝેરમુક્ત ખેતી કરવાનું આહ્વાન પણ રાજયપાલશ્રીએ કર્યુ હતું.

ગુજરાતમાં સાડા આઠ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં છે, તેનો ઉલ્લેખ કરી રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારના પ્રોત્સાહક પ્રયત્નોને કારણે ગુજરાતના પ્રાકૃતિક

કૃષિ જનઆંદોલનને નવું બળ મળ્યું છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીના વરદ હસ્તે મહિલાઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઈ,  જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકાર શ્રી પુષ્પલતા,  ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર ડો. સી. કે. ટીમ્બડીયા, નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર કુલપતિ ડો. ઝેઙ. પી. પટેલ, રાજ્ય સંયોજકશ્રી પ્રફુલભાઈ સેંજલીયા, ડો. એ.આર. પાઠક, પુર્વ કુલપતિ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, ડો. કીરીટ શેલત, વસુધારા ડેરીના પ્રમુખ શ્રી ગમનભાઇ પટેલ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post