Breaking News

:: રાજ્યપાલશ્રી ::
ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે
રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે
રાજ્યભરમાં ૧,૪૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે
દસ ગામ દીઠ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે
પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ રાજ્ય બનશે


રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું


આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાઈ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડુતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહીં, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહી તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, હાલોલ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સંબોધન કર્યું હતું. આ કાર્યશાળામાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ૬૦૦ જેટલા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. આ અવસરે રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિનઉપજાઊ બની રહી છે.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે, એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૪૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે.

તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કૃષિ ઉત્પાદનોને યોગ્ય બજાર મળી રહે તે માટે દસ ગામ દીઠ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જ્યા ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકશે.

ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ રાજ્ય બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) એ પણ પ્રાકૃતિક ખેતી અંગેનો અભ્યાસક્રમ બનાવ્યો છે. જેનો ગુજરાત સહિત દેશની અન્ય કૃષિ યુનિવર્સિટીઓમાં બી.એસ.સી,/એમ.એસ.સી. કોર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હિસ્સાર કૃષિ યુનિવર્સિટીના ડૉ. બલજીત સહારને જણાવ્યું કે, ખેતીમાં વધૂ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સુક્ષ્મ જીવાણુઓનું પ્રમાણ ઘટતા ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે, પ્રાકૃતિક કૃષિ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધે છે. એટલું જ નહી ઝડપથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનાં પણ વધારો થાય છે. જમીનમાં સુક્ષ્મ જીવાણુઓની ચાવી રૂપ ભૂમિકા રહેલી છે ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમજી આ જીવાણુંઓનું પાલન પોષણ કરવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રારંભમાં ગુજરાત પ્રાકૃતિક યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડીયાએ કાર્યશાળાનો હેતુ સમજાવી સૌનો આવકાર કર્યો હતો. અંતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.બી.કથિરીયાએ આભાર દર્શન કર્યું હતું.

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ ગુજરાતના સંયોજક શ્રી પ્રફુલ સેંજલીયા, કલેકટરશ્રી ડી.એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post